ધરમ- નિયમ…

નામ તો હતું  શિવરામનારાયણ,પણ છેક ભારતથી અમેરિકા આવી, હરિ-ટેમ્પલમાં શાસ્ત્રીય રીતે પૂજા-પાઠ,આરતી તેમ જ તહેવારો અનુસાર ભગવાનના વસ્ત્રો બદલવા વી.કાર્યો બહુ નિયમપૂર્વક કરતા હોવાથી, તેમને સહુ કોઈ આદરપૂર્વક શાસ્ત્રીજી જ કહેતા. તેઓ ધર્મ-નિયમના અતિ ચુસ્ત હતા.”મારો ધરમ-નિયમ એટલે મારો ધરમ-નિયમ.  તેમાં કોઈ બાંધછોડ કરું જ નહિ.” તેઓ  મંદિરમાં પોતાનું પોતે જાતે રાંધીને જ ખાય, કોઈનું લાવેલું, મોકલેલું ભૂલથી પણ ન ખાય એટલે ન જ ખાય.

માનપૂર્વક આભાર માની: “મારો ધરમ-નિયમ એટલે મારો ધરમ નિયમ. તેમાં કોઈ ફેર નો પડે.” એમ કહી બે હાથ જોડી “હરિ-હરિ ” બોલે. કોઈને ત્યાં સત્યનારાયણની કથા વાંચવા જાય તો પ્રસાદ માથે ચડાવે પણ મોમાં ન મૂકે કે ન ચા કે દૂધ પણ પીએ.તેમના મનમાં એમ જ થયા કરે કે “આ બધા અમેરિકામાં રહેતા આ જ વાસણોમાં નોન-વેજ પણ ક્યારેક રાંધતા હોય તો કોને ખબર ? 

દૂધના ગ્લાસમાં દારૂ પણ પીતા હોય તો નવાઈ નહિ. અને તેમ ન થતું હોય તો ય,  ઘર તો સાવ અભડાયેલું જ કહેવાય. દૂધ કે પ્રસાદ આવા ઘરનો કેમ સ્વીકારાય?”                                               

અમદાવાદથી અમેરિકા આવવા રવાના થાય તો પ્લેનમાં અપાતું  કાંઈ કરતા કાંઈ લે કે ખાય નહિ.ચા-કોફી પણ નહિ.અરે ત્યાં સુધી કે પાણી પણ તેઓ વર્જ્ય જ માને અને ભૂખ્યા-તરસ્યા જ ચોવીસ કલાકની મુસાફરી કરે. મનમાં “હરિ હરિ”સ્મરણ કરતા રહે અને મન-શરીર થાકે અને આંખ ભારે  થઇ જાય તો ઝપકી મારી લે, થોડીક ઊંઘ ખેંચી કાઢે અને સામેના  ટી.વી.પર જયારે પ્લેન કેટલા અંતરે છે, કેટલી  વારમાં પહોંચશે વી.ની માહિતી નકશામાં જોયા કરે. બીજું કાંઈ આવે તો આંખ બંધ કરી દે. મંદિર પહોંચી,નાહી -ધોઈ, કોઈ ભક્તે લાવી રાખેલ ફળ ખાઈ, જાતે રાંધવા મંડી પડે. ભાખરી –  દૂધ ખાઈ લે, કે કેળાનું શાક બનાવી તેની સાથે, ભાખરી ખાઈ લે. પ્લેનમાં હોસ્ટેસ ફ્રુટ આપવાની ઈચ્છા દર્શાવે તો ય ના જ પાડે. જે હાથે દારૂના પીણા કે નોનવેજ પીરસાતું હોય તે હાથે ફ્રુટ અપાય તો તે તેમને માન્ય નહિ એટલે નહિ જ. તેમના પત્ની અને બાળકોને અમેરિકા આવવાનો વિઝા હજી મળ્યો નહોતો, એટલે પોતે અને પોતાના હરિ જ તેમનો સંપૂર્ણ સંસાર.

સમય-સમય,પર -ખાસ કરીને,સાંજની આરતી- ટાણે, થોડા ભક્તો આવે તો તેમની સાથે થોડી ઔપચારિક વાત-ચીત થાય એટલો જ તેમનો લૌકિક વહેવાર.                                                       

