જન્મી ત્યારેથી જ સુંદર પણ શ્યામવર્ણી હોવાથી મીત અને મીતાએ વર્ષોની પ્રતીક્ષા પછી જન્મેલી પોતાની લાડલી દીકરીનું નામ શ્યામા પડેલું.અમેરિકામાં આવું નામ દેશીઓ પણ ના પાડે: પણ આ ‘શ્યામા’ નામ દેશી મિત્રોને જ નહિ,અમેરિકન મિત્રોને પણ ગમી ગયું.મીત અને મીતાએ તેમના મિત્રોએ ગોઠવેલ સરપ્રાઈઝ બેબી- શાવરની ઉજવણીમાં બેહિસાબ ગિફ્ટો આવી હોવાથી શ્યામા બાર્બી ડોલીઓથી લઈને અનેકાનેક રમકડાઓના ટોય વર્લ્ડ વચ્ચે જ મોટી થવા લાગી.માબાપ ડોક્ટર હોવાથી, શ્યામા બેબીસીટર લીના પાસે મોટી થવા લાગી,જેના બોય ફ્રેન્ડને અવાર- નવાર આવતો જોઈ તેને જરા નવાઈ લાગતી,થોડું કૌતુહલ થતું, તનિક જીજ્ઞાસા પણ જાગતી.તે પૂછતી પણ ખરી:” હૂ ઈઝ ધિસ મેન ?” જવાબમાં બેબી- સીટર લીના કહેતી:’ઓહ,હી ઈઝ માય ડેઈટ,માય બોય ફ્રેન્ડ! ” હજી તેને બરાબર યાદ છે એ પહેલી વાર સાંભળેલો શબ્દ ‘ડેઈટ’,જેનો અર્થ કે અનર્થ છેક અત્યારે આ ઉમરે તેને સમજાયો.
જૂની જૂની યાદો મનમાં ઉભરાતી ગઈ અને તેને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે એ બેબીસીટરનો ડેઈટ- ફ્રેન્ડ તેને ગલીપચી કરતો,ગાલે હોઠે કિસ કરતો અને ન ગમે એવો જુગુપ્સાપ્રેરક સ્પર્શ કરતો રહેતો.મમ્મી-પપ્પાને ફરિયાદ કરી એટલે બેબીસીટર બદલી એક દેશી બહેન શોધી કાઢ્યા.એ દેશી બહેન ઉષાબહેન તેને વાર્તાઓ કહી કહી,ભજન સંભળાવી સંભળાવી ખુશખુશાલ મૂડમાં રાખવા લાગ્યા એટલે તે આ નવા બેબીસીટર બહેનથી ખુશ ખુશ રહેવા લાગી.મોટી થઇ એટલે પ્રી- સ્કુલમાં જવા લાગી અને ત્યાં પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેને ભણતા ભણતા અનેકાનેક વિચિત્ર વિચિત્ર અનુભવો થતા રહ્યા.
સહુથી ભયંકર વિચિત્ર અનુભવ તો સાથે ભણતા સેમ નામના છોકરાએ તેને ડેઈટ બનાવી તેની સાથે મોકો શોધી એવો તો પ્રયોગ કર્યો કે અગિયાર વર્ષની કુમળી વયે તે સમજી પણ ન શકી તેમ તે પ્રેગ્નન્ટ બની ગઈ.ડોક્ટર માતાપિતાએ અમેરિકાની આ બેશરમ દુર્ઘટનાને સાચવી-સંભાળી લઇ શ્યામાનું સમયસર એબોર્શન કરાવી તેને ભવિષ્યમાં ગાફેલ ન રહેવાની સલાહ આપી.તેની સ્કુલ પણ બદલી નાખવામાં આવી.ભણવામાં હોંશિયાર હોવાથી શ્યામા બારમો ગ્રેડ પાસ કરી સીધા સાત વર્ષના મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવી માબાપની જેમ ડોક્ટર બનવાનું સ્વપ્ન સેવવા લાગી.તેને સાયકિયાટ્રિસ્ટ બની મનોચિકિત્સક ડોક્ટર બનવાની અતિ પ્રબળ ઈચ્છા હોવાથી તેણે એવો કોર્સ પસંદ કર્યો.
મેડિકલ કોર્સ દરમ્યાન અને અંતે રેસીડન્સી સમયે તેને એક પછી એક એવા ડોક્ટર સાથીઓ ડેઈટ કરવા મળતા રહ્યા,જેમણે શ્યામાને પ્રેમના સ્વપ્ન- જગતમાં તો ભરપૂર વિહાર કરાવ્યો;પણ પ્રપોઝ કરવાનું તો ટાળતા જ રહેવાનું કરતા રહી તેને હમેશા નિરાશ જ નિરાશ કરી.રેસીડન્સી પૂરી કરી જયારે તે સરસ મઝાના જોબ માટે સિલેક્ટ થઇ ત્યારે તો એક પંજાબી ડોકટર પ્રીતમ તેને ડેઈટ પર લઇ જઈ પ્રપોઝ સુદ્ધા કરી,અણછાજતી છૂટ છાટ પણ લીધા બાદ વિધિવત સગાઇ કરીને લગ્નની ડેઈટ પણ નક્કી કરી-કરાવી બેઠો. તૈયારી તો બેઉ પક્ષોએ પ્રારંભ કરી દીધી.ડેસ્ટિનેશન -મેરેજ ફ્લોરિડામાં ફિક્સ કરવામાં આવ્યા અને શ્યામાના માતા- પિતા મીતા- મીતે ધૂમ ખર્ચ કરી
‘હયાત’ હોટલમાં મેહંદી,સંગીત- સંધ્યા, લગ્ન અને રીસેપ્શનનું ભવ્યાતિભવ્ય આયોજન નિર્ધારિત કર્યું.
કન્યાપક્ષવાળા સગા વહાલાઓ અને દોસ્ત -બિરાદરો સાથે ફ્લોરિડા પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો મેરેજ ડેઈટની વહેલી સવારે જ પંજાબી ડોક્ટર પ્રીતમનો ફોન આવ્યો કે મેરેજ ડેઈટ અને મેરેજ કેન્સલ છે કારણ કે તે પોતાની બિરાદરીના મિલિયોનર માબાપની એકની એક દીકરી સાથે પરણવાનું નિશ્ચિત કરી ચૂક્યો છે.
જીવનભર ડેઈટ પછી ડેઈટ પછી ડેઈટના અંતે લગ્નની ડેઈટ પણ દુ:સ્વપ્ન જ સાબિત થઇ જોઈ સાયકિયાટ્રિસ્ટ મનોચિકિત્સક ડોક્ટર શ્યામા પોતે જ ભયંકર ડિપ્રેશનમાં આવી ગઈ અને એકલી એકલી “ડેઈટ પર ડેઈટ પર ડેઈટ” એમ બબડવા લાગી ગઈ.
(સત્ય કથા)
(સમાપ્ત)
વાંચકોના પ્રતિભાવ…