નામ તો એના નાનપણથી લાડમાં તેમ જ તેના લખણ જોઈ બદલાતા જ રહ્યા.સાત સાત બહેનો પછી ખોટનો જન્મેલો એટલે તેને ભિખારી રાખેલો એટલે તેનું પહેલું નામ ભીખલો પડ્યું.રાશિ પ્રમાણે પણ તેનું નામ ‘ભ’ પર જ આવતું હોવાથી શાળામાં દાખલ કર્યો ત્યારે ભૂપેન્દ્ર નામ શાળાના રજીસ્ટરે નોંધવામાં આવ્યું.દોસ્તો તેને ભોપલો કહેવા લાગ્યા અને શિક્ષકો તેને ભોપૂ ભોપૂ કહેવા લાગ્યા.માતા પિતા તેને ભોપો ભોપો કહેતા. બહેનો તેને ભાયલો ભાયલો જ કહ્યા કરતી.લાડના કારણે કહો કે પછી તેને સોબત એવી ખોટી મળતી ગઈ, જે પણ કારણ હોય ‘પુત્રના લક્ષણ પારણા’માંથી કહેવતની જેમ બચપનથી તેને તોફાન- મસ્તી કરવાની, લડવા-ઝગડવાની,ચોરી- ચપાટી કરવાની, શાળામાંથી ગુટલી મારી સ્ટંટ પિકચરો જોવા જવાની અને એવી એવી કેટકેટલી અપલખણી આદતો પડી ગઈ હતી.
બીજાનું લંચ પણ ચોરીને, મારીને,ઝૂંટવીને ખાવામાં તેને કોઈ છોછ ન લાગતો. માબાપને શાળા તરફથી ફરિયાદો જાય તો તેઓ “નાનો છે હજી.બાળક છે.સાત બહેનો પછી જન્મેલો અમારો ભોપો ભોળોભટાક છે.મોટો થશે એટલે સુધરી જશે”. તેમ કહી તેનો પક્ષ લીધા કરે.ભૂપેન્દ્ર ખોટી ટેવોને ટેવાઈ ગયો, બુરી આદતોનો હેવાયો થતો ગયો અને રીઢો બાળગુનેગાર બનતો ગયો.
કોઈના બંગલાના કંપાઉંડમાં, કે બગીચામાં કે શાળાના મેદાનમાં લખોટીઓ ઓનો જુગાર તો રમે જ ;પણ હારી જાય તો જીતનારને ધોલ-ધપાટ મારી હારેલી અને સામાની બધી જ લખોટીઓ લઈને ભાગી જાય.શરીરે હાડેતો,કદાવર અને ઊંચો લાંબો હોવાથી ભલભલાને પહોંચે એવો થતો ગયો.પોતાને ગામ પહેલવાન માનતો થઇ ગયો. સિગરેટના ખાલી પાકિટોથી પણ પહેલા પત્થરથી; પણ પછી ગંજીફાના પત્તાથી રીતસરનો જુગાર રમતો ય થઇ ગયો.લખોટીઓ અને સિગરેટના પાકિટો વેચી- ખરીદી પૈસાનો જુગાર રમતો પણ થઇ ગયો.
જેમ તેમ પંદર-સોળ વર્ષની ઉમર સુધી સ્કુલમાં જે અને જેટલું ભણ્યો તેના આધારે માબાપે તેને નાની ઉમરે જ તૃપ્તિ નામની ભળી ભોળી જ્ઞાતિ કન્યા સાથે પરણાવી દઈ ,ઘરના મિઠાઈ -ફરસાણનાધંધે – ગલ્લે બેસાડી દીધો, એમ સમજીને કે વિસનહોરી અને દુકાનની જવાબદારી તેને સુધારશે.ધંધો ધીકતો હોવાથી બે પાંચની નોટોથી લઈને દસ -વીસ- પચાસ-સો અને ક્યારેક પાંચસો સુધીની નોટો જોઈ તેનું જુગારી મન તેમાંથી મોકો ગોતી, નોટો ગજવામાં સેરવી લેતો.
ચોરેલી છુપાવેલી નોટો લઇ એ ક્લબોમાં, તીન પત્તીની બેઠકોમાં,અંદર-બહારના અડ્ડાઓમાં અને જ્યાં- ત્યાં રમાતા ક્રિકેટ કે ઈલેક્શનના સટ્ટાઓમાં રમમાણ રહ્યા કરતો.ચાલાકી કરી જીતવામાં તે માહિર હતો.બિન્ધાસ રમતો અને હારજીત જાણે કે તેના શ્વાસોછ્વાસ હોય તેમ તે જુગારના પ્રાણવાયુ પર જીવતો. જીતવું તેના માટે જીવવું હતું.સ્વભાવે,આદતે,વર્તને તે પૂરેપૂરો ભારાડી બની ગયો.હાથચાલાકી કોઈ જાદુગર કરતાય ઝડપી હોવાથી તે પોતાને કાર્ડ માસ્ટર માનતો થઇ ગયો. .પાન,સિગરેટ,તમાકુ,માવો અને દેશી વિદેશી દારૂ તેના માટે ખોરાક બની ગયેલા. તેનું નામ જ ;ભોપલો ભારાડી’ થઇ ગયું હતું.મોટરબાઈક ચલાવે તો નશામાં કોઈને કચરી નાખતા તેને જરાય કચવાટ ન થતો.ક્યારેક બાપની કાર લઇ ગયો હોય તો અકસ્માત કરી કોઈને પરલોક પહોંચાડી દેવાય, તો તેને તેનો જરાય અફસોસ ન થતો.પોલિસને ખિસ્સામાં રાખતો થઇ ગયેલો. આ ઓછું હોય તેમ ક્યારેક હારી ગયો હોય તો શહેરના પાર્કમાં પહોંચી ક્યાંક ખૂણે બેઠેલા યુગલને ડરાવી-ધમકાવી-બીવડાવી,જરૂર પડે તો બે તમાચા પણ મારી તેમને લૂટી લેતા ય તેને નામનો ય ડર ન લાગતો.એક વાર એક મોટી ક્લબમાં હારી ગયો તો બાપની કાર જુગારમાં દાવ પર લગાડી હારી ગયો.પછી ઘેર પહોંચી “કાર ક્યાંકથી ચોરાઈ ગઈ” એવું ખોટું બોલવામાં ય તેને કશું ખોટું થતું ન લાગ્યું. પોલીસમાં બાપે ફરિયાદ કરી તો સત્ય સામે આવ્યું કે પૂરા રજીસ્ટ્રેશનના પેપરો સાથે તેમની કાર તો કોઈ કલબના માલિકના નામે ચડી ગયેલી જણાઈ.ભોપાલના સહીસિક્કા વેચાણ ખત પર જોઈ ,બાપે તેને અને તેની પત્નીને ઘરબહાર કરી દીધા.
હવે ભાડાનો ફ્લેટ લઇ ઘરમાં જ જુગારનો અડ્ડો ચલાવવા લાગ્યો.તેમાં આડોશી -પાડોશીઓની ફરિયાદથી પોલીસ લફરું થતા, ઘર- ક્લબ બંધ કરી.પણ જુગાર રમવાનું,પ્રાયવેટ રેસ-બુકી તરીકે બેટિંગ લેવાનું અને એવું બધું તો ચાલુ જ રાખ્યું.એક વાર કોઈ પ્રાયવેટ ક્લબમાં ખૂબ હારી ગયો તો “ઘરે જઈને ઉધાર દાવની રકમ ચૂકવવાનું કહી જીતેલા જીવણા જુગારીને ઘરે લઇ ગયો અને “રૂપિયા તૈયાર રાખજે”કહી સાથ આપનારી પત્નીને કોડ-ભાષામાં જરૂરી સંકેત આપી દીધો.જીવણા જુગારીને ભોપલાએ ધોકે ધોકે મારી અધમૂઓ કરી દીધો અને પછી રવેશમાંથી બહાર ફેંકી દઈ તેને ખતમ જ કરી દેવા માટેની કોશિશ કરવામાં પોતાનું ય બેલેન્સ ગુમાવતા તે પણ સાથે જ સાથે રવેશ્માથી સીધો નીચે પછડાયો. એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો જીવણો જુગારી સ્વધામ ભેગો થઇ જ ગયો.પણ ભારાડી ભોપલો તો બેઉ હાથ જ ગુમાવી બેઠો.સળિયા નાખી હાથ તો ઠીક કરી દેવામાં આવ્યા;પણ બેઉ પંજા આંગળીઓ- અંગૂઠા સાથે કાયમ માટે ગયા. હોસ્પિટલમાં પહેલી વાર તેને પોતાની અત્યાર સુધીની વેડફી દીધેલી મહામૂલી જિંદગી વિષે પરાણે મળેલી શાંતિ દરમ્યાન કંઈક વિચારવાનો અનાયાસે મોકો મળ્યો.પ્રેમાળ પત્નીના હાથે સ્વાદિષ્ટ ભોજનના કોળીયા ભરતા ભરતા તેને જિંદગીમાં પહેલી વાર પત્નીમાં ભોજ્યેશુ માતાના દર્શન થયા. હવે બેઉ પંજા આંગળા-અંગૂઠા સાથે જતા તેને એકાએક એક પ્રકારના હાશકારનો અનુભવ થયો કે “હાશ,હવે ન પત્તા રમાશે, ન હાથચાલાકી કરશે ,ન હારજીતની હડકાઈ હડકાઈ જિંદગીના રાત- દિવસના ઉજાગરા કરવા પડશે.જુગારી જીવનને સદા સદા માટે સહજમાં જ તિલાંજલિ અપાઈ ગઈ.એ તિલાંજલિએ તૃપ્તિને સર્વ પ્રકારે તૃપ્ત તૃપ્ત કરી દીધી.તેનું મન બોલી ઊઠયું: “હાથના કર્યા હૈયે વાગ્યા!
(સમાપ્ત)
વાંચકોના પ્રતિભાવ…