બબૂચક

ત્યારે બચુ આદર્શનું પૂતળું બની ગયો હતો.ભણવા ગણવામાં તો શિક્ષકપુત્ર હોવાથી તે હોંશિયાર વિદ્યાર્થી તો હતો જ.પરંતુ સાથે સાથે નાનપણથી ઈતર સાહિત્યના પઠન-પાઠનમાં પણ તેને પુષ્કળ રસ હતો.હિન્દી-મરાઠી-બંગલા સાહિત્યના અનુવાદો વાંચવામાં તેમજ પોતાની ગુજરાતી ભાષાના સાહિત્યને તો ઘોળીને પીવામાં તેને જબરો રસ હતો.અંગ્રેજી સાહિત્ય પણ એટલાજ ઉત્સાહ અને પ્રેમથી વાંચી તે પોતાની સાહિત્યવાચનની ભૂખ મન ભરીને સંતોષતો.તે નાની ઉમરમાં લખતો પણ થઇ ગયો હતો.તે કવિતા પણ કરતો અને વાર્તાઓ-એકાંકીઓ પણ લખતો.સાથે સાથે જીવન- ચરિત્રો વાંચવા,પ્રવાસ વર્ણનો દ્વારા પ્રવાસસુખ માણવું, ગાંધી સાહિત્ય ઘોળીને પી જવું, ઇત્યાદિ પણ તેને અતિ પ્રિય હતું.તે ખાદી-પ્રેમી થઇ ગયો હતો.રેંટીયો પણ ચલાવતો.કાંતેલું સૂતર ખાદીભંડારમાં આપી તે ખાદી  ખરીદતો અને હરહમેશ ઝભા -પાયજામા, શર્ટ- પેન્ટ સુદ્ધા ખાદીના જ પહેરતો.સંસ્કાર તેની વાણી અને વર્તનમાં છલકતા દેખાતા.માતા-પિતાનો એકનો એક પુત્ર હતો તોય ખોટા લાડમાં આવી કોઈ કરતા કોઈ ખોટો  શોખ કે નામનું ય વ્યસન તેણે પોતાનામાં આવવા નહોતું દીધું.

એક વાર સમાજના – શાળાના સ્વર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે રવિશંકર મહારાજ મુખ્ય અતિથિ તરીકે પધાર્યા તો  સહુ કોઈને તેઓ પ્રતિજ્ઞાઓ લેવડાવતા હતા.ત્યારે જ બચુએ ખાદી જ પહેરવાની, ચા છોડી દેવાની અને ચલચિત્રો ન જોવાની એમ ત્રણ પ્રતિજ્ઞાઓ લઇ લીધેલી અને તેમનું પાલન તે અક્ષરશ:કરતો રહેતો.તે જો માતા-પિતાનો એક નો એક પુત્ર ન હોત તો તેમની કે વિનોબા ભાવેની કે પછી મહાત્મા ગાંધીજીની કોઈ ને કોઇ  ચળવળમાં  જોડાઈ પોતાનું જીવન સમર્પણ  કરી બઠો હોત એટલું બધું તેનામાં આદર્શનું ભૂત સવાર થયેલું હતું.
પિતાની આવક ઓછી હોવાથી સાદું જીવન તેણે સહજમાં અપનાવી લીધેલું.તેના ચપ્પલ પણ ખાદી ભંડારના જ સસ્તા અને અહિંસક રહેતા.તે જે કાંઈ લખતો તેનો પુરસ્કાર મળતા તેની  ખુશી થતી.કુલ કૈંક તો ભેગા થઇ જતા.તદુપરાંત ઇન્ટરમીડિયટમાં આવ્યો એટલે પિતાને કહી એકાદ ટ્યુશન પણ મેળવી લીધું જે તેના અતિ આનંદનો વિષય હતો.તે આદર્શ શિક્ષક કે પ્રોફેસર બનવા માંગતો હતો.ટ્યુશન તો હકીકતમાં એક પારસી સાત વર્ષની બાળકીનું જ હતું અને તેણે બધુ  જ ભણાવવા માટે મળનારી માતબર રકમ કુલ પાંચ જ રૂપિયા હતી.પણ એનો તેને વાંધો  ન હતો ટીપે ટીપે સરોવર ભરાય અને કરકસર મોટો ભાઈ છે એ વાત તે નાનપણથી શીખેલો-સમજેલો-અપનાવી ચુકેલો.રેડિયો સ્ટેશન પર પણ ઓડીશન માટે ગયો અને  એકાન્કીઓમાં ભાગ લેવાના દર પ્રોગ્રામમાં દસ રૂપિયા પણ કમાવા મળતા તેનો આપકમાઈનો આનંદ વિશેષ વધી ગયો.વધુ વાર્તાઓ લખવાથી પુરસ્કારની રકમો પણ વધતી ગઈ તેથી તે ખુશ હતો.રેડિયો પર પણ તે એકાંકીઓ લખીને મોકલતો અને તે સ્વીકૃત થઇ ભજવાતી તો તેના પણ પચ્ચીસ રૂપિયા મળતા થયા.આમ સરેરાશ તે પચાસ અને સોની વચ્ચે કૈંક કમાઈ જ લેતો.

