ક્લાસમાં પોતાના સ્ટુડન્ટોને મેથ્સ ભણાવતા ભણાવતા એકાએક નિશિત પોતે બ્લેકબોર્ડ પર દોરેલી પેરેલલ લાઈન્સ તરફ જોતો રહી ગયો,અંદર અંદર ખોવાતો રહ્યો,સોસવાતો રહ્યો અને જોતજોતામાં તો મનમાં ઊંડાણમાં -અંતર્મનમાં ખોવાઈ ગયો.વિચારવા લાગ્યો :”ક્યાં પોતે, યુ. એસ. એમ. એલ. ઈ.પાસ થયેલ ડોક્ટર?ક્વોલીફાઈડ હોવા છતાં આજે ત્રણ ત્રણ વર્ષની સતત રાહ જોયા પછીયે મેડિકલ રેસીડન્સી ધરાર ન મળતા,
અંતે “ન મામા કરતા કાણો મામો સારો” એમ મન મનાવી, જે મળી તે સ્કુલ- ટીચરની નોકરી સ્વીકારી, મન મારીને સાયંસ એન્ડ મેથ્સ ટીચર બની ગયો? સારું હતું કે તેનું મેથ્સ પણ ઘણું સારું હતું.હકીકતમાં તો તેને બારમી ની પરીક્ષામાં મેથ્સ અને સાયંસ બંન્નેમાં સારા માર્ક્સ આવેલ એટલે ધારે તો તે એન્જિનિયરિંગમાં પ્રવેશ લઇ શકે અને ઈચ્છે તો મેડિકલમાં પ્રવેશ લઇ શકે.પણ શિક્ષક બાપને અને શિક્ષિકા માતાને તો પોતાના એકના એક દીકરાને ડોક્ટર જ બનાવવાની ગાંડી તમન્ના હતી, એટલે તેમને રાજી કરવા જ તે મેડિકલમાં ઘૂસ્યો.તેણે તો ચોતરફ નજર ફેરવતા દસ દસ વર્ષે સેટલ થતા ડોકટરો જોયેલા એટલે તેને મન તો એન્જીનિયર બની,તરત નોકરી મેળવી શાંતિનું જીવન જીવવાનું જ પસંદ હતું.પણ માતૃ -પિતૃભક્ત નિશિતે માબાપ માટે સફેદ એપ્રન પહેરી,ગળામાં સ્થેટેસ્કોપ લટકાવી પોતાના જ શહેરની મેડિકલ કોલેજના પગથિયા ઘસવા શરૂ કરી દીધા.
પાંચ વર્ષની સતત મહેનત અને એક છેલ્લા વર્ષની રેસીડન્સી પૂરી કરી જયારે તે ડોક્ટર બની બહાર નીકળ્યો ત્યારે તેના કરતા તેના હોંસીલા માબાપ પ્રસન્નતા અને ધન્યતાનો અદકેરો અનુભવ માણવા લાગ્યા.
તેમના નસીબે ડોક્ટરનું ભણીને ભારતમાં ડોક્ટર છોકરો શોધવા આવેલ નીનાને અને તેનાથી વધુ તેના માબાપને નિશિત પસંદ આવી ગયો.ઘડિયા લગ્ન લેવાયા અને ત્યારે સંભવ હોવાથી નીના-નિશિત કેરળનું ટૂંકુ શાંત હનીમૂન માણી અમેરકા ભણી પ્રયાણ કરી ગયા.માબાપને થયું દીકરો સુખના દેશમાં પહોંચી ગયો.નિશિત પણ મનોમન પ્રસન્ન થઇ રહ્યો હતો કે દસ વર્ષના ડોકટરી સંઘર્ષથી તો બચ્યો.પણ તેને ક્યાં ખબર હતી કે સંઘર્ષ તો હવે શરૂ થવાનો? નીનાને તો તરત રેસીડન્સી મળી ગઈ -ક્લીવલેન્ડની હાર્ટ -હોસ્પિટલમાં;પણ નિશિતને તો યુ, એસ. એમ. એલ.ઈની ભરપૂર તૈયારીમાં જ લાગી જવું પડ્યું.હોસ્પિટલના રેસીડંટો માટેના એપાર્ટમેન્ટમાં નીના સાથે રહી તે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા,કોચિંગ ક્લાસો ભરવા લાગ્યો.તેને લાગ્યું કે તે નીનાના પૈસે જ ટકી રહ્યો છે.તેની પોતાની તો ન કોઈ આવક હતી કે ન તો કોઈ બચત પણ હતી.તેનામાં લઘુતા ગ્રંથિ જન્મવા લાગી.નીના પણ ડોક્ટર માબાપની એકની એક દીકરી હોવાથી અને રેસીડન્સી દરમ્યાન મળતી સ્ટ્રાઈપંડની રકમથી એક પ્રકારનો ઇગો અનુભવવા લાગી ગઈ હતી.હોસ્પિટલમાં જ મળી જતા બ્રેકફાસ્ટ અને લંચના કારણે તેને ઘરમાં કિચનની કોઈ કરતા કોઈ ઝંઝટ નહોતી કરવી પડતી.બિચારો નિશિત જેમ તેમ લૂસ લૂસ બ્રેક્ફાસ્ટ કરી ક્લસ ભરવા નીનાની અપાવેલી કારમાં દોડતો-ભાગતો કેટલે ય દૂર સુધીની આવજાવ કરતા રહેતો.સાંજે આવીને પણ તેને જ નીના અને પોતા માટે જેવી ફાવે અને આવડે એવી રસોઈની પળોજણ કરવી પડતી.કોલ હોય તો નીના ક્યારેક બીજે તો ક્યારેક ત્રીજા દિવસે આવતી.આમ કરતા કરતા નીનાની રેસીડન્સી પૂરી થવા આવી.પણ નિશિત પોતાના ક્લાસ ભરી,જરૂરી પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ પણ વર્ષો સુધી રેસીડન્સી ન મેળવી શક્યો તે ન જ મેળવી શક્યો.બીજી બાજુ નીનાને તેની જ હોસ્પિટલમાં સારો જોબ મળી ગયો અને બોર્ડ ની પરીક્ષા પાસ કરી તે બોર્ડ સરટીફાઇડ કાર્ડીઓલોજીસ્ટ બની ગઈ એટલે તેને તો ગ્રુપપ્રેક્ટિસમાં પાર્ટનર શીપ મળી જતા તેનો ઈગો હજી વધી ગયો.એક મોટું વિશાળ હાઉસ પણ ખરીદી લીધું,તેને સરસ મઝાનું ફર્નિશ પણ કર્યું-કરાવ્યું,એ નવી કાર પતા માટે લઇ લીધી અને મોટા પાયે સાથી ડોકટરોને અને મિત્રોને તેમ જ ડોક્ટર માબાપને બોલાવી હાઉસ વોર્મિંગનું ફંક્શન પણ આયોજિત કરી પોતાનો ઈગો અનેકવિધ સ્વરૂપે જાહેર થવા દીધો. નિશિત પાસે એ જ જૂની ખખડધજ કાર રહી જેમાં તેને હાઉસ વોર્મિંગ પ્રસંગે સર્વ થનાર ડિનર,ભર ઠંડીમાં, કેટરર પાસેથી પિક અપ કરવાનું અણગમતું કામ કરવું પડ્યું। હવે તો નિશિત સાથેના દરેક પ્રકારના વહેવારમાં તેનો ઈગો કોઈને કોઈ પ્રકારે ટપકતો રહેતો,ઝળકતો રહેતો અને અંતે જયારે તેણે બિચારા નિશિતને સંભળાવી જ દીધું કે:”પન્તુજીના છોકરા પન્તુજીગિરી જ કરે.દરરોજ કેટલીયે જાહેરખબરો આવે છે સ્કુલોની સાયન્સ- ટીચર માટેની.વ્હાય ડોન્ટ યુ એપ્લાય એન્ડ બિકમ એ સ્કુલટીચર? કૈંક તો કમાવું જોઈએ કે નહિ?”
અને પોતે એપ્લાય કરી,ઇન્ટરવ્યુ આપી સાયન્સ એન્ડ મેથ્સ ટીચર બની ગયો.બીજી બાજુ નીના પ્રેગ્નન્ટ બની તો એ સમાચારથી રાજીના રેડ બની ગયેલા નિશિતના માબાપ રજા લઇ નીનાની ડીલીવરી કરવા અમેરિકા આવવા માટે ઉત્સુક જ નહિ,ઉતાવળા થવા લાગ્યા.તેમને તો નિશિતની પરવશ હાલતનો અંદાજો પણ ક્યાંથી હોય? નીનાએ ઘસીને ના પાડી દેતા કહ્યું કે “પન્તુજીગિરી કરતા દીકરાને જોવા-મળવા આવવું હોય તો ભલે એ માસ્તર- માસ્તરાણી પોતાના ખર્ચે બે ત્રણ વીક માટે આવી જાય.બાકી મારી ડિલિવરી તો મારા માબાપ જ કરશે.દેશી લોકોને અમેરિકન ડિલિવરી કરવી થોડી ફાવે? ઘીના કાટલા ખવડાવી ખવડાવી,ફહી-બદામની રાબ પાઈ પાઈ,શ્રો ખવડાવી ખવડાવી, મને જાડીપાડી જ બનાવી દે.ના,બાપા ના,મારે મારું ફિગર તો આમે ય પ્રેગ્નન્સીમાં થોડું બગડવાનું, તે હજી વધારે બગાડવાની કોઈ જરૂર ખરી?અને બાળક જન્મ્યા પછી તેની કેર તમે રાખજો,તમારી જીદે અને ભૂલે હું અત્યારે પ્રેગ્નન્ટ બની છું.”
પોતાના માબાપ તેમના ખર્ચે તો આવી જ કેવી રીતે શકે? અને તે ય ડીલીવરી માટે નહિ,કેવળ માત્ર તેને જોવા-મળવા માટે જ આવે? આવનાર પૌત્ર કે પૌત્રીની ડિલિવરી માટે હોંસે હોંસે ન આવે? અને નીના પ્રેગ્નન્ટ બની તો તેને તેની ખુશી નથી? બધો દોષનો ટોપલો તેના માથે ઢોળે છે? “તેનું મગજ ગરમ થઇ ગયું.તેણે ગુસ્સામાં આવી કહી દીધું :”મારા માબાપ મારી મોકલેલ ટિકિટો પર આવશે અને તે ય ડીલીવરી માટે જ આવશે.તેમને પણ ઉમંગ-ઉમળકો હોય કે નહિ મૂડીનું વ્યાજ જોવાનો ?”
” તો હું મારા માબાપના ઘરે જઈ ડિલીવરી કરાવીશ અને તમારા માબાપ ગયા પછી જ પાછી આવીશ.
તમે પંતુજીઓ મળો, રહો અને લહેર કરો.મારી તેમને મળવાની,તેમની સાથે રહેવાની કે હેરાન હેરાન, પરેશાન થવાની કોઈ ઈચ્છા કે મરજી કે તૈયારી સુદ્ધા નથી.યુ સ્ટે એલોન એન્ડ બાય યોરસેલ્વ્સ! આઈ ડોન્ટ કેર ફોર યુ ઓર યોર પેરન્ટ્સ ! ધે આર યોર પેરન્ટ્સ એન્ડ ધિસ ઈઝ યોર બેબી.આઈ એમ સફરિંગ નાઉ એન્ડ યુ વિલ સફર ઓલ યોર લાઈફ.આઈ એમ હેપી વિથ માય મેડિકલ કરિયર.યુ બી હેપી વિથ યોર પંતુજી કરિયર.”
નિશિતને ક્લાસમાં, પેરેલલ લાઈન્સ વિષે કોણ જાણે ક્યાંથી વાંચેલી,સાભળેલી,સમજેલી બ્રહ્મવાક્ય જેવી એક વાત યાદ આવી ગઈ અને તેનાથી અનાયાસ જ બોલી જવાયું:”યુ નો,ઇટ ઈઝ એ સાયન્ટીફિક રુલ.પેરેલલ લાઈન્સ નેવર એવર મીટ એટ એની ટાઈમ”.ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો.નીશિતના મસ્તિષ્કમાં પણ સન્નાટો છવાઈ ગયો.તેના ત્રસ્ત મને બળવો પોકારતા કહ્યું: “આવી અસમાંતર રેખાઓની જેમ સહજીવન જીવવા કરતા ડિવોર્સ લઇ છુટકારો મેળવી શાંતિનો અનુભવ કરવો ઉત્તમ.”
તે ઘરે પહોંચે એ પહેલા તો સિક લીવ લઈને,વકીલને મળીને ડિવોર્સની તૈયાર કરાવેલી નોટિસ ડૉ. નીનાએ તેના તરફ ફેંકી.નોટીસ વાંચી તેને હાશકારો થયો:”મારી મગજમારી બચી-વકીલને મળવાની.સત્ય સનાતન હોય છે -બે સમાંતર રેખાઓ કદિ કરતા કદિ મળતી નથી.પણ આશ્ચર્ય,પરમ આશ્ચર્ય બે પ્રેલ્લ લાઈન્સનો નિર્ણય એક સરખો અને એક સમયે જ થયો.”
તેણે તાત્કાલિક ઇન્ડિયા જવાની તે જ રાતની ટિકિટ બુક કરાવી એરપોર્ટ તરફ તરફ પ્રયાણ કર્યું.ભારતથી અમેરિકા આવતી વખતે જેટલી ખુશી તેને થયેલી તેથી અનેકગણી ખુશી તેને પોતાની આઝાદી મેળવ્યાની થઇ રહી હતી.તેનું મન ગોખેલા વાક્યની જેમ બબડી રહ્યું હતું;”પેરેલલ લાઈન્સ નેવર એવર મીટ એની ટાઈમ.”
(સમાપ્ત)
સપ્ટેમ્બર 29, 2015 @ 13:59:03
Nishit took a right decision.