નામ તો હતું એનું ડોલર અને પિયરમાં તો સહુ લાડથી તેને ડોલુ કે ડોલી કહેતા. પણ સાસરે સહુએ તેને ગામડાની ગમાર સમજીને ‘ડોબી ડોબી’ કહી-પોકારી તેને સાવ ઉતારી જ પાડી દીધેલી.મોટા શહેરની ઝાકમઝોળમાં તે ઝંખવાઈ જવા લાગી.પતિ નગીન તેને ક્યારેક સારી મોટી હોટલમાં લઇ જાય તો ન કાંટા-છરી-ચમચાથી ખાવાનું તેને ફાવે કે ન અવાજ કર્યા વિના કોઈ ગરમ કે ઠંડુ પીણું પીવું ફાવે.નગીનને નમણી ડોલી ગમતી તો હતી જ અને તેટલે જ તો તેને પસંદ કરી હોંસે હોંસે પરણ્યો પણ હતો.પણ તેને ધરમૂળથી સુધારવાની જરૂરતને પ્રાથમિકતા આપવા માટે તે પ્રતિબદ્ધ થઇ ગયો.તે પોતાને મોટો સ્ત્રી સુધારક સમજતો -મામતો હતો.બધા ડોલીને ડોબી કહે એ તેનાથી સંખાયું નહિ.તેણે ઘર આખાને ધમકાવીને કહ્યું:”ખબરદાર જો ડોલીને કોઈએ ડોબી કહી છે તો”.
હોટલ લઇ જાય ત્યારે હાથથી ખાય,આંગળા ચાટે અને સબડકા બોલાવી ચા-કોફી કે લસ્સી યા મિલ્ક શેક પીએ એવી પત્નીને જોઈ પતિએ તેને પ્રેમપૂર્વક,સહાનુભૂતિ સાથે થોડી સુધરેલી શહેરી રીતભાત શીખવાડવાની કોશિશ શરૂ કરી.શરૂઆતમાં તો એ ચુપચાપ,મૂંગીમંતર બની સાંભળતી રહી.ડોલીમાંથી ડોબી બની ગયેલી ડોલરને પતિએ મોડર્ન બનાવવા માટે એટીકેટના ક્લાસો કરાવ્યા,બ્યુટી પાર્લરમાં લઇ જઈ તેના તેલિયા ચહેરા અને વાળનો ,ભરાવદાર ભ્રમરોનો ,અને ઘઉંવર્ણા વાનનો કાયાકલ્પ કરાવવાનું ભગીરથ અભિયાન શરૂ કર્યું.
તેને ડાન્સ ક્લાસમાં,ઈંગ્લીશ-સ્પીકિંગ ક્લાસમાંપણ લઇ જવા લાગ્યો અને જોતજોતામાં તો ડોબી ગણાતી ડોલી ઉત્સાહી પ્રેમી પતિ સાથે ક્લબોમાં,પાર્ટીઓમાં,જાહેર ફંકશનોમાં ચોતરફ જોતરાવા લાગી.શરૂમાં તો તેને આ બહુ ગમતું નહિ,ફાવતું પણ નહિ ;પરંતુ અંતે તે એ સુધરેલી દુનિયાના મોડર્ન ફોરવર્ડ જગતમાં રમમાણ થવા લાગી જ ગઈ.
હવે તેના માટે અપાસરા જવા કરતા જીમમાં જવાની પ્રાયોરિટી વધુ જણાવા લાગી,ઘરની ચાને બદલે કલબના કોફી-ટોસ્ટનો ચસ્કો લાગવા માંડ્યો અને ઘરમાં પણ પોપ-મ્યુઝિક મૂકી ડાન્સ કરતા રહેવાની આદત પડવા લાગી ગઈ.પતિને ન જવું હોય તો એકલી પણ ક્લબમાં કે પાર્ટીઓમાં જવા માટે તે તલપાપડ થવા લાગી ગઈ.એક વાર તો પતિ બીમાર હતો તો તેને ઘરે રોકાવા માટે કહ્યું તો બરાડા પાડી બોલી:”હું ઘરે રહીશ એટલે તાવ ઓછો થોડો જ થઇ જવાનો? દવા લો,ડોક્ટરને પૂછી જુઓ,મને રોકવાથી તમે તમારું હસ્બન્ડ ડોમિનેશન દેખાડવા માંગો છો? હું બીમાર હોઉં તો તમે મન ફાવે ત્યાં જઈ શકો છો અને હવે મને કન્ટ્રોલ કરવા માંગો છો? ફરગેટ એન્ડ ફોર એવર! ” તે ધરાર ક્લબ અને પાર્ટીમાં ગઈ એટલે ગઈ જ,જઈને જ રહી.પતિ નગીનને હવે પોતાની પત્નીને વધુ પડતી મોડર્ન અને ફોરવર્ડ બનાવવાની ભૂલ સમજાઈ.પતિને કેન્સલ જેવી કેન્સરની બીમારી થયાનું નિદાન સાંભળી, તેના મૃત્યુ પહેલા જ બીજા, અમેરિકાથી આવેલા, વિધુર ધનવાન સાથે પરણવાની મનોમન તૈયારી પણ કરવા લાગી ગઈ.તન મનધન થી ખલાસ થઇ રહેલા પતિને ડિવોર્સ આપી ડોલરના દેશમાં જવા માટે પતિના અંતની રાહ પણ જોયા વગર જવાની તૈયારી કરવા લાગી ગયા ડોલર બહેન.
ડોબીમાંથી પાછી મોડર્ન ડોલી બની ગયેલ ડોલર બહેનના આ વર્તન- પરિવર્તન માટે પોતે જ જવાબદાર છે એ સત્ય સમજાયું ન સમજાયું ત્યાં તો જીવન -મૃત્યુનું સત્ય સામે આવી ગયું.
મૃત્યુ જ અંતે બધી સમસ્યાઓનો અંત હોય છે એ સત્યનો સાચો સાક્ષાત્કાર કરતા કરતા સ્ત્રી -સુધારક નગીનભાઈ હવે પોતાનો નવો જન્મ સુધારવા ધામમાં સીધાર્યા.
(સત્ય ઘટનાત્મક વાર્તા )
(સમાપ્ત)
વાંચકોના પ્રતિભાવ…