આવા સમાચાર…!

આવો કંપકંપાવી મૂકે એવો  ગોઝારો અકસ્માત તો ક્યારેય જોયો-વાંચ્યો-સાંભળ્યો નહોતો.અને તે ય લગભગ કાયમ પાણી વગર જ રહેતી,નામથી પણ ન જાણીતી એવી નદી વાસંતી, આલેર સ્ટેશનથી થોડે જ દૂર, એટલી બધી છલકાઈ જાય કે તેના પરનો પુલ ધોવાઇ જાય અને આખી ને આખી કાઝીપેટ એક્સપ્રેસ ટ્રેઈન જ તેમાં ઉથલી પડે અને લગભગ બધાજ મુસાફરોને જળસમાધિ   સ્વીકારવી પડે? સેંકડો સેંકડો સ્ત્રીઓ -પુરુષો અને બાળકો, હૈદરાબાદથી વહેલી સાંજે ઉપડેલી ટ્રેઈન, આલેર સ્ટેશનથી ઊપડી ન ઊપડી ને થોડી જ વારમાં  વિરમેલા વરસાદ પછીના, ઝાંખા ઝાંખા પ્રકાશવાળા આકાશમાં, પડી ગયેલી દિશાઓ વચ્ચે અસ્ત થતા સૂરજે પોતાની ધૂંધળી કિરણોની અસંખ્ય આંખોથી એક સાથે, સાગમટે જ અસંખ્ય અસંખ્ય મુસાફરોના જીવનનો પણ અસ્ત થતો જોયો.મૃત્યુ કોઈનો મલાજો રાખતું નથી -નાના કે મોટાનો,  ગરીબ કે  તવંગરનો,ભણેલા કે અભણનો. અને તેમાંય આવું ગોઝારું સામૂહિક અકસ્માત મૃત્યુ તો મોતને ય માત આપતું અને જીવનના મિથ્યાત્વને પુરવાર કરતું એવું તો ભયંકર હોય છે કે તેના સમાચાર સાંભળીને ય કમકમાટી છૂટી જાય.                 

સાંજની, વધારાની,સ્થાનિક  સમાચારપત્રની તાજી આવૃત્તિ પણ તાબડતોબ નીકળી,મુસાફરોના સગા- વહાલાઓ  બસમાં,ટેક્સીમાં ,પોતાની કારમાં અને રેલ્વે તરફથી દોડાવાતી સ્પેશ્યલ ટ્રેઈનમાં આલેર તરફ ઘાંઘા થઈને દોડ્યા.રેડક્રોસ સંસ્થાની બસો અને એમ્બ્યુલન્સો દોડાદોડ સિકંદરાબાદ -હૈદરાબાદથી, આલેરથી, ભોંગીરથી વાસંતી નદીના કિનારે પહોંચી ગઈ અને મૃતકોને બહાર કાઢવા મંડી પડી.પોતાનાને શોધવા-ઓળખવા-બચાવવા આવેલની સાથે આવા મોતના મોકાનો  પણ લાભ ઉઠાવનાર ચોર ઉચ્ચાક્કા ય સાગમટે પહોંચી ગયા.રડવાનું નાટક કરતા કરતા, ચીલઝડપે સ્ત્રીઓના ઘરેણા-દાગીના ખેંચવા-ઉતારવા લાગ્યા,નાક-કાન પણ ખેંચી -કાપી સોના-હીરાની જણસો ઝૂંટવવા મંડી પડ્યા.બહુ જ ઓછી સંખ્યામાં પહોંચેલા પોલિસકર્મીઓ તેમને રોકવાને બદલે પોતે પણ એવા જ, વહેતી ગંગામાં હાથ ધોઈ ખિસ્સા ગરમ કરવાના ક્વિક -કમાણી કરવાના કામમાં લાગી ગયા.પત્રકારો,ફોટોગ્રાફરો, જળ- સમાધિમાંથી બહાર કઢાતા શબોના મૂક સાક્ષી બની ફોટો ખેંચતા રહ્યા.

