મનહરલાલ અને તેમના પત્ની મંજુલાબહેન બેઉ નિવૃત્ત પ્રાધ્યાપક -પ્રાધ્યાપિકા.તેમને એક જ દીકરો.સંસ્કારી અને આજ્ઞાકારી.માબાપ પોતે જ તેને બેટા શ્રવણ કહી બોલાવે.જો કે નામ તો તેનું પાડેલું શર્વિલ-થોડું નવીન,થોડુંક સાહિત્યિક.સરસ મઝાની, શાંતિની,ગણતરીના જ કલાકોની તેની બ્રિટિશ લાયબ્રેરીની નોકરી.મજાકમાં મનહરલાલ કહે પણ ખરા કે “આવી નોકરી તો ભાગ્યશાળીને જ મળે.બે જ કામ. સવારે સાડા દસ વાગ્યે જવાનું અને સાંજે સાડા પાંચ વાગ્યે પાછા આવી જવાનું.રીટાયર થઈ પેન્શન મળતા સુધી બસ આરામ જ આરામ.સહાયકોનો ઢગલો.” સંવાદમાં જોડાઈને મંજુલા બહેન પણ ગંમતમાં બોલે :” તો વળી આપણી નોકરી કઈ એવી અઘરી હતી? દસથી ચારની જ નોકરી અને ગણતરીના જ પિસ્તાલિસ પિસ્તાલિસ મિનિટનાં દરરોજના કેવળ માત્ર બે ત્રણ પીરિયડો.રજાઓનો ઢગલો -વેકેશનની તો વણઝાર.”
“તો હવે મારો વિચાર છે કે આપણે અત્યાર સુધી રજાઓમાં ફરવાના સ્થળોએ મુસાફરીઓ બહુ બધી કરી છે.હવે ધર્મયાત્રાનું અભિયાન શરૂ કરીએ.શ્રી શૈલમ
થી શરૂ કરીએ. અહીં સિકન્દરાબાદથી સીધી બસ જાય છે.બીજે દિવસે તો પાછા!”
બહુ ખર્ચાળ પણ નહિ.ટૂરીઝમની ટોટલ ડીલ છે માત્ર એક હજાર રૂપિયા વ્યક્તિ દીઠ.” પુત્ર શર્વિલ બોલ્યો. “તો કરી નાખ આપણા ત્રણેયનું રિઝર્વેશન આ હોળીની આવી રહેલી તારી રજાઓમાં.અહિયાં હોળીના હોબાળાથી મળશે મુક્તિ અને થઇ જશે ધર્મયાત્રા!” પિતા બોલ્યા.માતાએ પણ સાથ આપ્યો:”ધીરે ધીરે દક્ષિણથી શરૂ કરી ઉત્તર,પૂર્વ અને પશ્ચિમની બધી જ યાત્રાઓ કરતા રહીશું.અને હા, હવે તું હા પડે તો તારી પસદંગીની કોઈ સારી સંસ્કારી છોકરી સાથે તારા લગ્ન કરીને અમે અમારી સંસારિક જવાબદારીથી પણ નિવૃત્તિ પ્રાપ્ત કરીએ.જો કે નિવૃત્તિ જેવી તો કોઈ મઝા જ નથી.”
પિતા બોલ્યા :”હા, મેં ક્યાંક એક સરસ મઝાનો ટુચકો વાંચેલો કે નાની મોટી ઉમરના ત્રણ ચાર લોકો વચ્ચે ચર્ચા ચાલી કે લાઈફ ક્યારે શરૂ થાય છે તો એકે કહ્યું કન્સેપ્શનથી-એટલે કે ગર્ભાધાનથી,બીજાએ કહ્યું બાળપણથી,ત્રીજાએ કહ્યું ના ભાઈ ના,લાઈફ તો શરૂ થાય છે જુવાનીથી તો મારા જેવાએ શાંતિથી કહ્યું નો નો લાઈફ બિગિન્સ વિથ રીટાયરમેન્ટ.બસ, શાંતિ જ શાંતિ! નો વરી નો પ્રોબ્લમ એટ ઓલ.”
“આ તમને આવા ટુચકા સારા યાદ રહે છે.” માતા બોલી।
“તને નવાઈ લાગશે; પણ હકીકતમાં હું મારા સ્ટુડન્ટોમાં મારા ભણાવવા કરતા મારા જોક્સનાં કારણે વધારે પોપ્યુલર હતો.” પિતા બોલ્યા.
” તો કરાવી લઉં છું ઓન લાઈન રિઝર્વેશન કોમ્પ્યુટર પર મારાક્રેડિટ કાર્ડ પર..”શર્વિલ બોલ્યો.
શર્વિલ કોમ્પ્યુટર ખોલી રિઝર્વેશનનું ગોઠવવા લાગી ગયો.હોળીનો રશ તો હતો; પણ ત્રણેયને રિઝર્વેશન તો મળી ગયું.ઘરમાં જોખમ-કેશ વી. એમ જ રહી ગયું પણ તેમનો ફ્લેટ-કોમ્પ્લેક્સ સેફ હતો.બબ્બે વોચમેન રાત દિવસ હજાર હજૂર રહ્યા કરતા.વર્ષોથી દર દિવાળીએ તેમ જ સારા વાર તહેવારે,પુષ્ય નક્ષત્ર હોય ત્યારે,પુત્રના જન્મદિવસે,પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે બને તેટલું પોતાની બચતમાંથી સોનું તો ખરીદે જ ખરીદે એટલે તેમની પાસે સોનું તો ચિક્કાર હતું.એકના એક દીકરા શર્વિલના લગ્નમાં પુત્રવધૂને સોને મઢવાના સ્વપ્ન જે સાકાર કરવાના કોડ હતા.
હોળીના દિવસે વહેલી સવારની બસમાં નાની હેન્ડબેગો લઇ ત્રણેય ટૂરીઝમની બસ પકડી રવાના થયા- શ્રી શૈલમ તરફ.માર્ગમાં લીલી છમ ઝાડીઓ જોઇને,પર્વતમાળાઓ જોઇને,ખીણનું ઊંડાણ અને આકાશનું ઉજાસ જોઇને ખુશ ખુશ થતા ત્રણેય શ્રીશૈલમ પહોંચ્યા.તેમને ફ્રેશ થવા અને રાત રોકાવા માટે એક ક્વોર્ટર મળી ગયો એટલે નાહીને નીકળ્યા હતા તો ય એક વાર ઓમ નામ:શિવાય કરતા ત્રણેય ફરી નાહી ધોઈ શિવાલય તરફ ચાલી નીકળ્યા.સરસ મઝાના દર્શન થયા,અભિષેક પણ કરાવ્યો,પાસેની જ કેન્ટીનમાંથી ગરમ ગરમ કોફી અને ઈડલી-વડાનો બ્રેક ફાસ્ટ પણ કર્યો.તેના પછી સવારના ઠંડા ઠંડા પહોરમાં જ પાસે -નીચે ઊંડાણમાં આવેલ પાતાળકૂવા તરફ પ્રયાણ કર્યું.પુષ્કળ પગથિયાઓ,ગણતા ય થાકી જવાય; પણ તોય મનમાં નામ:શિવાય નમ:શિવાય બોલતા બોલતા પાતાળ કૂવાના ઊંડા અંધકાર તરફ ચાલતા રહ્યા.પતિ-પત્ની મનમાં શ્રવણ જેવા શર્વિલના લગ્નના,મન પ્રસન્ન કરી દે એવા વિચારોમાં ખોવાયેલા હતા અને એક બીજાનો હાથ પકડી ચાલી રહ્યા હતા.
શર્વિલ એક એક પગથિયે પોતાની ઈરાનિયન પ્રેયસીના અને અવાર નવાર નવાબો સાથે રમાતા કાર્ડ સેશનના વિચારોમાં ડૂબેલો ડૂબેલો મૂંગો મંતર ચાલી રહ્યો હતો.તેની પ્રેયસી ઈરાનિયન હતી જે તેની સાથે બ્રિટીશ લાયબ્રેરીમાં સહયોગી તરીકે કામ કરતી હતી.અતિ સુંદર,અતિ નમણી, ખુદાએ તેને ઘડીને હાથ ધોઈ નાખ્યા હોય એવી આકર્ષક-મનમોહક.તે જાણતો હતો કે તેના શિવ ભક્ત ઓર્થોડોક્સ મા બાપ તેને આવી પરધર્મી યુવતી સાથે તો કોઈ કરતા કોઈ સંજોગોમાં લગ્ન ન જ કરવા દે.મોત વહાલું કરે,તેને ઘર બહાર,નાત બહાર કરી-કરાવી દે.પણ આવા લગ્ન તો ન ભૂતો ન ભવિષ્યતિ ! પોતે આ મોંઘા થતા ફ્લેટ તો ખરીદે તો શું ભાડે પણ ન લઇ શકે એવી સ્થિતિ – પરિસ્થિતિ.લોન પણ ન મળી શકે કારણ કે હજી પ્રોબેશન પર જ હતો.નવાબો સાથેના કાર્ડ સેશનમાં કમાઈ લેવાની ખોટી લાલચે બેહિસાબ ગુમાવી જ રહેતો હતો.ઈરાની સહયોગી ગર્લ ફ્રેન્ડને હોટલ વાઈસરોય,હોટલ બંજારા,હોટલ ભાસ્કર પેલેસ ઈત્યાદિ મોંઘી દાટ હોટલોમાં લંચ કે ડિનર પર લઇ જવાનો શોખ તેને ખર્ચના મોટા ખાડામાં જ ઉતારતો રહેતો હતો.તેને મનમાં એક ભયંકર,ભયાનક તરંગ આવ્યો કે જો માતા-પિતા જ ન રહે તો બધાજ પ્રોબ્લમોનો અંત આવી જાય.રહેવાનો ફ્લેટ,તેમની બચતની માતબર રકમ,પોતાની ફ્રેન્ડને સોને મઢી શકાય એટલું સોનું સહજ સહજમાં મળી જાય.
ખોટા-ખરાબ વિચાર- તરંગ કોણ જાણે કેમ અતિ બળવાન હોય છે.તેણે આગળ આગળ ચાલી રહેલા માબાપને લગભગ છેલ્લા જેવા પગથિયાથી પોતાના બેઉ બળવાન હાથોથી જોરદાર ધક્કો મારી તેમને પાતાળ કૂવામાં અર્પણ-તર્પણ કરતો હોય તેમ પધરાવી દીધા.ઓમ નામ: શિવાય બોલી રહેલા માબાપ એકાએક “બેટા શ્રવણ-શર્મિલ……”..કહેતા પોકારતા …..ઊંડા પાતાળ કૂવાના ઘોર અંધકારમય ઊંડાણમાં ડૂબી ગયા.
જ્યાં એ બેઉ ડૂબ્યા ત્યાં તેની આસપાસ જળતરંગો ગોળ ગોળ ફરતા રહ્યા અને શર્વિલ પોતાના સ્વાર્થી તરંગની સફળતાની ખુશીના નશામાં, દોડાદોડ પાતાળકૂવાની બહાર નીકળવા- ભાગવા લાગ્યો.
તેના મનના અતલ ઊંડાણમાં હવે પોતાના ફ્લેટમાં ઈરાની ગર્લફ્રેન્ડની સાથેના પ્રણય-પરિણયના તરંગો ચકરાવા લાગ્યા.
(સમાપ્ત)
સપ્ટેમ્બર 12, 2015 @ 14:11:19
માબાપની કબર પર મહેલ ચણનારા દિકરા પણ હોય છે.
From my Android phone on T-Mobile. The first nationwide 4G network.