પોતાના ભણતરનો,પોશાકનો,પુસ્તકો-નોટબુકોનો,પેન-પેન્સિલનો ખર્ચ તે પોતે જ કાઢી
લેતો.કોલેજ તો ચાલીને જ જતો એટલે બસના ખર્ચની પણ કરકસર થઇ જતી.વળતા બાને મદદરૂપ થવા શાક – ભાજી,ફ્રુટ વી.પણ ચાલીને જ ખરીદતો આવતો.તેનો એક જિગરી મિત્રઅને સાથીદાર પણ તેની ભેગોજ તેના જેવોજ હતો એટલે એકથી ભલા બે નો તાલ હતો.બેઉ આદર્શ,બિનખર્ચાળ ને સાદગીના સાકાર સ્વરૂપજ હતા.બચુને તો ભાઈબહેન કોઈજ નહિ એટલે મિત્રને ઘેર જ વધુ રહેતો,ભણતો ને રમતો તો ક્યારેક જમી પણ લેતો.એ મિત્રનું નામ પણ જે હોય તે ;પણ ઘરમાં તેમ જ મિત્રોમાં તે પાપાના નામે જ વિશેષ જાણીતો હતો.બચુ-પાપાની જોડીને સહુ કોઈ ઓળખતા,જાણતા અને તેમની દોસ્તીની તેમ જ તેમની સારી ટેવોના વખાણ પણ ખૂબ ખૂબ કરતા રહેતા.પાપાના પિતાશ્રીએ જ નવી પહેલી ગુજરાતી શાળા સ્થાપી ત્યારે પહેલા હેડ-માસ્તર તરીકે બચુના પિતાશ્રીને બોલાવેલા અને કાયમ માટે બીજા પાંચ સાથીદાર શિક્ષકોને પણ  સાથે જ નીમીને સારા શુભ મુહુર્તે શાળા ની સ્થાપના કરેલી-કરાવેલી.એ શાળાનું નામ પણ ‘આદર્શ શાળા’રાખેલું અને શિક્ષકોને ગુરુજી  અને હેડ-માસ્તરને મોટા ગુરુજી  કહેવા-કહેવડાવીને નવી આદર્શ પ્રથા પ્રશસ્ત કરેલી.વિદ્યાર્થીઓ-વિદ્યર્થિનિઓમા તો ઠીક; આ તો આખા શહેરના ગુજરાતી સમાજમાં સહુ શિક્ષકો ગુરુજીના નામે જ અને હેડમાસ્તર મોટા ગુરુજીને નામે જ જાણીતા તેમ જ લોકપ્રિય થઇ ગયા.

 સંતોષી  ગુરુજીનું નામ હતું આનંદ અને તેમની પત્નીનું નામ હતું  રમા.પહેલા એ સહુ ઇન્દોર રહેતા હતા અને વેકેશનમાં ત્યાં આવ-જાવ પણ કરતા રહેતા એટલે એક પોતાની જ જ્ઞાતિના પરિવાર સાથે સારો ઘરોબો હતો.એ પરિવારના વડીલ દાદાએ ઘર કરતા વર જોવો તેમાં ડહાપણ   છે, સમજી પોતાની મોટી પૌત્રી કુમુદ માટે આનંદ- રમાના પુત્ર બચુને પસંદ કરી સગાઈનો પ્રસ્તાવ મોકલ્યો.માતા-પિતાએ બચુને પૂછ્યું તો તેણે કહ્યું “મારી જોયેલી જાણીતી છોકરી છે એટલે મને પસંદ છે”.તો ય એક વાર જોઈ આવવા માટે માતા-પિતાએ આગ્રહ કર્યો.

સામેવાળાઓ પણ આગ્રહપૂર્વક બચુભાઈને બોલાવી રહ્યા હતા.છેવટે બચુભાઈ ત્યાં ગયા.ત્યાં તેને સારી રીતે રિસીવ કરવામાં આવ્યો.ઘરમાંજ નીચે એક ઘર-ઓફીસ જેવું હતું ત્યાં તેના રહેવા-સૂવાની સારી વ્યવસ્થા પણ કરી રાખી હતી.મધરાતે તેની ટ્રેઈન પહોંચતી હતી એટલે તે તો પહોંચતા જ સૂઈ ગયો.તેને સૂતા પહેલા સન્માનપૂર્વક પ્રેમથી કેસરિયું  દૂધ આપવામાં આવ્યું.સવારે વહેલો ઊઠી તે પોતાની આદત પ્રમાણે યોગાસનો કરી,બ્રશ-પાણી કરી ત્યાં જ ઓફીસના બાથરૂમમાં નાહી -ધોઈ તય્યાર થઇ ગયો- પોતાના ખાદીના  ઝભા-પાયજામા પહેરીને.ત્યાં તો ચા-બિસ્કિટ લઈને કુમુદ આવી.બે-ત્રણ વર્ષ પહેલા બચુએ તેને જોઈ હતી.હવે તે મોટી લાગતી હતી.દેખાવડી અને સુંદર પણ લાગતી હતી.બે ચોટલાવાળું તેનું માથું,ગોળમટોળ સસ્મિત મુખારવિંદ,તેજસ્વી આંખો અને ચા-બિસ્કીટની ટ્રે સાથે મલપતી ચાલતી આવતી કુમુદ તેના મનમાં વસી ગઈ. ધાર્યા કરતાય તે વધુ ગમી જાય તેવી સોહામણી લાગી રહી હતી.બે કપ ચા લઈને તે આવી હતી.બચુભાઈ શરમાતા શરમાતા બોલ્યા:”હું તો ચા પીતો જ નથી.રવિશંકર મહારાજ પાસે મેં ચા ન પીવાની
બાધા લીધી છે.”કુમુદને આ વિચિત્ર લાગ્યું. તે રમૂજી સ્વરે બોલી;”તો શું દૂધ પીઓ છો?”
”હા”જેમતેમ એ બોલી શક્યો.કુમુદ ઉપરથી કેસર-બદામ-પિસ્તાવાળું દૂધ લઈને આવી.તે પીધું.કુમુદને તો બિચારીને ઠંડી થઇ ગયેલી ચા જ પીવી પડી.”બીજી શી શી બાધાઓ લીધી છે તમે?”તે પૂછ્યા વગર ન રહી શકી.”કાયમ ખાદી જ  પહેરવી તે બીજી બાધા લાગે  છે?.”જો કે પહેલા હું  કાંઈ ખાદી નહોતો પહેરતો.ચા પણ સવારે-બપોરે પીતો જ.અને ત્રીજી બાધા સીનેમાઓ ન જોવાની લીધી છે.”બચુભાઈ બોલ્યા.

કુમુદે હસીને પૂછ્યું:”સિનેમા પણ પહેલા તો જોતા જ હશોને?છેલ્લું કયું પિક્ચર જોયેલું?”
“અનમોલ ઘડી.”બચુભાઈ યાદ કરીને બોલ્યા.

“ગમેલું?”કુમુદે પૂછ્યું.”બહુ જ”ગાયનો પણ સરસ એકથી એક ચઢિયાતા હતા અને વાર્તા,એક્ટિંગ પણ ગમી જાય એવા હતા.”તમે જોયેલું?” “હા.અને આપણી પણ આ અનમોલ ઘડી જ છે ને?” પહેલી વાર કુમુદને નવાઈ લાગી:’મને આમ ‘તમે’ ‘તમે’ કરશો તો ‘તું’ ક્યારે કહેવાનું શરુ કરશો?”હું તો તમને પણ ‘તું’ જ કહેવા માંગું છું.”

બચુભાઈ મૂંઝાઈ ગયા.બોલ્યા:’પરણ્યા પછી.અને તે પહેલા આપણે એકબીજાને પસંદ કરી ગોળધાણા ખાઈએ,સગાઇ કરીએ તે પછી જ.”

“આ પણ બધું પછી જ?તમારી બાધા છોડીને મારી સાથે  કોફી પીવાનું પસંદ કરશો?કોફીની તો બાધા નથી લીધીને?અને મારી સાથે નાટક જોવા તો આવશોને?સિનેમાની બાધા લીધી છે તો  નાટકની તો છૂટ છેને?”કુમુદે મજાક કરવાનું શરુ કર્યું.બચુભાઈ બોલ્યા:”હા,નાટક તો જોવા જવાય.તેની બાધા નથી લીધી.”

