ટોકરી…

વહેલી સવારના પહોરમાં માજી ,નાહી- ધોઈ,ટોકરી વગાડીને લાલાને જગાડે,અવાજ આવે નહિ તેમ હોઠમાં ને હોઠમાં જ. હોઠ ફફડાવતા, લાલાને નરસૈયાના મીઠા એવા  પ્રભાતિયા સંભળાવે,આરતી કરે, અને ધરાવેલ  પ્રસાદમાંથી કોઈ એકાદ સુક્કો મેવો, આંખે- માથે ચડાવી મોઢામાં મૂકે. માજીનો  આ નિત્યક્રમ. શયન કરી ગયેલા- આમ માજી પોઢેલા લાલાને જગાડે કે નહિ એ તો લાલો જ જાણે;પણ ઘરમાં સવારની મીઠી નિંદર માણતા આખા પરિવાર માટે એ ટોકરીનો અવાજ ઘુવડના ઘૂ ઘૂ જેવો જ થઇ જતો.

બિચારા ભગવતી માજીને તેમની ટોકરીના કારણે  જ તેમનો એકનો એક પુત્ર અને પુત્રવધૂ  તેમને ડોકરી કહેતા થઇ ગયેલા.”આ ડોકરીની ટોકરી સવારના સખે સૂવા પણ નહિ દે”એવા શબ્દો વહુ દીકરાના સાંભળવા પડે.    

જે દીકરા મણિલાલને, માનતાઓ, બાધાઓ,અને અનેક અનેક ધર્મ- યાત્રાઓના  ફળસ્વરૂપ પ્રાપ્ત કરેલો તે જ પરણ્યા પછી વહુઘેલો થઇ,હૈયાના પ્રાણની જેમ,રાંકના રતનની જેમ, તેને સાચવતી રહેલી અતિ અતિ વહાલી માતાને અવગણતો તરછોડતો,અને ધુત્કારતો પણ થઇ ગયો. ધર્મપ્રેમી માતાની દૃષ્ટિમાં, ગયા જન્મના કર્મના પરિણામસ્વરૂપે જ,કોઈ ઋણાનુબંધના નિયમાનુસાર જ પ્રભુની ઇચ્છાથી જ         

આવું બને,  તેવી સાચી ખોટી- રીતે  મન મનાવતી વિચારધારા, દૃઢ થઇ ગઈ હતી. તેર વર્ષની નાની વયે પરણેલી લાડકી વહુ વરસમાં તો દીકરો જણતા, લાડકી બા થઇ ગયેલી.પણ પછી જ્ઞાતિમાં સહુથી પહેલો વકીલ બનનાર અને વિલાયત જવાની પૂરી તૈયારી કરી ચૂકનાર પતિ ઓધવજીનું, જ્ઞાતિ તરફથી અપાયેલ પાર્ટીમાં, પૂરી-શ્રીખંડના જમણ પછી  સર્વ થયેલ આઈસ્ક્રીમના કારણે ન્યુમોનિયાનો અટેક આવતા, અકાળે અવસાન થયું, ત્યારે તે જ લાડકીબા એકાએક છપ્પરપગી ગણાઈને અવગણનાને પાત્ર બની ગઈ. એકધારા સંઘર્ષનો સામનો કરી કરી દીકરા મણિલાલને ભણાવી ગણાવી,પરણાવી કામધંધે ચડાવનાર માતા ફરી એક વાર પાછી મહિમામયી પણ બની ગઈ.દિકરો મણિલાલ ફાર્મસીનું ભણી શરૂમાં નોકરી કરી,આગળ જતા માતાના અગાઉના, પણ અત્યારે મોંઘા થઇ ગયેલા સ્વર્ણાભૂષણ વેચી- સાટી દુકાન કરી, આયુર્વેદિક તેમ જ બીજી અનેક દવાઓની એજન્સીઓ લઇ,મણિલાલ પત્ની વર્ષાના નામેં ‘વર્ષા મેડિકલ સ્ટોર’ ખોલી    જોતજોતામાં તો હૈદરાબાદ શહેરની દવાબજારનો કમાતોધમાતો   વેપારી બની ગયો.

આ બધી લાલાની કૃપાનું જ ફળ છે તેમ હૃદયપૂર્વક માનનારી માતા વહેલી ઊઠી નાહી-ધોઈ વર્ષોની આદત પ્રમાણે પૂજા-પાઠ,આરતી વી.થી પોતાનો દિવસ શરૂ કરે અને વર્ષો જૂની ચાંદીની ટોકરી વગાડી લાલાને જગાડે.જે ટોકરીનો પહેલા કોઈ દિવસ વાંધો-વિરોધ નહોતો તેનો તો હવે તાજી પરણીને આવેલી તોફાની વર્ષા વહુના મોટા જબરા   તોફાની  ઝાપટાઓના  કારણે એવો તો જબરો અને જોરદાર વિરોધ થવા લાગ્યો કે માજી બિચારા ત્રાસી ગયા.આખો દિવસ સવારના વાસી કામથી શરૂ કરી, રાતે સહુને જમાડી, રસોડું આટોપી,દહીં મેળવી,લાલાને પોઢાડી પોતે પોઢી જાય ત્યાં સુધી કામ,કામ અને કામની  જબરી હારમાળા જ ચાલ્યા કરે.માજી થાકવાનું નામ પણ ન લે.એવામાં વઢકણી વહુએ દીકરો જણ્યો એટલે તો તોફાની વહુના તોફાન હજી વધી ગયા.

“જાગને જાદવા” ગાઈને લાલાને જગાડાય પણ નહિ.વહુ એવી પઝેઝિવ કે દીકરાને માજી પાસે ફરકવા પણ ન દે.આયાને જ સોંપી દે.તેડવાની પણ મનાઈ માજી માટે કે બાળક તેડ્કું થઇ જાય.માજી આ બધું તો જેમ તેમ સહન કરી લે ;પણ એકનો એક દીકરો જયારે તેમને ડોકરી કહેવા લાગ્યો અને સવારની ટોકરી વગાડવાનો મનાઈ હુકમ સરકારી વટ- હુકમની જેમ તેમને સંભળાવવામાં આવ્યો ત્યારે તેમની આંખોમાં આંસૂ આવી આવી પાછા ફરવા લાગ્યા.પતિ હતા નહિ કે તેમના બચાવમાં વકીલાત કરે.વિધવા માતા માટે તો આવી હાલતમાં નોંધારાના આધાર જેવા લાલાનો જ એક માત્ર આધાર -સહારો બચ્યો.

બીજી સવારે આદત પ્રમાણે અવાજ સુદ્ધા પણ કર્યા  વિના નાહી-ધોઈ ,પૂજા પાઠ પણ મૂંગે જ મૂંગે મોઢે કરી લઇ,છેલ્લે ભૂલથી  આદત અનુસાર તેમનાથી ટોકરી વગાડાઇ ગઈ અને એજ ક્ષણે જાણે કે ટોકરી વાગવાની રાહ જ જોવાતી હોય તેમ દિકરો-વહુ બેઉ એક્સાથે બરાડી ઊઠ્યા ;”ડોકરીએ ના પાડી છે તો ય ટોકરી વગાડી જ.અડિયલ ટટ્ટુ જેવી છે આ ડોકરી તો હવે વહેલી મરે એટલે  હઉં.”  

 અને આવું પ્રભાતિયું વહુ-દિકરાના મોઢે સાંભળી માજી લાડકીબા લાલાની સામે જ ટોકરી વગાડતા  વગાડતા  ધબી ગયા. ટોકરીનો રણકાટ  પણ બીજી જ પળે માજીની પલકો સાથે  બંધ થઇ ગયો.

( અર્ધ સત્ય કથા)                                                   

( સમાપ્ત)                 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: