ચુકાદો…

મુસાફરીમાં ક્યારેક બહુ જ ચિત્ર-વિચિત્ર સહયાત્રીઓનો સાથ-સંગાથ થઇ જાય છે.એક વાર સેકન્ડ એ.સીમાં રીઝર્વેશન ન મળતા મેં ફર્સ્ટ એ.સી.માં રીઝર્વેશન કરાવેલું. હૈદરાબાદથી રાજકોટ જનારી, ત્યારે અઠવાડિયે બે જ વાર ચાલતી  ટ્રેઈનમાં, હું અમદાવાદ જવા, સમયસર, સિકન્દરાબાદ સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચ્યો.

મારા સહયાત્રીઓમાં એક વાતોડિયા વકીલ સાહેબ મળી ગયા અને વાત વાતમાં કોર્ટ કેસોની અને ચુકાદાઓની વાતો કરતા કરતા તેમણે એક ચુકાદાનો કેસ બિન્ધાસ રૂપે વિસ્તારથી મને સંભળાવ્યો.એ ચુકાદાનો કેસ મારાથી ભૂલાતો જ નથી.ભૂલાય એવો પણ નથી.

તેમણે કહેલી વિગતોની વાતો આ પ્રમાણે હતી.દુ:સંગના પ્રભાવમાં આવી એક ચોર,જુગારી,શરાબી,ખૂની અને રેપિસ્ટને તેમણે કેવી રીતે બચાવેલો તેની વાત કહેવામાં, તેમને પોતાની કાયમ સફળ રહેતી વકાલત-હોંશિયારીનું અભિમાન ભારોભાર પ્રગટ કરતા ખુશી ખુશી થઇ રહી હતી.લંબાણથી કહેલી વાત ટૂંકમાં એમ હતી કે એક સોળ વર્ષનો કિશોર નામે પણ કિશોર, ભણવા માટે પોતાના ગામના મારવાડી સગાના મોટા બંગલામાં ભાડે લીધેલા રૂમમાં રહેતા રહેતા,કોણ જાણે કેમ,   બુરી  સોબતમાં આવી જતા જુગાર-રેસના છંદે ચડી ગયો.દારૂ -સિગરેટ,કેબ્રે ડાન્સ અને મોટી હોટલોમાં મનભાવતું દેશી-વિદેશી વેજ-  નોનવેજ ડિનર ઇત્યાદિ તેનો નિત્યક્રમ બની જતા, ઘરમાલિકે,પોતાના એકના એક દીકરાના લગ્ન છે, એવું સાચું બહાનું કરી તેને ઘર ખાલી કરાવવા માટે મૌખિક નોટિસ પણ આપી;પણ ભણવાનું આ છેલ્લું  જ વર્ષ છે,પરીક્ષાને થોડા જ દિવસો બાકી છે,  એમ કહી તે ત્યાંનો ત્યાં જ ચોંટી રહ્યો.

મકાનમાલિકના એકના એક પુત્રના લગ્ન થયા,ગ્રાન્ડ રિસેપ્શન થયું અને પરીક્ષા હોવાથી તે જાનમાં તો ન ગયો.પણ જાન પાછી આવી ત્યારે તેનું સામૈયું થતાં , તેની નજર રવેશમાંથી પણ નવી વહુના કીમતી સોના-હીરાના દાગીના પર ચોંટી ગઈ.સાથે સાથે તેના ગોરા રૂપાળા નમણા ચહેરા પર પણ ચોંટી ગઈ.