“તો આજે સાંજે નાટક જોવા જઈશું .નવું જ છે.અને મન થાય તો પિક્ચર પણ જોવાય.મારી સાથે ચા ય પીવાય.હવેથી આમ પરણ્યા પહેલા, પત્નીને પૂછ્યા વગર બાધા નહિ લેવાની એવી મારી પાસે બાધા   લો.મારી આંખોમાં આંખો ન મેળવવાની તો બાધા નથી લીધીને?” કુમુદે બચુભાઈની  હવે હિમતપૂર્વક ફિરકી ઊતારવાનું શરુ કર્યું.”અને તમને હું પ્રેમની પહેલી ભેટ તરીકે સૂટ-બૂટ,શર્ટ-ટાઈ અપાવું તો તે તો જેમ પ્રેમથી મને સ્વીકારો તેમ તેને પણ સ્વીકારો કે નહિ?”

 બચુભાઈનો  મૂંઝારો વધી ગયો.”હું તો તમને સ્વીકારવા તય્યાર છું.પણ તમે-સોરી,તું મને સ્વીકારે છે?”

કુમુદ બોલી:’હા,પણ તમારું આ બચુ  નામ અને આવું બબૂચક જેવું વર્તન બદલો  તો જ.હજી તો તું મને સ્પર્શ કરતાય ગભરાય છે.જા,તારી કિટ્ટા!તારે  બુચ્ચા  કરવી હોય તો ઉપર આવી મારી બનાવેલી કોફી પી,મારી સાથે સૂટ-બૂટ.શર્ટ-ટાઈ વી.લેવા ચાલ અને સાંજે નાટક એ જ પહેરીને આવવું પડશે તો જ આપણી બુચ્ચા અને નહિ તો કિટ્ટા,હા….”

ખાદીના જ હતા તે  શર્ટ -પેન્ટ પહેરી તે કુમુદ સાથે રેડીમેઈડ સ્ટોરમાં ગયો.કુમુદની વાતોથી,અને તેનાથી પણ વધુ તેના બિન્ધાસ પ્રેમથી તે પ્રભાવિત થઈ ગયો.રિક્ષામાં એ ચોંટીને જ બેઠી એ તેને થોડું ગમ્યું, થોડું ન ગમ્યું.ખરીદી તો થઇ ગઈ.સાંજે નાટકમાં બચુ કુમુદની ખરસી પર હાથ રાખતાય ડરતો હતો કે બહુ સ્પર્શ થઇ જશે.”સાવ બબૂચક જ છો.મને અડો,પકડો અને ઘરે જતા પહેલા બુચ્ચી કરો તો જ આપણા બુચ્ચા, નહિ તો કિટ્ટા જ કિટ્ટા!”બચુના કાનમાં મો નાખી તે હસતા હસતા બોલી.તે મુગ્ધા હતી.પ્રેમની પ્યાસી અને ભૂખી હતી.સાચો,ઊંડો પ્રદર્શિત,પ્રેમ જ તેનો આદર્શ  હતો.બચુ તેને બહુ ગમી ગયો હતો.દેખાવે દેઆનંદ જેવો નમણો.આકર્ષક અને પ્રભાવશાળી તણું તન-મન-બદન હતું.તેને બચુ બધી રીતે અતિ પસંદ હતો.તેની આદર્શોની ઘેલછાઓથી જ તે ચેકાઈ હતી અને એટલે મજાક મજાકમાં એ તેને બદલી નાખવા માંગતી હતી.તે પણ બચુની જ ઉમરની હતી અને ઇન્ટરમીડીયેટમાં ભણતી હતી.બહુ ભાઈબહેનો અને સહેલાઈઓ સાથે હરતી ફરતી,રમતી-ગમતી તેથી સ્વભાવે આનંદી,મોજીલી અને બિન્ધાસ થઇ ગઈ હતી.નાટકથી પાછા ફરતા પહેલા અંધારું થતાંજ તે બચુનો હાથ પકડી બોલી :”ચાલો,બચુભાઈ- બબૂચક”નાટક પૂરું થયું.તમારે શરુ કરવું હોય તો તમારું પ્રેમ- નાટક શરૂ કરી શકો છો.

બચુ પોતાનાજ મન અને મનની આદર્શ માન્યતાઓની ગુલામીમાંથી એકાએક મુક્ત થયો..તેણે કુમુદનો હાથ ચૂમી લીધો અને કહ્યું:’ચલ.તારો હાથ તો કમળની ડંડી જેવો પાતળો અને કોમળ છે.”

“વાહ,વાહ!તો તું કવિતા પણ કરે  છે  ને શું?હવે નેત્રોને,મુખારવિંદને,હોઠોને – બધાને કમળ કમળ કહી કમળને કરમાવતો નહિ.ચલ,વળતા ‘હેવ મોર’માં છોલા-ભટૂરા,સમોસા-ટૂટી-ફ્રૂટીઆઈસ્ક્રીમ ખાઈને જ જઈએ.મેં ઘરે જમવાની ના જ પાડી રાખી છે.”‘હેવ મોર’માં પહોંચી પેટ-પૂજા પ્રેમથી કરીએ.”કુમુદ બોલી.

બચુ ને કુમુદ એક સિંગલ કપલ બેસી શકે એવા નાનકડા ફેમિલી સેક્શનમાં બેઠા.ઓર્ડર અપાયો,ધીરે ધીરે બધું આવતું રહ્યું.કુમુદે પૂછ્યું:”તમારે ત્યાં પણ ‘હેવ મોર’ તો હશે જ ને? મને તો તેનું ખાવાનું અને આઈસ્ક્રીમ બહુ જ ભાવે.”

‘સરસ.મને પણ ભાવે.અમે બે મિત્રો ક્યારેક ત્યાં જઈએ,ક્યારેક ઇન્ડિયા કોફી હાઉસપણ જઈએ અને ક્યારેક ‘સુખ નિવાસ’ નામની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરંટમાં પણ જઈએ.આપણે પરણી જઈએ એટલે ઘરમાં જ સુખ હોય એટલે મારે તો ઘર બાંધવું  છે તેનું નામ પણ ‘સુખ નિવાસ’જ રાખવું છે.ભર જેવું ‘સુખ નિવાસ’ બીજે  ક્યા હોય?”બચુ વાચાળ થવા લાગ્યો.

“ના. રે, ના,આપણે તો આપણા ઘરનું નામ ‘બચુ – બબૂચક નિવાસ’ પાડીશું.કેવું લાગશે?”

બચુથી રહેવાયું નહિ.તે ભાવાવેશમાં આવી બોલી ઊઠ્યો:”હું બબૂચક ભલે હોઉં;ઉછ્ર્ન્ખલ તો નથી જ ને?આજના યુવકો તો પહેલી જ મુલાકાતમાં બધી જ છૂટ  લઇ લે એવો તો હું  નથીને?”

“તો થોડી લઇ લો તોય શું.પરણવાના જ છીએને?એકબીજાને પ્રેમથી ભેટીએ,કે,એકબીજાના વાળ પર હાથ ફેરવીએ કે સ્નેહની છાપ તેમ જ પ્રથમ મિલનની યાદ જેવી બુચ્ચી કરીએ તો  તે કાંઈ  ઉછ્ર્ન્ખલ્તા ન કહેવાય,બલ્કે આવું ન કરી શકનાર બબૂચક કહેવાય.તારે’બચુ- બબૂચક’ બનવું છે કે ‘બચુ ‘ બુચ્ચી-પ્રેમી’બનવું છે?”

કુમુદે પ્રેમીલા નેત્રોની પ્યાર પ્યાલીઓથી  પ્રેમ મદિરા પાતા-પાતા મીઠો ઈશારો કર્યો.બચુથી રહેવાયું નહિ.તેણે કુમુદને ભેટીને  ચસચસાવીને  એક રસ ભર્યું સ્નેહ્ચુમ્બ્ન કરી તેના ગુલાબી ગાલ લાલ લાલ કરી નાખ્યા.અંદર બિલ  અને વધેલી રકમ લઈને આવતો વેઈટર શરમાઈને પાછો ગયો.કુમુદ અને બચુ બહાર નીકળતા એ વેઈટરને “કીપ ધ ચેઈન્જ “કહી ‘હેવ મોર”માંથી બહાર  આવ્યા.હવે પરણ્યા પછી તો રોજ “હેવ મોર “જ છેને?”એવો લુપ્ત-ગુપ્ત-સુષુપ્ત ભાવ બેઉના મનમાં એક સરખો જ ઉછળકૂદ કરી રહ્યો હતો.હવે જે રિક્ષામાં બેઠા તેમાં બચુબબૂચક કુમુદના ગળામાં હાથ રાખી પોતે જ વધુ ચોંટીને બેઠો. ઘરે પહોંચી કુમુદ બોલી:”તમારું નામ હું હવે બદલીને ‘બકુલ’ પાડું છું.ગમશે ને”  “મને તો તારું આપેલુ ‘બબૂચક’ નામ પણ ગમી ગયું.વહાલી વહાલથી જે નામે બોલાવે તે તો વહાલું જ વહાલું લાગે ને?”

સમાપ્ત

(‘બબૂચક’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે)

Leave a comment

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.