બાકી તો તેમને ગીતા કંઠસ્થ, વિષ્ણુ સહસ્રનામ મોઢે, ‘તુલસી- રામાયણ’ની કેટલીય ચોપાઈઓ જીહ્વાગ્ર પર, ભજનો તો સેંકડો, સૂતા-જાગતા, હરતા-ફરતા ગાયા જ કરે.  દરરોજ વહેલી સવારે નાહી-ધોઈ  મન્દિરની બહાર આવી, દરવાજો પગથી બંધ થતો રોકી, જો સૂર્ય ઊગ્યો હોય તો ય અથવા ન ઊગ્યો હોય તો ય તે દિશામાં નમસ્કાર કરે, “ઓમ  ભૂર્ભ્વ:સ્વ:નો” શ્લોક બોલે,”કરાગ્રે વસતે લક્ષ્મી” એ શ્લોક પણ હથેળીઓ  ખોલીને  બોલે અને પછી મંદિરમાં પાછા ફરી, ભગવાનની વિધિવત પૂજા શરુ કરે અને તત્પશ્ચાત જ પોતાની ચા બનાવે અને રાતે બનાવેલી ભાખરી સાથે, આદત પ્રમાણે ચા-નાસ્તો કરી લે. એક વાર સંયોગે મંદિરની ચાવી પણ અંદર જ રહી ગયેલી અને પગથી દરવાજો બંધ થતો રોકેલો, તે પગ ખાલી ચઢતા, ધ્રસ્કી જતા, ધડામ કરતો, બંધ થઇ ગયો. અને તેઓ અવાક થઇ ગયા,ગભરાઈ ગયા,મૂંઝાઈ ગયા.  ભર- શિયાળાનો ઠંડોગાર, સ્નોવાળો દિવસ અને ચાવી રહી ગઈ અંદર. સાંજે આરતી સમયે  કોઈ કાર્યકર્તા આવે ત્યારે જ હવે તો મંદિર ખુલે. ટાઢ તો હાડ થીજવી નાખે એવી,શરીરને પગથી માથા સુધી ધ્રુજાવી દે તેવી!                            

આજુબાજુમાં કોઈ ભારતીય તો સોગન ખાવા પૂરતું ય કોઈ કરતા કોઈ નહિ. નજીકમાં જે થોડાક ઘર હતા, તેમાં ય રહેનાર અમેરિકનો તો  જોબ પર જ ગયેલા હોય.પરંતુ સદભાગ્યે એક ઘરમાં રહેતા  વયોવૃદ્ધ પતિ-પત્નીએ, શાસ્ત્રીજીને મંદિરની બહાર ધ્રુજતા-કાંપતા જોયા કે  તરત જેકેટ -જોડા-હેટ પહેરીને  અને એક વધારાની જોડી સાથે લઈને, એ પતિ દોડાદોડ આવ્યો અને પત્ની દૂરથી, દ્વારે ઊભી રહી જોતી રહી કે શાસ્ત્રીજીને લઈને તેનો પતિ તરત ઘરમાં પાછો આવે છે કે નહિ? પરંતુ શાસ્ત્રીજી તો “ના-ના”  જ કરતા રહ્યા અને તે ભલો અમેરિકન વૃદ્ધ, તેમને હાથ પકડી ઝડપથી જેકેટ,જોડા- હેટ પહેરાવી પોતાને ત્યાં લઇ આવ્યો. ધ્રુજતા શાસ્ત્રીજી માટે વધારાનું પોર્ટેબલ હીટર સ્ટાર્ટ કરી, તેમને પૂરતી ગરમી આપી-પહોંચાડી,શાંત- સ્થિર કર્યા.તેમને ચા-કોફી-દૂધ માટે પૂછતા

 તેમણે ઘસીને ડોકું  હલાવી ના પાડી, ત્યારે એ ભલા ભોળા પતિ-પત્નીએ, તેમને મોટું એવું પાકેલું કેળુ આપ્યું અને તેમના ઇશારાથી સમજી પેપર કપમાં દૂધ ગરમ કરીને આપ્યું.

હવે શાસ્ત્રીજીના પ્રાણમાં પ્રાણ આવ્યા અને પોતા કરતા ય આ વિધર્મી દંપતિને, સાચો માનવધર્મ દર્શાવતા જોઈ તેમની આંખો ખુલી પણ ગઈ અને અશ્રુ -વાણીમાં આભાર પણ વ્યક્ત કરવા લાગી ગઈ. તેમણે પોતાની સારી યાદદાશ્તના આધારે ફોન કરી, એક નિવૃત્ત થયેલ ટ્રસ્ટીને, પોતાની આખી આપવીતી, વિગતે સમજાવી, તાબડતોબ, વધારાની ચાવી લઇને, આવવા માટે વિનંતિ કરી.એ ભાઈ  આવતા જ, તેમની સાથે મંદિરે જતા-પહોંચતા પહેલા, શાસ્ત્રીજીએ આવડતો હતો એ ‘થેંક્સ’ શબ્દ- પ્રયોગ, ભીની આંખે અને ભાવભીના સ્વરે,થોથવાતા થોથવાતા, ભરેલા, ભાવે ઉભરેલા  હૈયે કર્યો અને મનમાં કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી લીધું કે પોતાના ધરમ નિયમ કરતા આ વિધર્મી દંપતિનો માનવધર્મનો નિયમ ધરમ શત પ્રતિશત ઘણો ઘણો આગળ છે. તેમનું હૈયું અને મસ્તક તો ઝુકી જ ગયું આ મહા માનવ ધર્મના વૈશ્વિક નિયમ-ધરમની સામે.

(સમાપ્ત)     

1 ટીકા (+add yours?)

  1. શૈલા મુન્શા
    ઓક્ટોબર 08, 2015 @ 14:59:25

    બીજાને મદદરૂપ થવું અને માનવધર્મ અપનાવવો જ સાચી સેવા છે.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: