ભાવના પોતાની જોડિયા દીકરીઓ સાથે મોઢેશ્વરી માતાની લીધેલી બાધા પૂરી કરવા બે અઠવાડિયાની રજા લઇ ભારત આવી અને એક દિવસ આરામ કરી તુરંત અંબાજી માતાના મંદિરે અને પછી મોઢેશ્વરી માતાના મંદિરે પહોંચી.પુત્રીઓને મેડિકલ કોલેજમાં પોતાના જ શહેર બોસ્ટનમાં પ્રવેશ મળતા તે ખૂબ ખૂબ ખુશ હતી.તે પોતે તેમ જ તેના પતિ ભાવેશ પણ બોસ્ટનમાં એક જ હોસ્પિટલમાં સર્જન હતા.લગ્નના બીજા જ વર્ષે જ તેણે બેલડી પુત્રીઓને જન્મ આપેલો અને અમેરિકામાં ચિત્ર- વિચિત્ર નામ પડવાનો ક્રેઝ હોવા છતાંય તેણે પતિ ભાવેશને સમજાવી- મનાવી બેઉના નામ પાડ્યા હતા ભક્તિ અને શક્તિ.તે ધ્રાંગધ્રાની હતી અને નાનપણમાં દરરોજ નિયમિત રૂપે શાક્તિ માતાના મંદિરે દર્શન કરવા અચૂક જતી.આમ પોતે પહેલેથી જ ભગવતી સ્વભાવની હોવાથી તેણે ઘરમાં વિધિવત નાનકડું મંદિર બનાવી, શક્તિમાતાની આરસપાણની મૂર્તિ પણ સ્થાપિત કરાવી હતી.
અમેરિકામાં કોઈ પણ પોતાનું નવું હાઉસ બનાવે ત્યારે બહુ જ મોટા પાયે હાઉસવોર્મિંગનો સમારોહ ઉજવવાની પ્રચલિત પ્રથાના સ્થાને તેણે શક્તિ માતાની મૂર્તિ પ્રતિષ્ઠાનો સમારોહ યોજેલો.એ સમારોહ પ્રસંગે જ તેના મનમાં તેના નામ પ્રમાણે ભાવના જાગી કે મારી આ બેઉ દીકરીઓ પણ આગળ જતા, મોટી થઈને મેડિકલમાં પ્રવેશ મેળવે તો તેમને શક્તિમાતાના દર્શન કરાવવા,અંબામાતાના દર્શન કરાવવા અને પોતાની કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન કરાવવા પોતે સો ટકા રજા લઇ તેમની સાથે જશે જ જશે.
વર્ષો પછી આજ એ રળિયામણી ઘડી આવી હતી.ભાવેશને વર્લ્ડ કોન્ફરન્સ અટેન્ડ કરવા ફ્રાંસ જવાનું હતું ત્યારે જ તેણે ભારત ખાતે ત્રિદેવી દર્શને જવાનો પ્લાન બનાવી લીધો.અમદાવાદ પહોંચી એક દિવસ આરામ કરી એ દીકરીઓ સાથે રાજકોટ ખાતે જલારામ બાપના દર્શને ગઈ અને ત્યાંથી ધ્રાંગધ્રા પણ શક્તિમાતાના દર્શને જઈ, પોતાને અને પુત્રીઓને ધન્યતાનો અનુભવ કરાવી, પ્રસન્ન પ્રસન્ન થઇ ગઈ.ટેક્સીની સગવડ થઇ જતી હોવાથી મુસાફરી આરામપ્રદ થયા કરી રહી હતી.ભક્તિ-શક્તિને પણ ભગવતી સંસ્કારો મળેલા હોવાથી અને નિયમિત માતાજીની આરતી કરીને જ ડિનર લેવાની આદત હોવાથી, માતાજીના આ દર્શન -અભિયાનમાં આનંદ આવી રહ્યો તો. અમદાવાદથી અંબાજીના દર્શને જવા જે ટેક્સી કરી તેનો ડ્રાઈવર રેહમાન મુસ્લિમ હતો ; પણ અમેરિકાથી આવી રહેલા આ ત્રણેયને તો વિશ્વાસ હતો કે હોટલમાંથી લીધેલી ટેક્સી અને ટેક્સી ડ્રાઈવર ભરોસાપાત્ર જ હોય. અંબાજી પહોંચી દર્શન કરી, માતાજીને ચૂંદડી ઓઢાડી દાન દક્ષિણા આપી તેઓ ગોરધનથાળમાં લંચ લઇ મોઢેરા ગયા,સૂર્યમંદિર જોયું અને પછી ત્યાંથી મોઢેશ્વરી મંદિર તરફ પ્રયાણ કર્યું.
મોઢેરાના સૂર્યમંદિરની શ્રુંગારિક મૂર્તિઓ જોઈ મા – દીકરીઓ અંગ્રેજીમાં કૈંક ચર્ચા કરવા મંડી પડ્યા.ડ્રાઈવર રેહમાન પણ મોઢેરાની શ્રુંગારિક મૂર્તિઓ જોવામાં ગાઈડની સાથે સાથે ફર્યો હતો.મોઢેશ્વરી માતાના મંદિર તરફ જતા જતા તેણે એક અવાવરુ માર્ગ તરફ ટેક્સી વાળી અને કોણ જાણે કેમ ભાવનાને પોતાના અંતર્મનની સિક્સ્થ સેન્સથી એવો એહસાસ થયો કે આ રેહમાન ડ્રાઈવર ખોટે રસ્તે વાળી રહ્યો છે.તેણે પૂછ્યું પણ ખરું કે ‘આમ નાના નાના રસ્તે કેમ વાળો છો ભાઈ?, તો બોલ્યો;”અમે કાયમના આવનારાઓ શોર્ટ કટ તો જાણીએ જ ને ? “
થોડે જ દૂર પહોંચી તેણે કાર રોકી દીધી અને મશીન કૈંક બગડી ગયું હોય તેમ બોનેટ ખોલી,અંદર જોવાનું નાટક કરતા કરતા તે એકાએક હાથમાં મોટો છરો લઇ, તેમના ત્રણેય પર તૂટી પડ્યો.”જરા પણ અવાજ કર્યો તો ખૂન ખરાબો થઇ જશે. તમે ત્રણેય દેવીઓ હવે મારા કબ્જામાં છો અને મારે તાબે થઇ જવામાં જ તમારી સલામતી છે.એક પછી એક નીચે ઊતરો અને મને તમારા પર”. ડર અને ગભરાટમાં માતા ભાવના ધ્રુજી ગઈ. પરંતુ ત્યાં તો ઝડપથી નીચે ઊતરીને,કાયમ નિયમિત જીમમાં જનારી ભક્તિ-શક્તિએ કરાટાના દાવ ખેલી,ઉપર ઉપરી મુક્કા મારી રેહમાનના હાથમાંથી હાથમાંથી છરો પડાવી દીધો અને છરો પોતાના હાથમાં લઇ સાક્ષાત દુર્ગા સ્વરૂપ બની ગયેલી શક્તિએ તેના પર હુમલો કરવા જેવું કર્યું એવો જ એ :”યા અલ્લાહ”કરતો દુમ દબાવીને ભાગ્યો.ભક્તિએ પણ જોરદાર બુલંદ અવાજે : “બદમાશ,આજ તો તેરી ખૈર નહિ હૈ “કહી તેનો પીછો કરતી બહેનનો સાથ આપ્યો. ડરેલી,ગભરાયેલી માતા ભાવનાએ પણ મોબાઈલ ફોનમાં હોટલ માલિકને પોતાની ટેક્સીનો નંબર અને ડ્રાઈવર રેહમાનનું નામ જણાવી પોલીસને ફરિયાદ કરવા જણાવ્યું. રેહમાન તો ડરનો માર્યો ઝાડવાના ઝુંડો પાછળ ક્યાંનો ક્યાંય ખોવાઈ ગયો.તેમની બૂમાબૂમથી બે પોલિસ ઇન્સ્પેક્ટરો એક મોટર સાયકલ પર આવી પહોંચ્યા અને તેમને પૂરી વિગતો જાણી લઇ ત્રણેયને હિંમત અને સધિયારો આપતા કહ્યું:”ગભરાતા નહિ. અમે પોલિસ ચોકીએ જાણ કરીએ છીએ.હમણા જ પોલીસ જીપ આવી જશે અને તમને ત્રણેયને તમારા મંદિરે લઇ જશે.એ બદમાશ તો ઘડીના છટ્ઠા ભાગમાં પકડાઈ જ જવાનો, કારણ કે અહીંથી બહાર નીકળવાનો રસ્તો તો આ એક જ છે.ભાગીને જશે ક્યાં ? તમને પાછા અમદાવાદ જવા માટે અમારી પોલીસ જીપની જ વ્યવસ્થા થઇ જશે.તમને એકલા જોઇને તેનામાં હેવાન શેતાન જાગ્યો પણ તમારી બહાદુર દીકરીઓએ તેની ખો ભુલાવી દીધી.હવે તો જેલમાં ચક્કી પીસવાનો એ હેવાન.તમે અમારી જીપમાં મંદિરે દર્શન પૂજા વી.કરી લેશો એટલી વારમાં તો તેને અમે પકડી જ પાડીશું.આ દેશમાં ‘અતિથિ દેવો ભવ’ ભૂલાઈ ગયું છે અને આવા નિર્ભયા રેપ જેવા કિસ્સા છાશવારે થતા જોવામાં આવે છે.તમે નસીબદાર કે બચી ગયા.ભગવાન કરે આ દેશની દીકરીઓ તમારી દીકરીઓ જેવી બહાદુર બને.”
એટલી વારમાં તો જીપ આવી ગઈ અને ત્રણેય મા – દીકરીઓ મોઢેશ્વરી મંદિર પહોંચી દર્શન કરી,માતાજીને ચૂંદડી ઓઢાડી,દાન દક્ષિણા આપી એ જ જીપમાં અમદાવાદ પહોંચ્યા.
માતાજીની કૃપાએ અને ભક્તિ-શક્તિની બહાદુરીએ રંગ દેખાડ્યો અને એક ભયંકર નિર્ભયા- દુર્ઘટના થતી બચી ગઈ.
(સત્ય કથા)
માર્ચ 12, 2023 @ 17:13:49
From: “લલિત પરીખનું વાર્તા વિશ્વ…Ranjan can read.
lalitparikh posted: “ભાવના પોતાની જોડિયા દીકરીઓ સાથે મોઢેશ્વરી માતાની લીધેલી બાધા પૂરી કરવા બે અઠવાડિયાની રજા લઇ ભારત આવી અને એક દિવસ આરામ કરી તુરંત અંબાજી માતાના મંદિરે અને પછી મોઢેશ્વરી માતાના મંદિરે પહોંચી.પુત્રીઓને મેડિકલ કોલેજમાં પોતાના જ શહેર બોસ્ટનમાં પ્રવેશ મળતા”