જાન પાછી ફરી ત્યારે શનિવાર હતો.બીજા દિવસે રવિવાર હોવાથી કિશોરને, આંખ ખુલતાજ  બારીમાંથી ફેંકાયેલું ન્યુઝ પેપર દેખાયું.સીધી જ નજર પડી છેલ્લા પાનાની રવિવારની રેસની વિગતો પર.આજે તો પૂરી દસ રેસો હતી.સિઝનમાં એકાદ વાર જ દસ દસ રેસો હોય એવું બને.રેસના ખેલાડીઓને તો એક એક રેસ ઢગલાના ઢગલા કમાઈ આપે એવું જ લાગે.કાંઈ નહિ તો ચાન્સ તો એટલા બધા રહેને ? એમ વિચારતા વિચારતા એ  દસે રેસની વિગતો જોવા-તપાસવા લાગી ગયો.અમુક જોકીઓની ડબલ કે ટ્રિબલ લાગવાના ચાન્સ પણ આજે પુષ્કળ રહેશે એમ તેનું મન કહેવા લાગ્યું.એ બ્રશ કરી,બહાર ઈરાની હોટલની ચા પીવા જવાનો વિચાર કરે ત્યાં તો તેની નજર રવેશમાંથી  બહાર પડી તો જોયું નવ વિવાહિત જોડું સામેના જૈન દેરાસર તરફ દર્શને જઈ રહ્યું હતું.તેણે  તરત જ પોતાની બાજુના જ એ નવવિવાહિત કપલના બે બેડરૂમના નાના બ્લોક તરફ નજર નાખી. પોતાના એન્જીનિયરીંગના જ્ઞાનના સહારે બને તો તે બ્લોકનું તાળું કેમ ખોલી શકાય તેના માટે તુક્કો લડાવવા લાગ્યું.સર્વ પ્રથમ તો તે આવા કામમાં રીઢો હોવાથી હાથમોજા પહેલા પહેરી લીધા.તેના નસીબે એક નાની ખિલ્લીથી જ ક્ષણ ભરમાં દરવાજો ખુલી ગયો.

વધુ સારા નસીબે બેડરૂમના ગોદરેજના કબાટના દરવાજા પર જ ચાવીઓનો ઝૂડો લટકી રહ્યો હતો.ટાઈમ મેનજમેન્ટનો ખ્યાલ રાખી તે તરત જ કબાટની અંદરના લોકરમાં પણ ચાવી એમની એમ જોઈ, ઝડપથી હાથફેરો કરી, બને તેટલા સોના-હીરાના દાગીનાઓ લેંઘા અને પહેરણ ના ખિસ્સામાં સેરવી એ બહાર નીકળવા જતો હતો, ત્યાં તો તેણે નવવિવાહિતાને આવતી જોઈ.તે દરવાજા પાછળ છુપાઈ ગયો. ખુલ્લો દરવાજો જોઈ નવાઈ પામતી, જેવી એ અંદર પ્રવેશી કે તેનું ગળું જોરથી દબાવી,મોંઢું બંધ કરી તેને પૂરી ગૂંગળાવી દીધી.તે  મૂંગી ને મૂંગી મરણ શરણ થઇ ગઈ.તે જમીન પર પડી ગઈ તો તેના પર ડબલ બેડના ડનલોપના ગાદલા ફેંકી તેને વધુ ને વધુ  દબાવી, પૂરી ખલાસ કર્યાનો પાકો સધિયારો મેળવી, એ તેના પર બળાત્કાર પણ કરવા લાલાયિત થયો.પરંતુ કોઈ આવી જશે તો એ બીકે તેને ચૂમીને-બટકું ભરીને જ,તેણે  તેના ગળાનું હીરાજડિત મોંઘુ મંગળસૂત્ર  અને હાથની  હીરાની બંગડીઓ પણ કાઢી લીધી.

આંગળીની હીરાની વીંટી પણ ખેંચી કાઢી અને કાનના બૂટિયા પણ કાઢી લીધા.એ પછી તરત જ એ ખુલેલા બારણામાંથી બહાર નીકળી પોતાના રૂમમાં પહોંચી સીધો એક નાનકડા બગલથેલામાં બધું છુપાવી -ભરી, દોડાદોડ સીડી ઊતરી, કંપાઉંડ બહાર નીકળી, જે પહેલી મળી તે રિક્ષામાં, બસ સ્ટેશન તરફ રવાના થયો.”રેસની શું,હવે તો જીવન ભરની કમાણી થઇ ગઈ” એમ સમજી એ સીધો પોતાને શહેર પહોંચી ગયો.

ત્યાં પહોંચી તેણે બીજા જ દિવસે -સોમવારે પોતાના એકાઉન્ટના આધારે બેંક- લોકર મેળવી ઘરેણા તેમાં મૂકી દીધા.

આ બાજુ  પુત્રવધૂ નીચે ન આવતા સાસુ-નણંદે  અને તેના પતિએ તેને ચા-નાસ્તા માટે હાક મારી જોઈ;પણ તે ન આવી એટલે તેનો વર ઉપર આવ્યો તો જોયું કે પત્ની તો  મરણ શરણ થઇ ગઈ છે અને પછી જોયું કે કબાટમાંથી બધી જણસો ગુમ છે.પછી જોયું તો પત્નીના શરીર પરથી પણ બધું જ ગુમ છે.તેનાથી ચીસ પડી ગઈ.તેના હોઠ પર બટકું પણ ભરાયેલું દેખાયું.આખું ઘર ઉપર આવ્યું અને તરત પોલિસને ફોન કર્યો. 

 પાડોશી કિશોર તેના રૂમમાં ન દેખાતા તેના પર શંકાની સોય ગઈ.પોલિસે શબ ફોરેન્સિક વિભાગમાં મોકલવાની વાત કરી.પોલિસ- કેસ થયા બાદ તો લાચારીથી રાહ જ જોવાની રહે.કિશોરને શંકાના આધારે પકડવા પોલિસ તેના શહેરે પહોંચી તો એ તો ઘરે ન જઈ કોઈ હોટલમાં ઊતર્યો હતો.ઘરના લોકો તેને આમ એકએક આવેલો જોઈ સો સવાલો પૂછે તે કરતા હોટલમાં રહેવું તેને વધુ સેફ દેખાયું.તે ન મળતા પોલીસ તેની તપાસ કરવા માટે લોકલ પોલિસ વિભાગને જવાબદારી સોંપી પાછી ફરી.બીજે દિવસે એ ઘરે મળવા ગયો તો છુપી પોલિસે તેને પકડ્યો અને તેને ખૂન અને ચોરીની ઘટના બની હતી તે શહેરે પાછો લઇ જઈ ભરપૂર પૂછપરછ કરી.હિમતથી જવાબો આપી તે બચતો રહ્યો.પણ તોય શંકાના આધારે તેને શહેર બહાર ન જવાની ધમકી આપવામાં આવી.તે રોકાઈ તો ગયો;પણ તરત જ પૂરતી તપાસ કરી મારી પાસે આવી ગયો અને કહેવા લાગ્યો કે મને કોઈ પણ રીતે બચાવો.મેં તેને મોં- માંગી ફી આપવાની શરત મૂકી તો તે તરત જ હા પાડી મારા પગે પડી ગયો.

હવે મારી કરામત જુઓ.મેં તે જે હોટલમાં તેના માબાપના શહેરમાં ઊતર્યો હતો ત્યાંની હોટલમાં મેનેજર અને રિસેપ્શનિષ્ટને ભરપૂર લાંચ આપી એક દિવસ અગાઉથી ત્યાં રહ્યાની રજીસ્ટરમાં તારીખ બદલાવી એવી  નોંધ દાખલ કરાવી દીધી.સાહેબ,તે બિલકુલ નિર્દોષ છૂટી ગયો.હાથ-મોજા પહેરેલા હોવાથી તેના ફિંગર પ્રિન્ટ્સ તો મળ્યા જ ન હતા એટલે એ બાબત પણ  તે નિર્દોષ જ સાબિત થતો હતો.મારી તેની હોટલની તારીખ-નોંધની ફેરબદલીથી એ પૂરો બચી ગયો.ચુકાદો તેની ફેવરમાં આવતા જ મેં તેની પાસે પૂરા પચ્ચીસ હજાર રૂપિયા લીધા,જે તેણે રાજીખુશીથી મને આપ્યા.”

  જેટલી ખુશીથી એ આ બધી વાત કરી રહ્યો હતો એટલી જ ગમગિનીથી હું આ બધું સાંભળી રહ્યો હતો.

ત્યારે મેં મનોમન એક દૃઢ નિશ્ચય તો કર્યો જ કર્યો કે મારા એક્કે પુત્રને હું વકીલ તો કોઈ કરતા કોઈ સંજોગોમાં નહિ જ બનાવું.

(અર્ધ સત્ય કથા)                                                   

(સમાપ્ત)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: