ફોન આવ્યો જે તરત શેફાલીએ ઉપાડ્યો અને હેલો કહેતા પૂછ્યું:”કોણ?”
સામેથી અવાજ આવ્યો:”હેલો…..હું અનંત ! ઓળખ્યો મને? હું આવી જ રહ્યો છું તારા ઘરે તને મળવા.ઈઝ ધેટ ઓ.કે? “
“ઓ.કે.પણ તને મારો નંબર ક્યાંથી મળ્યો? મારું ઘર તને કેવી રીતે મળશે?-કેવી રીતે મળ્યું? “
“ડિરેક્ટરીમાં નામ,સરનામું અને ફોન નંબર તો મારા સેક્રેટરીએ શોધી આપ્યો.બસ, આવીને જ વાત કરીએ નિરાંતે.”
શેફાલી વર્ષો પછી, જેની સાથે સંબંધોનો અંત આવી ગયેલો, તે અનંતનો ફોન આવતા અને તેની પોતાના ઘરે આવવાની-મળવા આવવાની આતુરતા -વ્યાકુળતા જોઈને ન સમજાય નહિ એવા વિચાર- વમળોમાં તાણવા લાગી ગઈ.
આ જ અનંતે તેને સરોવરની પાળે, બાંકડા પરથી ઊભા થઇ, નીચે ઘૂંટણિયે બેસીને વીંટી પહેરાવી, પ્રેમપૂર્વક પ્રપોઝ કરેલ એ તેની મનગમતી …..પણ હવે અત્યારે અણગમતી સ્મૃતિ, વિજળીની જેમ તેના ભાવ- જગતના ગગનમાં ઝબકી ઊઠી.આર્ટ્સ-કોમર્સ કોલેજના એ મોજ-મસ્તીના દિવસો, સાવ સરળ- સહેલો રમતિયાળ કોર્સ,ગીત-સંગીતની,ડિબેટની હરિફાઈઓ, નાટક -નૃત્યના વાર્ષિક કાર્યક્રમો,પિકનિકની મોજ- મઝા, બધું જ એક સાથે સામે આવી જવા લાગ્યું.લવ મેરેજ વર્સિસ અરેન્જ્ડ મેરેજની ડિબેટમાં પોતે અને અનંત જીતેલા તે પણ બરાબર યાદ આવી ગયું.બંનેએ લવ મેરેજની ફેવરમાં ધારા પ્રવાહ દલીલો કરેલી.
ત્યાં તો ડોર બેલ વાગ્યો અને તે દરવાજો ખોલી, તેના એક સમયના પ્રેમી અનંતને,મોટી ઉમરે પણ યુવા દેખાવા-દેખાડવાનો પ્રયાસ કરવા માટે ટી,શર્ટ અને જીનમાં આવેલો જોઈ તેને મનોમન હસવું આવી ગયું.
“કેમ છે,શેફાલી? તું તો હજી એવી ને એવી જ યંગ લાગેછે.કેમ ચાલે છે બધું? તને તો સારો પ્રોફેસરનો જોબ મળી ગયો છે.શાંતિનો,નવરાશનો -રોયલ જોબ કહેવાય.હું તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આંકડાઓની ગૂંચોમાં ગૂંચવાયેલો જ રહ્યા કરું છું.” અનંત પ્રવેશતા પ્રવેશતા બોલ્યો.
“આવ,બેસ.” કહી અનંતને સોફા પર બેસાડી સામેના સોફા પર બેસતા શેફાલી બોલી:”એ તો તારી જ પસંદગી ? તારા મામાની ધીકતી ઓફીસ તને તો એમ ને એમ રમતવાતમાં મળી ગઈ હતી.તું ખુશ પણ બહુ હતો.અત્યારે કેમ છે તારો ઘર સંસાર -તારી પત્ની ? તારા એ મામાની એકની એક દીકરી ? બાળકો પણ હશે જ.કેટલા કેલેન્ડર કાઢ્યા છે?” શેફાલી, પોતાના મામાની દીકરીને પસંદ કરી, તેની સાથે લગ્ન કરી લીધેલા અનંતને,તેની પ્રપોઝ કરેલી વીંટી એ જ તળાવના વમળોમાં ફેંકી દઈ, સાપ કાંચળી તજી દે તેમ, અનંતના સંબંધનો અંત સ્વીકારી, પોતાની આઝાદીભરી મસ્તી માણવામાં ખુશખુશાલ હતી.
અનંત બોલ્યો:”સોરી,પણ ત્યારે મારી બાના દબાણમાં આવી,મારે, અમારે ત્યાં તમિલનાડુમાં થતા હોય છે તેમ, મામાની એ એકની એક દીકરી સાથે લગ્ન કરી જ લેવા પડ્યા.પિતાનો પણ આગ્રહ હતો કે પ્રેક્ટિકલ થા અને આવતી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે મોંઢું ધોવા ના જા.તને છેલ્લે મળીને ડિમ લાઈટના ડિનર ટેબલ પર આ વાત કરતા મને દુખ તો બહુ જ થયેલું,તને પણ આઘાત લાગ્યો હશે.પણ હું ફેમિલી- પ્રેશરમાં લાચાર થઇ ગયેલો.આમે ય મને માલિકી વાળી નોકરી-છોકરી એક સાથે મળી જતા ખુશી જ ખુશી થઇ રહેલી કારણ કે મામાની ચાર્ટર્ડ એકાઉન્ટ્સની ઓફિસ અંતે તો મારી જ થવાની નિશ્ચિત હતી.”
“તારો જીવનમાર્ગ નિશ્ચિત કરી તેં મને તો ક્યાંયની ન રહેવા દીધી તેનું શું? સારું થયું મેં મન લગાવીને મારું એમ.એ.કરી લઇ,પી.એચ.ડી પણ કરી લઇ, પ્રોફેસરની પોઝિશન મેળવી લીધી.મને મારી જોબ,મારી લાઈફ સ્ટાઈલ પસંદ છે……બહુ જ પસંદ છે.એકલી છું;પણ હકીકતમાં એકલી નથી જ નથી.વાચન-લેખનનો પ્રેમ,વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓનો પ્રેમ,પ્રવાસનો પ્રેમ વી.થી હું ખુશખુશાલ છું,સંપૂર્ણપણે સંતુષ્ટ છું.આઈ એમ રિયલ્લી રિયલ્લી હેપી ….વેરી હેપી.હું આઝાદ છુંઅને મારી આઝાદી એન્જોય પણ કરું છું. તારો હાલ કહે!”
“હું તો બેહાલ છું.પત્ની બે બાળકોને જન્મ આપી, ત્રીજી છેલ્લી ડિલિવરીમાં ગુજરી ગઈ અને હું એકલો પડી ગયો છું.સાવ એકાકી,બિલકુલ લોન્લી,માબાપ-મામા- મામી બધાય ઈચ્છે છે કે હવે હું તને પરણું, કારણ કે તું હજી, મારી તે સમયની મારી ‘ના’ છતાંય, આજ સુધી મારી રાહ જોઇને અપરિણીત રહી છે.તું મને આજે પણ પસંદ છે.મારા માબાપને પણ હવે પસંદ છે.મારા મામા- મામીને પણ લાગે છે કે તું વાઈફ અને મધરનો રોલ એઝ એ ચેલેન્જ દીપાવી શકીશ.બધાને આ પ્રસ્તાવ પસંદ છે. તો આ એકાકી બની ગયેલા,એકલા પડી ગયેલા તારા મનપસંદ પ્રેમી અનંતને તું સાથ-સહકાર આપી પ્રેમભર્યો,ઉષ્માભર્યો સહવાસ આપીશને? આમે ય તું એકલી જ છે.”
અને શેફાલી ઊભી થઇ ગઈ અને ભાવાવેશમાં ભેટવા આવતી હોય તેમ નજીક આવી અનંતનો હાથ પકડી તેને દરવાજા તરફ લઇ જતી બોલી:”તને અને તારા સ્વાર્થી પરિવારને હું પસંદ હોઈશ;પણ મને તું બિલકુલ નાપસંદ છે.હું એકલી નથી,તેં મને છોડીને પણ એકલી નહોતી બનાવી અને ભવિષ્યમાં પણ હું ક્યારેય એકલી નથી પડવાની.એકલો તો તું પડી ગયો છે, એકાકીપણું તો તું ભોગવી રહ્યો છે, લોન્લી તો તું થઇ ગયો છે,હું તો……આઈ એમ એન્જોયિંગ માય ઓન્લી…. ઓન્લી ઇન્ડીપેન્ડન્ટ લાઈફ. ત્યારે તું મને પસંદ હતો,પણ અત્યારે તો તું મને બિલકુલ અને નામનો ય પસંદ નથી.તું મને બિલકુલ સો ટકા નાપસંદ છે ટોટલ્લી નાપસંદ છે. હવે તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે.તું મને ભારોભાર નાપસંદ છે.બાય બાય…… એન્ડ ગુડ બાય- ફોર એવર !” કહી લગભગ, દ્વાર બહાર, અનંતને ધકેલી દઈ, તેણે દ્વાર બંધ કરતા એક પ્રકારની મન:શાંતિનો ઊંડો,અદ્ભુત અને અદકેરો સંતોષ ભર્યો અનુભવ કર્યો.
(અર્ધ સત્ય કથા)
(સમાપ્ત)
વાંચકોના પ્રતિભાવ…