માથે ધીરેથી હાથ ફેરવતી અને એકદમ ધીમા સ્વરે ‘રામ રાખે તેમ રહીએ’નું ભજન ગાતી દીકરી દયાની સામે પૂરા એક સો વર્ષની આવરદા વટાવેલી માં જોતી રહી-જોતી જ રહી ગઈ..ઊંઘમાં ઘેરાતી આંખોમાંથી અને ભરાયેલા હૈયામાંથી સીધા ટપકીને એ તન્દ્રિલ આંખોમાં ચમકી રહેલા બે અશ્રુબિંદુ, બિલકુલ મૂક એવી લક્ષણા વાણીમાં, નેતાના પ્રવચનના ‘બે શબ્દો’ની જેમ, ઊભરાઈ જઈ બહુ બહુ કહી રહ્યા હતા.
ઊંઘ આવવા માંડી અને સ્વપ્ન સૃષ્ટિ શરૂ થઇ.પોતે બીજવરના પરણીને આવી ત્યારે આ દીકરી દયા એક જ વર્ષની હતી અને બિચારી તેની સામે ભોળા ભાવે વાત્સલ્યની તરસી દૃષ્ટિથી જોયા કરતી હતી. બીજવરને પરણીને પોતાને મહાદુખી સમજતી, પોતે સમજુબા , પિતૃગૃહથી પતિગૃહ આવતા જ એકાએક આવી પડેલી આ સાવકી દીકરીની પળોજણથી તોબા તોબા પોકારી ગયેલી.કોઈ ન જુએ તેમ તેને ચીંટિયા ભરી ભરી મનના દુઃખને મારવાની કોશિશ કરતી રહેતી તે દૃશ્ય પણ તાદૃશ થવા લાગ્યું.તરતમાં જ પોતાને સારા દિવસો આવ્યા એટલે આ સાવકી દીકરીનું દૂધ પણ પોતે જ પીવા માંડી ગયેલી, એ અતિ સ્વાર્થી એવું પોતાનું વિકૃત સ્વરૂપ પણ તેને દેખાવા લાગ્યું. બે જ વર્ષમાં બબ્બે વાર જોડકા દીકરાને જન્મ આપી તે પરિવારમાં લાડકી વહુ બની ગઈ.પણ પોતે લાડકી વહુએ, સાવકી દીકરી દયાની, તો નામની પણ દયા ખાધા વિના, તેને કાયમ ધુત્કારી,અવહેલિત કરી અને ગાંસડી ભરી ભરીને તેની પાસે અનેકાનેક કામો, તેના ગજા ઉપરાંત કરાવી કરાવી તેનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધીને જ પોતાના ચાર ચાર બાળકોને મન ભરીને લાડ લડાવતી રહી.એ ચારેયના નામ પણ પોતાની ઈચ્છા પ્રમાણે દર્શન,ભાવિક,નમન અને મનન એવા અતિ અતિ સંસ્કારી પાડ્યા. એ ચારેય ને સારામાં સારી સ્કુલમાં દાખલ કરાવી, મોટામાં મોટી ડીગ્રીઓ સુધી ભણાવી સહુને પોતાના જ શહેરમાં જ નહિ,પોતાના ઘાટકોપરના પરામાં જ પરણાવી કરીને સેટલ પણ કરાવ્યા.બિચારી દયાને તો પોતે મિડલ સુધી પાસેની મ્યુનિસિપલ સ્કુલમાં ભણાવી નાની ઉમરમાં જ “આ કંઇ બહુ ભણે એવી નથી.દીકરી તો પારકી થાપણ કહેવાય”, કહી કહીને પોતે બીજવરને પરણેલી, તેનો બદલો દીકરી દયા પાસે લેતી હોય તેમ, તેને ઘાટકોપરમાં જ એક બીજવરને જ નહિ,ત્રીજવરની સાથે હાથ પીળા કરી પોતાના હાથ ધોઈ નાખ્યા.
સ્વપ્નસૃષ્ટિના દૃશ્યો બદલાતા ગયા.મન ક્યારેક પ્રસન્ન તો ક્યારેક અવસન્ન થવા લાગ્યું.પતિને મળેલી પ્રોવિડન્ટ અને ગ્રેચ્યુઇટીની રકમ દીકરાઓને સ્કૂટર અને બાઈક અપાવવામાં અને લોન પર બબ્બે રૂમના ફ્લેટો અપાવવામાં ખલાસ કરી દીધી.વારાફરતી દરેક દીકરાના ઘરે ‘દીકરા એટલા વારા’ અને ;ચલક ચલાણું પેલે ઘેર ભાણું’ કરતા કરતા થાકેલા પતિ તો ચાર દીકરાની કાંધે ચડી ધામમાં ગયા.પણ ધણી જતા, ધણી વગરની ધણિયાણીની તો જે દયનીય પરાધીન સ્થિતિ થાય છે અને તેનું જે ઘોર હડહડતું અપમાન થાય છે, એ તો શબ્દોમાં લખાય -કહેવાય એવું હોય છે જ ક્યાં ? પોતે થાકીને વૃદ્ધાશ્રમમાં દાખલ થઇ ગઈ કારણ કે ‘આ માની વિકેટ ખડે તેમ નથી” એવું લાગતા ચારે ય સંસ્કારી નામધારી સુપુત્રોએ તેમને સસ્તામાં સસ્તા વૃદ્ધાશ્રમમાં દાખલ કરી જ દીધેલી.
વૃદ્ધાશ્રમમાં પૂજાના પુષ્પ અને તુલસીના પાન ભેગા કરવા જતા એ પડી ગયેલી તે પણ તેને યાદ આવ્યું અને પોતાને કોઈ ધર્માદા ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી તે પણ યાદ આવ્યું.ફોન કરવા છતાં ય આ સળગતું અંબાડિયું સંભાળવા , જોરૂ ના ગુલામ જેવા સંસ્કારી નામધારી દીકરાઓમાથી કોઈ કરતા કોઈ જ ન આવ્યો, ત્યારે દીકરી દયાની યાદ આવતા, તેને જાણ કરી તો એ બિચારી સાવકી દીકરી વિરારથી દોડીને આવી અને સારું થતા જ પોતાને ઘેર અહી લઇ આવી અને ત્યારથી એ પારકી થાપણના સહારે- આશ્રયે વર્ષો પછી વર્ષો વીતાવતી રહી.ગરમ ગરમ પોચી પોચી ઘી નીતરતી એક- બે રોટલી કોળિયે કોળિયે જમાડે,ચોળીને દાળભાત કે દહીં ભાત કે દૂધભાત જમાડે,ભાવતી રાબ બનાવી આપે,શીરો-લાપસી કે બરફી- ચૂરમું પણ વાર -તહેવારે જમાડે અને સવારે નવડાવી પણ દે, એવી સેવાભાવી સાવકી દીકરીની સામે જોઈ એ વિચારમાં પડી જતી કે આ પારકી થાપણના સાથ-સથવારા-સહવાસનું મફતમાં મળતા વ્યાજનું સુખ એ કયા ઋણાનુબંધના ફળસ્વરૂપે ભોગવી રહી છે ? તેને વિચાર આવ્યો કે હવે તો સદી બતાવ્યા બાદ તો ગણે ત્યારે ઉપરવાળાનું તેડું આવી શકે.દયાની દયાની તો કોઈ સીમા જ નથી.પણ હવે સંકેલાનો સમય આવી જ ગયો છે.
એકએક તે ઊંઘમાંથી ઝબકીને જાગી અને છેલ્લો સંદેશો સંભળાવતી હોય તેમ બોલી:”બેટા દયા તારી દયા માયાથી હું સુખે જીવી છું અને હવે સુખે મારવાની પણ છું.મારા દેહને અભડાવવા મારા કોઈ દીકરાને તેડાવતી-બોલાવતી નહિ.મારે તો દેહદાન જ કરવું છે.ઘણા પાપ કર્યા છે.છેલ્લે આ એક પુણ્યકાર્ય કરીને મન મનાવવા દેજે”. માનો અંતિમ સંદેશો સાંભળી દીકરી દયાની આંખોમાંથી શ્રાવણભાદરવો વરસવા લાગ્યો અને એ આંસુઓનું ગંગાજળ આંખોથી પીતા પીતા, માતા સમજુબાએ આંખો બંધ કરી દીધી.દીકરીએ શ્રી કૃષ્ણ: શરણમ મમ’ ની ધુન બોલાવી દેહદાન માટે એમ્બુલન્સ બોલાવી લીધી.
માનો અંતિમ સંદેશ-આદેશ તો પાળવો જ રહ્યોને?
(સમાપ્ત)
વાંચકોના પ્રતિભાવ…