ગૌરીનું ગૌરવ…

 

માની  ન શકાય તેવી વાત કહેવાય;પણ એ હકીકત હતી કે ગૌરી જયારે પરણી ત્યારે જેટલી પ્રસન્ન થઇ હતી તેથી અનેક ગણી પ્રસન્ન તો તે વિધવા થઇ ત્યારે થઇ.ધનવાન  પતિ વિલાસને  મેળવી તે ખુશ તો જરૂર થયેલી ;પણ તે પછી ધનવાન પતિના ચિત્ર -વિચિત્ર લક્ષણો જોઈ તે નિરાશ,હતાશ અને દુખી દુખી થઇ ગયેલી. લાયબ્રેરી સાયન્સમાં સ્નાતક અને અનુસ્નાત્ક થઇ તે બ્રિટીશ લાયબ્રેરીમાં જોબ  પણ કરતી હતી.ગુજરાતી,હિન્દી.મરાઠી અને બંગાળી સાહિત્ય તો તે નાનપણથી  ખૂબ ખૂબ ઉત્સાહ અને શોખથી વાંચતી રહેલી.આવી સાહિત્યપ્રેમી ગૌરીએ તો પ્રસન્ન દામ્પત્યનીવાર્તાઓ.

નવલકથાઓ અને જીવન ચરિત્રો વાંચી વાંચી પોતાના સુખમય દામ્પત્ય જીવનના રંગીન  સપનાઓ પણ સેવેલા.પણ આતો ધનવાન પતિ હતો;મનવાન તો નામ માત્રનો પણ ન હતો.તે તો દિલદાર પતિની,દિલોજાનથી ચાહનાર પતિની સુખદ સુખદ કલ્પનાઓનો ભવ્યાતિભવ્ય ભંડાર ભેગો કરીને પિયરથી પતિગૃહે હોંશે હોંશે પ્રસન્નતાથી છલકાતા હૈયે આવી હતી.  સવારે પોતે વહેલી ઊઠી નાહી ધોઈ પૂજાપાઠ કરી પતિને પ્રેમથી જગાડે તો સ્મિત કરતો,આળસ મરડતો પ્રેમાળ પતિ પૂછે:”આટલી વહેલી કેમ ઊઠી ગઈ?આવ મારી પાસે બેસ.મારી પહેલી બેડ ટી-આઈ મીન ગુડ ટી તો તું જ છે.તારી બે હોઠોની ગુલાબી ચા અને ચાહ ની ચુસકી લઈને જ,તને ભેટવાનો બ્રેકફાસ્ટ કરીને જ,  હું તો ઊઠવાનો.પછી જ આપણો રેગ્યુલર   ચા-નાસ્તો કરીશું.” તેને બદલે આ ધનવાન પતિ મહાશય તો ભર ઊંઘમાં,રાતે જેની સાથે મોજ માણી હોય  એવી કોઈ  ને યાદ કરતો તેનું નામ બબડતો,નસકોરા બોલાવતો સૂતેલો ને સૂતેલો જ રહે.પોતાને એકલીને જ ચા પીવી પડે,નિરાશાના નાસ્તાસાથે.પતિની બનેલી ચા ન તો તેમણે માયક્રોવેવમાં તેમના જાગ્યા પછી ગરમ કરીને અપાય;કે ન તો તે ફેંકી શકાય કે ન તો કોઈ નોકર-ચાકર કે કામવાળીને આપી શકાય.

સાસુ-સસરા પણ લાડકવાયા એકના એક દીકરાને કાંઈ કરતા કાંઈ કહી શકે તેમ ન હતા.પતિ જાગે ત્યારે તેની મરજીમાં આવે તેમ હુકમ કરે:’પહેલા મારું માવાવાળું પાન મંગાવો.ચા પછી મોડેથી..”પોષાય તેમ હોવા છતાય મોંઘી સિગરેટ  ને બદલે આદતથી મજબૂર હોવાથી  બીડી સળગાવી તેને ફૂંકતો તે ટોયલેટમાં ઘૂસતો સાથે સંસ્કારી ઘરમાં જવાય-રખાય કે મૂકાય નહિ તેવા અંગ્રેજી મેગેઝીન્સ લઈને, જેમાં જોવા ન ગમે એવા ગંદા નગ્ન ચિત્રોની ભરમાર રહેતી.

અર્ધા કલાકે બહાર નીકળી તે આવેલું માવાવાળું પાન મોઢામાં નાખી ટી.વી.ચાલુ કરી શેરબજારના સમાચાર આપતી ચેનલ જોવા બેસી જાય.સાથે ઝડપી નજરે ‘ઇકોનોમિક ટાઈમ્સ’પેપર પણ જોતાજોતા થોડી વારે કહે:”હવે મારી ચા આવવા દો,કડક અને ડબલ મીઠી.”આ દરમ્યાન તે ગૌરીની સામે જુએ તો જુએ.મોટા ભાગે ન જ જુએ.”ગૌરી કડક ચા બનાવી ચાર ચમચી સરખી ખાંડ નાખી ટ્રેમાં ચા લાવે.સાથે ગ્લુકોઝના, ડબલ ક્રીમના, મોનેકાના અને બીજા કોઈને કોઈ નમકીન બિસ્કિટ વી.મોટી ડિશમાં વિલાસરાવની સામે મૂકે.

ત્યારે રાતે કરેલ નશાથી હજી નશીલી જ રહેલી નજરે ગૌરી સામે જુએ અને કહે:”મારી પહેલા જ ચા પી લીધી?કોઈ મેનર્સ જ નથી શીખવાડ્યા તારા માબાપે?જ,લઇ આવ તારી ચા અને પી મારી સાથે.”બિચારી ગૌરી ઝડપથી પોતાની ચા
બનાવીને લાવે ત્યાં તો વિલાસરાવ ચા-બિસ્કિટ પતાવી ફરી પાછી બીડી સળગાવી બીડીની વાસ ફેલાવતો ધુમાડો, ગોટેગોટા કાઢવા માંડે. રાત આખી દારૂની વાસ અને સવાર સવારમાં બીડીના ધુમાડા અને વાસથી ગૌરી ત્રાસી જતી.રહેવાય નહિ કહેવાય નહિ,સહેવાય નહિ એવી સ્થિતિ તો પરણ્યા એટલે ચાલો લાડી, જઈએ આપણે ઘેર રે!”આ ઘેરના ઘેરામાં તો ધનના ઢગલા વચ્ચે મન મારીને જ જીવવાનું સ્વીકારવું રહ્યું એ ન ગમતું સત્ય તેના ભાગ્યમાં આવ્યું જ હતું,જે દિવસે એ પરણીને સૌભાગ્યવતી થઈને પતિગૃહે આવી  જ ગઈ.ઘરમાં રસોઈયો હતો જે નવના ટકોરે આવીજતો.સવાર સાંજના વોચમેન હતા.કામવાળીઓ પણ  વાળવા વાળી જુદી,ડસ્ટીંગ કરવા વાળી જુદી,પોતા-પોંછા  કરવા વાળી જુદી, વાસણ  કરવા વાળી જુદી  અને કપડા ધોવા વાળી પણ જુદી. બગીચાના માળી -માલણ પણ જુદા.એક ફોજ જ હતી.સોના-ચાંદી-હીરા-મોતીનો વેપાર ,મોટો શોરૂમ.રાતે નોટો  ગણવા માટે તો ઘરમાં બેંક જેવું મશિન પણ ખરું.

રોજની વેચાણની આવક લાખોમાં.શેરબજારમાં પણ તેજી હોય ત્યારે લાખો કરોડોની કમાણી થાય.આવા ધનવાન ઘરનો એક માત્ર વારસદાર વિલાસ વિલાસી થઇ ગયો તો તે કોઈ નવાઈની વાત ન જ કહેવાય.રોજ રાતે ક્લબોમાં જવું,પત્તા ટીચવા,ડાન્સ- બારોમાં મોજ-મસ્તી કરવા જવું,તવાયફોના કોઠા પર જવું એ તો વિલાસનો વાસ્તવમાં જન્મસિદ્ધ અધિકાર જ હતો.માબાપ જોતા-જાણતા;પણ આંખ આડા કાન કરી લેતા.ધનદોલત અને મોટા નામના આધારે વિલાસને ગૌરી સાથે પરણાવી પોતાની ફરજ પૂરી કરી લીધી હોય તેમ સમજી પોતાની શાનમાં અને તાનમાં જીવ્યે જતા. લગ્નના એક જ વર્ષમાં તે સંયોગે પ્રેગ્નન્ટ થઇ અને ઘરમાં સહુ ખુશ થયા કે કરોડોની સંપત્તિનો વારસદાર જન્મશે અને તે ખ્યાલથી ગૌરીનું વિશેષ ધ્યાન રાખવામાં આવવા લાગ્યું.તેનું મહત્વ વધી ગયું.

ગૌરી પણ મૂર્ખ ન હતી.તે સમજતી હતી કે આ તો વારસદારની લાલચના સ્વાર્થે તેનું મહત્વ અને ગૌરવ વધી રહ્યું છે,વધારી દેવામાં આવ્યું છે.પતિદેવ વિલાસરાવ પણ થોડા કૂણા પડ્યા હોય, થોડા પ્રેમાળ પણ નાટકીય રીતે થયેલા દેખાવા લાગ્યા.સાતમે મહિને તેનો ધામધૂમથી સરસ રીતે ખોળો  ભર્યો, તેના માબાપ, ભાઈબહેન સહુ આવ્યા.સગા વહાલો,મિત્રો, સ્નેહીઓ,વેપારીઓ સહુ સહપરિવાર આવ્યા,સારો જમણવાર થયો.તે પછી બરાબર બે -સવાબે મહિને શહેરના સર્વોત્તમ અને સહુથી ખર્ચાળ ઊંચા સ્ટેટસ વાળા લગભગ ફાઈવ સ્ટાર જેવી સગવડ વાળા નર્સિંગ હોમમાં દાખલ થઇ ગઈ.બરાબર મધરાતે તેને જોડિયા પુત્રીઓને જન્મ આપ્યો.રૂપ રૂપના અંબાર જેવી બબ્બે લક્ષ્મીઓએને જોઈ ગૌરી રાજી રાજી થઇ ગઈ.તેને લાગ્યું કે લક્ષ્મી અને સરસ્વતીનો જન્મ એક સાથે થયો.પણ સાસુનું મોઢું ઉતરી ગયું.સસરા પણ સમાચાર ફોન પર સાંભળી ખાસ ખુશ ન થયા અને સવારે પૌત્રીઓને જોવા પણ ન આવ્યા.પતિ મહાશય તો પોતાની મોજ-મઝાની રંગીલી દુનિયામાં જ ડૂબેલા હતા.

સવારે ઊંઘ ઊડી તો સમાચાર સાંભળતા જ રાતે ખૂબ હારીને આવ્યા હશે એટલે કે પછી શેર બજાર એકદમ બેસી ગયું જોઈ-વાંચી બરાડી ઊઠ્યા:”કુતરીને કૂતરીઓ જ જન્મે.આ કૂતરી આપણને વારસદાર નહિ જ આપે.ફરી પ્રેગ્નન્ટ થાય તો ય શી ખાતરી કે દીકરાને જ જન્મ આપશે?” સાસુ-સસરા પણ એજ સ્વરમાં બોલવા લાગ્યા.વિલાસરાવ તો પુત્રીઓને જોવા પણ ન ગયા.ઘરે આવી ત્યારે ઘરના બધા જ લોકોનું  આવું  તિરસ્કારપૂર્ણ  વર્તન જોઈ તેની ખુશી મરી ગઈ.તેને લાગ્યું જાણે તે પોતે જ મરી ગઈ છે.આ ધનવાન લોકો આવા અને આટલા સ્વાર્થી હોય એ તો તેની કલ્પના બહારનું જ હતું.બાળકીઓના નામ પાડવામાં પણ કોઈને સર ન હતો.ફોઈ તો હતી નહિ કે નામકરણ કરે.છેવટે તેને પોતે જ હિમત કરી કહ્યું મારે આ બેઉ બાળકીઓના નામ પાડવા છે–પ્રાચી અને પ્રતીચી.આ બાળકીઓ તો સંસ્કારલક્ષ્મી પુરવાર થવાની છે.તેનો ભાઈ સવા મહિને તેડવા આવ્યો ત્યારે તે બહુ ખુશ થઇ.ઘરમાં લગભગ બધાએ જુદી જુદી રીતે એક જ પ્રકારની પ્રતિક્રિયા,એક જ પ્રકારનો પ્રતિભાવ પ્રદર્શિત કર્યો:”પિયરના તો કૂતરાય વહાલા લાગે.”ગૌરીને ક્રોધાવેશમાં જવાબ આપવાની જોરદાર ઈચ્છા થઇ કે “કૂતરાઓને બધામાં પોતાની જ જાતિ દેખાય”પરંતુ તેના સંસ્કારે તેને મૌન જ મૌન ધારણ કરાવ્યું.

તે પિયર ગઈ કે તરત જ વિલાસરાવ અને તેના માબાપે કોઈ ચાલુ વકીલને રોકી ગૌરીને ડિવોર્સની નોટીસ મોકલી.ગૌરી  સ્વમાનપ્રેમી હતી.સંસારનું શ્રેષ્ઠ સંસ્કારી સાહિત્ય વાંચેલી તે આત્મગૌરવની ગરિમા જાણતી હતી.આમેય તે મન વગરના  ધનવાન પતિથી ખુશ તો કોઈ સંજોગોમાં હતી જ નહિ.તેને માતા-પિતાને  સમજાવી ફરી પાછી લાયબ્રેરીની નોકરી માનભેર સ્વીકારી લીધી.તેની બાએ પ્રાચી-પ્રતીચીને સાચવ્યા-સંભાળ્યા.ગૌરીએ પતિને છુટ્ટાછેડા આપી છુટકારો અનુભવ્યો,હાશકારો અનુભવ્યો,શાંતિ મેળવી,રાહત મેળવી.

આ બાજુ વિલાસરાવ બીજા લગ્ન કર્યા  બાદ શેરબજારની ઉથલપાથલમાં સાવ બરબાદ થઇ ગયા ને ચારે બાજુના દેણાઓમાં ઊંધે માથે એવા તો ડૂબી ગયા કે ગ ભરાઈને તે ઊંઘની ગોળીઓ લઇ આત્મહત્યા જ કરી બેઠા.પતિનું  નામનિશાન પણ  ન રહ્યું તે જાણી,પોતે લોકદૃષ્ટિએ  વિધવા થઇ તેનું તેને નામનું ય દુખ ન થયું.સ્વતંત્ર અસ્તિત્વ,સ્વમાનભેર,આત્મગૌરવ સહિત લક્ષ્મી સરસ્વતી જેવી પુત્રીરત્નોને -પ્રાચી-પ્રતીચીને મોટી કરવામાં તે પ્રસન્ન પ્રસન્ન રહેવા લાગી.હવે તે લાયબ્રેરીથી પાછી આવી સાહિત્યસર્જન પણ કરવા લાગી ગઈ.ક્યારેક કવિતા તો ક્યારેક  વાર્તા તો ક્યારેક હપ્તેહપ્તે લખાતી- છપાતી લઘુનવલના સર્જનમાં તેને આનંદ આનંદની ઊંડી અનુભૂતિ થતી રહેતી.ગૌરીનું આત્મગૌરવ ગરિમામય થતું ગયું.પ્રાચી-પ્રતીચીને  ડોક્ટર બનાવી સ્વતંત્ર ગૌરવાન્વિત જીવન જીવવા માટે તે પ્રેરિત-પ્રોત્સાહિત કરવામાં વ્યસ્ત થઇ ગઈ.આ જ ગૌરીનું ગૌરવ હતું.

 (સમાપ્ત)

(‘ગૌરીનું ગૌરવ’ વાર્તા પીડીએફમાં મેળવવા અહિં ક્લિક કરવા વિનંતિ છે)                                                                                                                    

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: