વાર્તાકાર વિનયકુમાર પોતાનો નવો વાર્તાસંગ્રહ શુભદાબહેનને ભેટ આપતા બોલ્યા:”‘આ વાર્તા સંગ્રહ તો મેં તમને જ અર્પણ કર્યો છે કારણ કે તમે મારી દરેક વાર્તાના પ્રથમ વાચક અને પ્રશંસક રહ્યા છો.તમારી પ્રેરણા,પ્રશંસા અને પ્રોત્સાહને જ મને સફળ વાર્તાકાર બનાવી દીધો છે અને અત્યારે મારો આ તમને અર્પણ કરેલો સોળમો વાર્તાસંગ્રહ ભેટ આપતા પ્રસન્નતા અને ધન્યતાનો અનુભવ કરું છું.”
શુભદા બોલી:” આ વાર્તાઓ લખવાનું બંધ કરો અને મારા તથા મારા પરિજનોના જીવન પર મૂવી બનાવો મૂવી! “
“મૂવી કેવી રીતે બને? મેં તો હજી નોવલ પણ લખી નથી.મૂવીમાં તો લાંબી વાર્તા જોઈએ,સમાંતર ચાલતી એક સાથે ચાલતી વધારાની વાર્તા પણ જોઈએ, અનેકાનેક પાત્રોની ભરમાર જોઈએ,નાયક-નાયિકા અને વિલન જોઈએ.આ બધા મને ક્યાંથી મળે? “
” લઇ લો અમારા જીવનના બધા જ પાત્રોની વાર્તા.અમારી જીવનગાથામાં શું નથી? ચમત્કૃતિ પણ છે,સસ્પેન્સ પણ છે,ઘટનાઓ પણ છે,એકથી વધુ હીરો-હિરોઈન છે,વિલન પણ છે અને મનોરંજન પણ છે.”
” તો આપો પ્લોટ, પટકથા માટેનો અને આપો થોડાક હ્રદયસ્પર્શી પાત્રો.તો ય મૂવી તો પછી બને.પહેલા તો માત્ર લાંબી વાર્તા કે નવલકથા લખવી પડે.”
“તો સાંભળો અમારા પરિવારની વૈવિધ્યપૂર્ણ વાર્તા.મૂવી બને એવી જ વાર્તા છે. સાંભળો:”-હું અને તમારા ભાઈ રસિક ઘરમાંથી ભાગીને આર્યસમાજી વિધિથી ચુપચાપ પરણી ગયેલા.હજી તો સ્કુલમાં જ ભણતા હતા.
હું રોજ મારા ગોળ બિલ્ડીંગ’ચાલથી નીકળી તેમની ‘મહાવીર ચાલ’માં મારી બહેનપણીને સ્કુલે જવા, બોલાવવા જતી તો આ અમારા રસિક તેની પાસે જ રહેતી હોવાથી અમે ત્રણેય સાથે જ નીકળી પડતા.બપોરે રિસેસમાં સાથે જ સાથે બપોરનો ઘરેથી લાવેલો નાસ્તો ભેગા ભેગા કરતા.મારી બહેનપણીને રસિક સાથે પ્રેમ થઇ ગયેલો અને રસિકને મારી સાથે.પ્રણય ત્રિકોણનો પ્લોટ. મને તો પ્રેમની બહુ ખબર નહોતી પડી;પણ રસિક મને ગમતો બહુ.વાતોડિયો,રમતિયાળ- હસતું મોંઢું,દેખાવે ગોરો ગોરો,રમતગમતમાં વિજેતા,તોફાનમસ્તીમાં અને હડતાળો કરાવવામાં ધમાલિયો,આંખોમાં ય પ્રેમથી વાતો કરતો હોય એવા ભાવ.મારી બહેનપણી રખડી પડી અને અમે, તે મને ભગાડી ગયો એટલે, પરણી ગયા.
મારા બાને તો મારા પિતા છોડીને કોઈ વિચિત્ર આધ્યાત્મિક ધુનમાં હિમાલય કે ગિરનાર ચાલ્યા ગયા હતા.અમે બ્રાહ્મણ અને રસિક તો વાણિયો.અમારું ભાગીને પરણવું ન તેના માબાપને ગમ્યું કે ન મારા બાને પસંદ આવ્યું.તેના માબાપે તો અમને આશીર્વાદ આપવા તો દૂર રહ્યા,અમને ઘરના ઉંબરામાં ય ન આવવા દીધા.”ભાગી ને પરણ્યા છો તો હવે આ ઘરમાંથી ભાગીને જ તમારો ઘર- સંસાર માંડો.ભણ્યા નહિ,ગણ્યા નહિ અને બસ સિનેમા-નાટકના પાત્રોની જેમ ઘરમાંથી નાસીને પરણવાનું મોટું પરાક્રમ કરી બેઠા છો તો હવે ચલાવો ઘરસંસાર ! ખબર પડશે કેટલે વીસે સો થાય છે એ.”
અમે મારી બા પાસે ગયા તો એ પણ ગિન્નાયા તો બહુયે;પણ અંતે તો દીકરીની માનું દિલ અને તે ય ત્યક્તા માનું દિલ.અમને ઘરમાં આશરો આપ્યો. તેમનો અથાણા-મસાલા પાપડ-પાપડી બનાવવા -વેચવાનો ઘરઘરાઉ વ્યવસાય હતો.અમે ત્યાં રહીને મેટ્રિકની પરીક્ષા જેમ તેમ આપી અને એ જમાનામાં જ શરૂ થયેલી રેશનિંગ ઓફિસમાં નસીબે નોકરી પણ મેળવી લીધી.સાંજની કોલેજમાં ભણી ભણી રસિક તો ધીરે ધીરે બી.કૉમ થઇ ગયા અને બેન્કની પરીક્ષા આપી બેન્કમાં દાખલ થઇ ગયા.મારે પણ આગળ ભણવું હતું;પણ મારા સારા કે જે સમજો એવા નસીબે ત્યારે રશિયા અને ભારતમાં શરૂ થઇ ગયેલી પંચવર્ષીય યોજનાનુસાર મેં પાંચ વર્ષમાં ચાર દીકરાઓને અને એક દીકરીને જન્મ આપતા રહી, બાની છત્રછાયામાં માતૃત્વ અને ગૃહિણીનું કાર્યક્ષેત્ર સંભાળ્યું .સાથે જ સાથે સાથે હું બાના કાયમી ઘરઘરાઉ વ્યવસાયમાં ય બનતો સાથ-સહકાર સહેજે સહેજે આપતી રહી.
રસિકે બેન્ક્માથી લોન લઈને અને મારી બાની બે રૂમની ચાલ વેચીને એક સારો એવો ત્રણ બેડ રૂમનો ફ્લેટ લીધો -અમદાવાદથી દૂર બોપલમાં.બેન્કની નોકરી કરતા કરતા તે કેલેન્ડરો,ડાયરી,ગિફ્ટ આઈટમો વી.નો સાઈડ બિઝનેસ બેંક કસ્ટમરોના સપોર્ટથી સારો અને જોરદાર એવો કરતો રહેતો હોવાથી, અમે ફ્લેટને સરસ શણગારી, બાળકોને બેસ્ટ સ્કુલમાં ભણાવવા લાગ્યા.મેં પણ ઘરમાં જ નર્સરી સ્કુલ શરૂ કરીને કમાવાનું શરૂ કરી દીધું.બા તો ઘરડું પાન હતા અને હવે થાકેલા હોવાથી તેમનો જુનો ઘરઘરાઉ મસાલા વી.નો ધંધો તેમણે ગુડવિલથી પોતાની મદદનીશને વેચી દીધો અને ધર્મયાત્રાઓ શરૂ કરી દીધી.એવી એક ધર્મયાત્રામાં તેમને મારા સન્યાસી બની ગયેલા પિતાશ્રી મળી ગયા અને તેઓ સન્યાસનો સન્યસ્ત કરી, બેઉ સાથે, અમને જોવા- મળવા આવ્યા.તેમની ખુશીનો પાર ન રહ્યો.અમારા આનંદની પણ કોઈ સીમા ન રહી. પરંતુ અમારા દુર્ભાગ્યે ગુજરાતમાં આવેલ ધરતીકંપમાં અમે તો બચી ગયા;પણ અમારા વડીલ જેવા મારા માબાપ તો મરણ શરણ થઇ ગયા.ફ્લેટ તો કડડભૂસ થઇ જવાથી અમે બધું જ ગુમાવી બેઠા.બેંક- લોન વીમા સાથેની હોવાથી અમને માતબર રકમ મળી, જેમાંથી ફરી પાછો અમે વડોદરામાં ફ્લેટ લીધો.વડોદરામાં ફ્લેટ લેવાનું કારણ તો એટલું જ કે રસિકનું ટ્રાન્સફર બેન્કે વડોદરામાં પ્રમોશન સાથે કરી તેને મેનેજરની પોસ્ટ આપેલી.
હવે ચારે ય દીકરાઓ અને એક દીકરી એક સાથે કોલેજમાં આવી જતા અમારો રોજ બરોજનો સંઘર્ષ વધતો ગયો.વડોદરામાં મેં મોટી ખાનગી સ્કુલ જ શરૂ કરીને વધતા ખર્ચને પહોંચવા માટે વધતા ખર્ચને પહોંચી વળવા મારાથી બનતો સાથ આપ્યો.રસિક પણ પોતાનો ગિફ્ટ બિઝનેસ મારા નામે ચલાવતા રહી સાઈડ- ઇન્કમ સારી જ કરવા લાગી ગયેલા.અમારો એક દીકરો આશિત એન્જિનીયરિંગની ડીગ્રી લઇ, જમાઈ શોધવા આવેલ કોઈ એન.આર.આઈની પુત્રીને પરણી, અમને છોડી, અમેરિકા ચાલ્યો ગયો.બીજો ધીમંત અને ત્રીજો હેમંત બેઉ ડોક્ટર બન્યા અને તેમની સાથે જ સાથે મેડિકલ કોલેજમાં ભણતી પોતાની મનગમતી ડોક્ટર છોકરીઓને પરણી, અમારાથી જુદા થઇ, પોતપોતાના નર્સિંગ હોમ ચલાવવા લાગ્યા.ચોથો ચાર્ટર્ડ એકૌન્ટન્ટ બની દુબાઈ ચાલ્યો ગયો અને ત્યાં જ એક પંજાબી છોકરીને પરણી ગયો.કોઈ કરતા કોઈ અમારી સાથે સમ ખાવા પૂરતું પણ સાથે રહેવા નહોતા માંગતા.સમય સમય પર તેમને પુત્રો-પુત્રીઓ પણ થતા રહ્યા.પરંતુ તેમને રમાડવાનું તો દૂર રહ્યું; જોવા -મળવાનું પણ ભાગ્યે જ મળતું.પોતપોતાના માળા ભેગા થઇ ગયા બધા જ- પોતાના પરાયા બનીને.
દીકરી દિયા પણ અમારા દુર્ભાગ્યે એક મુસ્લિમને પરણી અમને વધુને વધુ દુખી કરવા લાગી.આ છેલ્લા લગ્ને તેમને ભગ્ન કરી દીધા.તેઓ સાવ ભાંગી ગયા,અંદરથી પૂરા અને બિલકુલ તૂટી ગયા અને એક રાતે રડતા રડતા, સ્ટ્રોકના ભયંકર અટેક સાથે તત્ક્ષણ જ સ્વર્ગે સીધાર્યા.
હવે મારો સંઘર્ષ શરૂ થયો. હું સ્વતંત્ર મગજની બની એકલી જ મારા આ ફ્લેટમાં રહીને મારી રીતે ભક્તિ સંગીત શીખતી રહી, મારી જાતને બિઝી રાખવા લાગી.ત્યાં તો મારા એક ડોક્ટર દીકરા હેમંતને મોટો અકસ્માત થયો અને તેના ઘૂંટણ તેમ જ કમરને સર્જરીથી ઠીક તો કરાવી શકાઈ .પણ સારી ઉત્તમ થેરાપિસ્ટને રોજ ઘરે બોલાવી જરૂરી કસરતો અને મસાજ કરાવવાની જરૂર પડી.નેન્સી નામની કોઈ વિદેશી ફિઝિયોથેરાપિસ્ટ મળી પણ ગઈ,જેની સાથે સારું થતા જ તે ઓસ્ટ્રેલિયા ભાગી ગયો અને તેણે પોતાની પત્નીને નિરાધાર બનાવી દીધી.તે અમારી ડાહી વહુ એ નર્સિંગ હોમની માલિક બની પોતાની દીકરીને ડોક્ટરનું ભણાવવા લાગી.ભાગી ગયેલો હેમંત ત્યાં ઓસ્ટ્રેલિયામાં સમુદ્ર કિનારે પોતાની થેરાપિસ્ટ ફ્રેન્ડની સાથે સ્વિમિંગમાં ગયો હશે ત્યાં તે યોગાનુયોગ સમુદ્રમાં તણાઈ ગઈ.
એ હેમંતે દુખી થઇ ભારત પરત આવી, પોતાની પત્ની-પુત્રી સાથે પુન:સંબંધ સ્થાપિત કરવાનો બનતો પ્રયાસ કર્યો.પણ સ્વભીમાનિની પત્ની-પુત્રીએ તેને ન સ્વીકાર્યો તે ન જ સ્વીકાર્યો.બલકે તેનું હવે પોતાનું બની ગયેલું નર્સિંગ હોમ પણ પાછું ન આપ્યું.હેમંત ત્યાંથી ત્રાસી- કંટાળી બેંગ્લોર ચાલ્યો ગયો અને ત્યાંથી મુંબઈ કોઈની ભાગીદારીમાં ફરી સરસ સેટલ થઇ ગયો.એક વાર છેલ્લો પ્રયત્ન કરી જોયો પત્ની-પુત્રીને પોતાના બનાવવાનો.પણ જીદ્દી પત્ની-પુત્રીએ મચક ન આપતા તે ત્રીજી વાર પરણ્યો -આ વખતે એક ડિવોર્સી નર્સને.
બીજો અમેરિકા ગયેલો એન્જીનિયર પુત્ર આશિત પત્ની અને સાસુ સસરાથી અપમાનિત-અવહેલિત થઇ ત્રાસીને પોતાના બાળકો પણ ત્યાં જ છોડીને ભારત પાછો ફર્યો. કોઈ ફર્મમાં સારી નોકરી શોધી તે એક વિધવા ક્લીગને પરણ્યો.નવા લગ્નો કરી આવેલ આ બેઉ પુત્રોને ને ફરજ તરીકે મેં સજોડે આશીર્વાદ તો જરૂર આપ્યા;પણ મારી સ્વતંત્રતાજ હવે મારી મૂડી કહો તો મૂડી અને વ્યાજ કહો તો વ્યાજ બની ગઈ હતી.સહુનો સંસાર સહુને મુબારક.ડોક્ટર ધીમંત દોડાદોડી કરી કરી નર્સિંગ હોમને, વેપારી પેઢી જેવું બનાવી,અંતે વધતા ટેન્શન અને કામના બોજના કારણે પોતે જ હાર્ટ અટેકથી આઈ.સી.યુ.માં દાખલ થઇ ગયો.હું તેને જોવા જરૂર ગઈ.પણ વિરક્તિ સહજ રૂપે મારો સ્વભાવ બની જવાથી તેનો સંસાર તેને મુબારક કહી-સમજી મારી આઝાદીની દુનિયામાં પાછી ફરી.દુબાઈ ગયેલ ચાર્ટર્ડ એકૌન્ટન્ટ ત્યાંની સરકારના ગુનામાં આવી જેલ ભેગો થયો તો પોતાનું કર્મ પોતા જ ભોગવવું પડે સમજી મેં તેના પત્ની અને બાળકોને આશરો આપવા ચાહ્યો;પણ તે ન તેમને મંજૂર હતું કે ન મને પણ બહુ ગમતું હતું.મુસ્લિમને પરણેલી દીકરી તો પાંચ પાંચ નમાઝ પઢવા છતાં ય એક ગોઝારા અકસ્માતમાં પોતાના પતિ અને બાળકોને ગુમાવી બેઠી છે તો ય તે ઘરવાપસી માટે તૈયાર નથી.’કેટલી વાર ધરમ બદલતા રહેવાનો?’ એમ કહે છે.હું પણ હવે મારો પોતા પ્રત્યેનો પ્રથમ અને અંતિમ ધર્મ પકડીને ભક્તિ સંગીતમાં અને મારા વાચનમાં તલ્લીન રહું છું.બોલો મારી આ રામ કહાની ‘બાગબાન’ જેવી ન બની શકે ‘બે ઝબાન’ ના ટાઈટલથી ? કોઈ તો બનાવો આવી રોજબરોજની જિંદગીની મૂવી!”
મૂવી નહિ તો લાંબી વાર્તા કે નવલકથા તો જરૂર લખી શકાય એમ વિચારતા વિચારતા વાર્તાકાર વિનય કુમાર શુભદાબહેનને સાંત્વના આપતા ભારે મને પાછા ફર્યા.તેમને લાગ્યું કે દુખી મનના, ન વહેતા આંસૂઓ નથી વહેતા એ જ સારું છે;નહિ તો આંસૂના અપાર પ્રવાહમાં સાત સમુદ્રો પણ ડૂબી જઈ શકે.
(અર્ધ સત્ય કથા)
(સમાપ્ત )
વાંચકોના પ્રતિભાવ…