નામ તો દીકરીનું માએ પાડ્યું હતું ‘ડોલી’, તેના ડોલી જેવા દેખાવના કારણે. તેના પોતાના પતિ પણ તેને હાલતા -ચાલતા એક પછી એક નવી નવી ડોલીઓ,ગમે તેટલી મોંઘી હોય તો ય, “ડોલી માટે તો મારે ઘરમાં ‘ડોલી વર્લ્ડ’ જ બનાવવું છે” કહી, હોંસે હોંસે દિલથી અપાવ્યા જ કરતા તેના કારણે પણ, દીકરીનું નામ ડોલી પાડેલું. પરંતુ અત્યારે તો માતા મનીષાને સતત એમ જ લાગ્યા કરતુ હતું કે આ ‘ડોલી’ નથી, આ તો મારા માટે ‘દોહ્યલીદીકરી’ છે.આવી અને આટલી બધી પ્રેમાળ?- મા માટે જાન પણ કુરબાન કરી દે એવી-આ દોહ્યલી દીકરીનો વિચાર આવતા જ તેની, મૌન થઇ ગયેલી વાણી મનોમન બોલી ઊઠતી છે ને મારી દોહ્યલી દીકરી આ ડોલી? અને ન દેખતી એવી,તદ્દન આંધળી થઇ ગયેલી, પથરાયેલી આંખોમાં જળજળિયા આવી જતા અને એ જળજળિયાની સાથે જ સ્વર્ગસ્થ પતિનું,અને તેથી પણ વધુ તો પતિને અને પોતાને હૈયાના પ્રાણ જેવી લાગતી રહેલી ડોલીનું, વહાલું વહાલું હસતું મોઢું દેખાવા લાગતું. વહાલા પતિએ બન્યા એટલા લાડ તેને તેમ જ વહાલી ડોલીને લડાવ્યા અને બિચારા લગ્નના દસ જ વર્ષમાં, બેઉને અનાથ બનાવી,અકસ્માતના ભોગ બની,લાંબી વાટે ચાલ્યા ગયા.
હજી પણ મનીષાને એ વાત યાદ આવે છે,એ રાત યાદ આવે છે, જયારે પતિ પલક, ડોલી માટે ખરીદેલી ‘બાર્બી ડોલી’, સ્ટોરમાં જ ભૂલાઈ જવાથી,દીધેલું પ્રોમિસ પૂરું કરવા,દોડાદોડ,જમ્યા પણ વગર, પાછો ‘ટોય વર્લ્ડ’ બંધ થાય, તે પહેલા દોડેલો અને તે લઈને, ઘર પાસે પહોંચતા જ,ઘરની સામે જ,તેની સ્કૂટરને કોઈ નવસિખિયા નવજવાને,ટક્કર મારી પલક માત્રમાં પરલોકમાં પહોંચાડી દીધેલો.બ્રેઈન- ઇન્જરી થઇ હોવાથી કોઈ ડોક્ટર-સર્જન તેને બચાવી ન શક્યો. મા-દીકરીનું તો વર્તમાન અને ભવિષ્ય બધું જ પળ- ભરમાં રોળાઈ ગયું. રાંધ્યા ધાન રઝળી ગયા.પતિને બહુ જ મનભાવતું એવું બનાવેલું ધાનશાક ધૂળમાં મળી ગયું. ત્યાર પછી તો જાણે તેની જિંદગી જ ધૂળમાં મળી ગઈ હોય એવું તે જિંદગીભર-આજ સુધી અનુભવતી રહી. કપરો સંઘર્ષ કરી કરીને, તેણે પોતાની વહાલી-દોહ્યલી દીકરી ડોલીને ભણાવી-ગણાવી,પતિનું સ્વપ્ન સાકાર કરવા,તેને મેડિક્લ કોલેજમાં દાખલ કરાવી,તેને ડોક્ટર બનાવી. એમ.એસ કરી તે ગાયનિક સર્જન પણ બની ગઈ.
પણ તે પછી જયારે તેને પરણાવવાની વાત આવી, ત્યારે ડોલી એક જીદ લઈને બેઠી કે મારી માને સાચવે એવાને જ હું પરણું.તે ડોક્ટરને બદલે કોઈ કલર્કને, કોઈ શિક્ષકને, કોઈ સાધારણ નોકરિયાતને પણ પરણવા તૈયાર હતી. પરંતુ એવો કોઈ મૂરતિયો મળ્યો નહિ, એટલે ડોલીએ માતા સાથે લડી ઝગડીને પણ હવે આજીવન અપરિણીત જીવન જ વિતાવવાનો નિશ્ચય કર્યો.જો ભીષ્મપિતામહ દૃઢ પ્રતિજ્ઞા કરી, આજીવન અપરિણીત રહી શક્યા તો પોતે પણ તેમ રહી, માતાને સુખ -શાંતિમાં રાખવામાં જ ચરમ સુખ અને પરમ શાંતિનો આનંદ અનુભવવા તૈયાર થઇ ગઈ. માતા મનીષા સમજાવી સમજાવી થાકી ગઈ પણ તે ટસ થી મસ ન થઇ તે ન જ થઇ.
એવામાં મનીષાને સ્ટ્રોક આવ્યો અને તેની આંખો ગઈ,તેનું હાલવું-ચાલવું-બોલવું બંધ થઇ ગયું.
હવે તે નર્સિંગ હોમ ખોલી રાત દિવસ માટે બંધાઈ જવા નહોતી માંગતી.તેણે સરકારી હોસ્પિટલનો જોબ પસંદ કર્યો કે પોતાના સમયે ઘરે તો આવી શકાય.ઘરમાં આખા દિવસની એક ભરોસાના બહેન રોકી લીધા અને ઘરે માતા પાસે પાછા આવવા માટે તે બને એટલી કાળજી રાખતી.તેનું મન માતામાં જ પરોવાયેલું, રોકાયેલું રહેતું.તે રાતની ડ્યુટીનો કોલ પણ બીજાને વેચી દઈને,ઘરે માતા પાસે સૂવાબેસવામાં સુખ શાંતિ જોતી થઇ ગઈ. નચાલી શકતી, ન દેખી શકતી,ન બોલી શકતી માતા મનીષાને ડોલીએ ફિઝિકલ થેરપી અને સ્પીચ થેરપી કરાવી ચાલતી -બોલતી તો કરી જ દીધી; પણ તેના પછી જબરી જીદ કરીને તેણે પોતાની માને પોતાની એક આંખ સુદ્ધા ડોનેટ કરી, તેને દેખતી પણ કરી દીધી. મનીષા રડી રડી, તેનો વિરોધ કરતી રહી:”ગાંડી થઇ ગઈ છે કાંઈ ? જીદ કરીને મારા માટે પરણી નહિ અને હવે એક આંખ મને ડોનેટ કરી, પોતે કાણી થઇ, મને દેખતી કરવાથી, મને કે તને મળવાનું શું છે?”
ત્યારે ડોલી જે બોલી કે :”તું મને મારી ડોનેટ કરેલી આંખે જોઈ શકીશ તેનો આનંદ તો તું શું હું પણ કલ્પી શકું છું. અને હું તને મારી એક આંખથી મન ભરીને જોતી રહી રાજી રાજી જ રહેવાની. આપણે બેઉ રાજી, પછી દુનિયા ઝખ મારે છે. હું રાજી,તું મારી માજી રાજી,તો પછી ક્યા કરેગા કાજી? “અને મનીષા પોતાનું ધાર્યું કરીને જ રહી.બોલી “લોકો કિડની અને લીવર આપી જીવન આપે છે તો મેં તો તને એક આંખ જ આપી છેને મને જોવા માટે ?”
આંખ ડોનેટ કરી, માને જોતી કર્યા પછીનો દીકરીનો આ રમણીય,સ્મરણીય,અવિસ્મરણીય સંવાદ સાંભળી બિચારી માતા મનીષાને ખાતરી થઇ ગઈ કે “આ મારી ડોલી ડોલી નથી,મારી દોહ્યલી દીકરી છે, દોહ્યલી દીકરી !
(સમાપ્ત)
વાંચકોના પ્રતિભાવ…