ત્રણ મિત્રો…

 

ત્રણે ય મિત્રો વર્ષોથી,નાનપણથી જીગરજાન મિત્રો.પરસ્પર વારંવાર મળે નહિ ત્યાં સુધી ચેન જ નપડે.છુટ્ટા પડે ત્યારેય એમ જ કહેતા છુટ્ટા પડે કે ચાલો,પાછા થોડી વારમાં મળીશું.મળે ત્યારે વાતો તો ત્રણેયની ખૂટે જ નહિ.પોતાના મલક – વતન -જન્મસ્થાન ધ્રાંગધ્રાથી ક્યાંના ક્યા ફરતા ફરતા છેવટે દક્ષિણમાં હૈદરાબાદમાં પાછા ભેગા થઇ ગયા.નાનપણમાં એક જ શેરીમાં રહેલા,એક જ સ્કુલમાં ભણેલા અને એક જ ગ્રાઉન્ડમાં ગીલ્લીદંડાથી લઇ ક્રિકેટ સુધીની કેકેટલી રમતો સાથે જ સાથે રમેલા તેની ન ભૂલાય એવી યાદો તો તેમનો વાતચીતનો કદી ન ખૂટે એવો ભંડાર હતો.ઉનાળાની રજાઓમાં જોગાસર ને માનસર સરોવરોમાં નહાવા જાય, ઝાડો પર ચડી ઝાડબંદરની રમતો રમે,રાતે કોઈ એક મિત્રના ઘરની સામે ચોકથી ને પાણીથી લીટાઓ પાડી આટાપાટાની રમત તો ઘરના લોકો બૂમો પડી બંધ કરાવે,બોલાવે ત્યાં સુધી બીજા મિત્રોની સાથે  રમ્યા જ કરે.

સવારે વ્યયામશાળામાં નિયમિત વ્યાયામ કરવા જાય,મલખંબ પર પણ કસરતો કરે,સિંગલ બાર -ડબલ બાર પર પણ કસરતો કરે.મેદાનમાં હુતુતુતુ  પણ રમે.ગાંધીજીના સ્વાતંત્ર્ય આંદોલનમાં પણ સક્રિય રહેલા.તેમાંથી એક મિત્ર  આનંદજી પહેલા ભાવનગર અને પછી મુંબઈ પહોંચી ગ્રેજ્યુએટ થયો ને બે ત્રણ શહેરોમાં શિક્ષક નું કામ કરી છેલ્લે નિઝામના હૈદરાબાદમાં આવી નવી ઊભી કરેલી ગુજરાતી શાળાના હેડ-માસ્તર જેને ત્યાં બધા મોટા ગુરુજી કહેવા લાગ્યા તે પદ પર રહી બાળકોને સંસ્કારયુક્ત શ્રેષ્ઠ શિક્ષણ બીજા ગુરુજીઓના સહકારથી આપતા રહ્યા.બીજો મિત્ર ગૌરીશંકર મૂળ સલાટ હતો પણ પછી ભણતર અધવચ્ચે છોટી જવાથી દરજીનું કામ શીખી ફરતો ફરતો તે પણ હૈદરાબાદ આવી  પહોંચ્યો.

ત્રીજો મિત્ર ભવાનીશંકર  થોડું ઘણું પિતા પાસેથી આયુર્વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરી ઊંઝા ફાર્મસીની એજન્સી મેળવી હૈદરાબાદ આવી પહોંચેલો.ગુજરાતીઓ, અમુક ખાસ એરિયામાં જ હળીમળી પાસે પાસે રહેતા એટલે આ ત્રણેય મિત્રો પણ વર્ષો પછી પાછા એકજ સ્થળે,એકજ સ્થાને ભેગા થયા.”પછી શામળિયાજી બોલીયા તને સાંભરે રે;હા જી નાનપણાની  પ્રીત મને કેમ વિસરે રે જેવો તાલ થાય.રોજ રાતે ગૌરીશંકરની દરજીની દુકાન જે  નજીક જ હતી તેના ઓટલા પર ત્રણેય  જિગરી મિત્રો ભેગા થાય,સારી એવી વાર બેસે અને વાતો તો ખૂટે જ નહિ એટલીચાલે.પણ રાતના  દસ વાગ્યે તો નાછૂટકે ઘર ભેગા થવું જ પડે.સવારે પાછા છ-સાડાછ વાગ્યે ત્રણેય મિત્રો તળાવ કાંઠે વોકિંગ કરવા જાય,જેમાં વોકિંગ ક્યારેક ઓછું થાય,પણ  ટોકિંગ તો  ભરપૂર થાય,થાય ને થાય જ.. 

તે  ઉપરાંત સિદ્ધાંતવાદી હોવાથી  મોટા ગુરુજી આનંદજીભાઈ ટ્યુશન તો  કરેજ નહિ એટલે સ્કુલથી ઘરે આવી ચા-પાણી પી પાછા ગૌરીશંકરભાઈની કે ભવાનીશંકરની દુકાને પહોંચી વાતોની દુનિયામાં ખોવાઈ જાય.વાતો,વાતો અને વાતોની જ તેમની દુનિયા હતી.તેમાજ તેમને દુનિયાભરનો આનંદમળતો,ખુશી મળતી,સુખ મળતું. ત્રણે ય એક સરખા સ્વભાવના,ત્રણેય સંતોષી વૃત્તિના અને ત્રણે ય ‘જે થાય તે સારા માટે’ના ઈશ્વરીય ન્યાયમાં માનનારા.કોઈને ત્યાં સારા પ્રસંગે કોઈ કારણસર ન પહોંચી શકાય તો વાંધો નહિ;પણ કોઈના માઠા પ્રસંગે,કોઈ ગુજરી ગયું હોય તો ગમે તેમ કરીને પહોંચે,પહોંચે અને પહોંચે જ.સાચી સહાનુભૂતિ પ્રદર્શિત કરે,બનતી સહાયતા કરે અને પ્રાર્થના સભામાં તો ભજનો એવા ગાય કે સહુ આવેલા તેમાં તન્મય તો થઇ જ જાય;પણ સાથે જ્ઞાનનું પાથેય પણ લઈ જાય.”ચિત્ત તું શીદને ચિંતા કરે?કૃષ્ણને કરવું હોય તે કરે”,”જે ગમે જગદગુરુ દેવ જગદીશને તે તણો  ખરખરો ફોક કરવો”અને “સુખદુખ મનમાં ન આણીએ” એ તેમના તો ઠીક , સાંભળનારાઓના ય પ્રિય ભજનો થઇ ગયેલા.

છેલ્લે કુટુંબીજનોને “હિમત રાખજો.ધીરજ જાળવજો.ભગવાન સહુ સારા વાના કરશે.આપણો પ્રભુ જે કરે તે જોયા કરવું તે જ આપણા હાથમાં છે.જે થાય તે સારા માટે”ના સાંત્વના શબ્દો કહીને જ જાય.તે પછી પણ સાંત્વના આપવા ફરી ફરી પણ જાય.એ ત્રણેય મિત્રોને સહુ લોકો ભક્તરાજત્રય કહેતા,સંત ત્રિપુટી  કહેતા,સૂરદાસ,તુલસીદાસ અને નરસી મેહતા કહેતા.  અને જનવાણીને સાર્થક કરે તેવું સંયોગાનુસાર થવા પણ લાગ્યું.ત્રણમાંથી એક એવા ગૌરીશંકરની બેઉ આંખો ઝામર થતા ચાલી ગઈ અને સૂરદાસ થઇ ગયા.આનંદજીભાઈની પત્ની ગુજરી જતા”ભલું થયું ભાંગી જંજાળ,સુખે ભજીશું શ્રી ગોપાળ”

એવો તાલ તેમની સાથે થયો.તેમની પણ વૃદ્ધાવસ્થાના કારણે શ્રવણશક્તિ ગઈ અને બિચારા ભવાનીશંકર એકના એક પુત્રના ચાલતી ટ્રેઈને ઉતરતા થયેલ પ્રાણઘાતક અકસ્માતના સમાચાર સાંભળતા જ સ્ટ્રોક આવતા પૂરતા ઈલાજો પછી પણ ડાબા પગે ખોડ આવતા ને વાણી ચાલી જવાથી મૂક થઇ ગયા.તો ય આ ત્રણેય મિત્રો કોઈને કોઈની મદદથી,કે એકબીજાની મદદથી રોજ એક વાર તો મળે જ મળે.બધિર થઇ ગયેલા આનંદજીભાઈ આંખોથી સાંભળે,અંધ થયેલા ગૌરીશંકર શબ્દોથી એટલે કે કાનોથી  સાંભળે અને બિચારા ભવાનીશંકર બોલી ન શકે તોય બધું ખુશી ખુશી દિલથી સાંભળે અને આંખોથી બોલે.ત્રણેય મિત્રોની મૈત્રી એવી ને એવી જ ઘનિષ્ટ રહી.ઉમર વધતી ગઈ અને તેમની દેખરેખ રાખનારાઓને ભાર લાગવા માંડ્યો તે અંધ થયેલ ગૌરીશંકર પણ જોઈ શક્યા;બધિર થયેલ આનંદજી પણ આંખોથી સાંભળી-સમજી શક્યા અને મૂક તેમ જ પંગુ થઇ ગયેલ ભવાનીશંકર પણ વગર ફરિયાદ કર્યે જોઈ,સાંભળી અને સમજી શક્યા.ત્રણેય મળે ત્યારે પોતાનો યુનિવર્સલ -શાશ્વત સિદ્ધાંત એક બીજાને વાતચીત દરમ્યાન વારંવાર કહે ,કહે અને કહે જ કે “જે થાય તે સારા માટે”. આનંદજીભાઈ કહે;”સાંભળવું-સુણવું નહિ તેના જેવું કોઈ સુખ નહિ”તો ગૌરીશંકર કહે”આપણને  તો ભગવાને બધી રીતે સુખી કરી દીધો છે.દેખવું નહિ ને દાઝવું નહિ”ત્રીજા ભવાનીશંકર સ્લેટ પર લખીને કહે : “મારે તો તમારા બેઉ કરતા  ઊંચી આધ્યાત્મિક ભૂમિકાનો અનુભ વ  કરવા મળે છે.જોવુંસાંભળવું ;પણ બોલવું  બિલકુલ  નહિ.”ત્રણેય  પોતપોતાની સ્થિતિમાં  પ્રસન્ન પ્રસન્ન,ખુશ ખુશ અને આનંદ આનંદ થી જીવ્યે જતા હતા.

પણ ત્રણેયની વાસ્તવિક આંતરિક પીડા એકસરખી હતી અને એટલે સમજી વિચારીને ભવાનીશંકરે આયુર્વેદિક ઝેરી કોચલાનું ચૂર્ણ  તય્યાર કરી પોતે પી લીધું અને આશ્વસ્ત કરી બેઉ મિત્રોને પણ તેમની ઈચ્છા સમજી જોઇને પીવડાવી દીધુ.ત્રણેય મિત્રો એક જ શહેરમાં-એક જ જન્મસ્થાને જન્મેલા હતા -પણ જુદા જુદા જન્મદિવસે જન્મેલા હતા.પરંતુ તે પછી બનેલા આ ત્રણેય મિત્રોએ મૃત્યુ પર્યંત તો મૈત્રી બરાબર જાળવી જ જાળવી નેછેલ્લે  સાથે જ સાથે પ્રાણત્યાગ કરી અંતકાળે પણ મૈત્રી બરાબર નિભાવી જ.”ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે,ગોવિંદ નામ લે કર ……….”ગાતા ગાતા જ ત્રણે મિત્રો ઢળી પડ્યા.તેમને સાંત્વના આપવા,શાંતિ આપવા, જીવનજંજાળમાંથી મુક્તિ આપવા ગોવિંદજી પોતે જ આવી ગયા હોય તે તેમના મૂક આત્માઓએ  સંભવત:અનુભવ કર્યો  હશે.જાણ્યું ત્યારે સહુ બોલ્યા:”અંતસુધી આ ત્રણેય  સંત મૈત્રી નિભાવીને જ, સાથે સાથે જ સંગાથ કરીનેજ પ્રભુને ત્યાં ગયા.

                                                                                                            સમાપ્ત   

(એક સત્યઘટનાને આધારે)   

(‘ત્રણ મિત્રો’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)
 

 

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.