પોતાનાને ઓળખી-પહેચાની રડતા કકળતા સગા વહાલાઓનું ક્રન્દન આકાશમાંથી ઊતરી રહેલા ગીધો સમડીઓને પણ ગભરાવી મૂકે એવું જણાતું હતું.કોઈ કોઈબચેલાઓ જણાતા ઘાયલોને આલેર-ભોંગીરની, તેમ સિકંદરાબાદ-હૈદરાબાદની  હોસ્પિટલો પહોંચાડવાની વ્યવસ્થા થવા લાગી.મૃતકોને ખટારાઓમાં બકરાની જેમ લઇ જવાલાગ્યા.મૃતકો ઓળખાય નહિ એવા થઇ ગયા હતા.બીજે દિવસે સરકારે મૃતકો માટે તેમના પરિજનોને દેવા માટે પાંચ પાંચ લાખની સહાય જાહેર કરી.જીવતા જાગતા પણ આમ ગોઝારા અકસ્માતમાં મરનારના જીવનમૂલ્યનું આ અવમૂલ્યન ટીકાપાત્ર ગણાવા માંડ્યું.રેલ્વેમંત્રીએ  રાજીનામું આપવું જોઈએ એવી માંગણી પણ થવા લાગી.મરનારના સગા વહાલાઓને રેલ્વેમાં નોકરી મળવી જોઈએ એવી પણ માંગણી થવા માંડી.અકસ્માત મૃત્યુનું જાણે કે સટ્ટા બજાર ખુલી ગયું હોય એવું, રેડિયો  સાંભળનારાઓ અને સમાચારપત્રો  વાંચનારાઓને તેમ જ નવરા બેઠા પંચાત કરનારાઓને પ્રતીત થવા લાગ્યું.દૂરદર્શનનો  તો ત્યારે ભારતમાં હજી પ્રવેશ પણ નહોતો થયો.એટલે કલ્પનાની આંખથી જ સંજય દૃષ્ટિનો આશરે અંદાજો બંધાવો પડી રહ્યો હતો.   અને ત્યારે જ બપોરના રેડિયો સમાચારમાં એ ગોઝારા અકસ્માત કરતા ય ભયંકર સમાચાર પ્રસારિત થયા:” એક બચી ગયેલા મુસ્લિમ વૃદ્ધને તેના દીકરા-વહુને સોંપવા માટે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા તો એ શાણા વહેવારિક દંપતિએ જોર- શોરથી એ વૃદ્ધને પોતાના વડીલ તરીકે ઓળખવા સ્વીકારવાની ચોખ્ખી ના  જ પડી દીધી-બસ, ઘસીને ના  જ  પાડી દીધી.એ મૂંગા બહેરા થઇ ગયેલા વૃદ્ધના ખિસ્સામાંથી ઓળખ  આપતું પ્લાસ્ટિક કાર્ડ તેના પર્સમાં મળેલું, જેના આધારે તેના વહુ-દીકરાને તેની સોંપણી કરવા માટે બોલાવવામાં આવતા, તેમણે જાહેર કર્યું કે “અમે તો અમારા વડીલનો અગ્નિ સંસ્કાર જોઇને આવ્યા છીએ.આ ડોસો અમારો કોઈ નથી.આ તો કોઈએ અમારા વડીલનું ચોરેલું પર્સ –  કાર્ડ છે.મુસાફરોમાં ય આજકાલ ચોર ઉઠાવગીર ખુદાબખ્શ મુસાફરોની જેમ સફર કરતા હોય છે.”

મૃતકના પરિજનોને મળનાર પાંચ લાખ રૂપિયાની લાલચે, આંખની શરમને પણ નેવે મૂકી, જે નફ્ફટાઈથી તેઓ ચાલતા થઇ ગયા એ દૃશ્ય ઉઘાડી- રડતી આંખે એ વૃદ્ધે જોયું અને લાંચ લઇ ચુપ થનારા હોસ્પિટલના અધિકારીઓએ જોયું ન જોયું કર્યું અને રેડિયો પર સમાચાર ભળનારાઓએ પણ  રૂટીન સમાચારની જેમ જ પૂરી નિર્મમતાથી સાંભળ્યું – ન સાંભળ્યું કરી દીધું.

(સત્ય ઘટનાત્મક વાર્તા)                                                             સમાપ્ત

(‘આવા સમાચાર…!’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે.)

 

Leave a comment

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.