બદલો…

દ્વારકાદાસભાઈને પોતાના સદગત ભાઈ ભાભીના પુત્રને સ્કુલમાં દાખલકરતી વખતે તેના પિતા તરીકે પોતાનું નામ લખાવતી વેળાએ, પ્રસન્નતા જ પ્રસન્નતાનો અનુભવ થયો.એક ક્ષણાર્ધ માટે  પણ કોઈ બીજો વિચાર આવ્યોજ નહિ.કોઈને પૂછવાનો કે કોઈની સલાહ લેવાનો ખ્યાલ સુદ્ધા ન આવ્યો.પિતા તરીકે પોતાનું નામ તેમણે એકદમ સહજ-સ્વાભવિક સ્વરૂપે જ લખાવી  દીધું.  ‘રમેશચંદ્ર. દ્વારકાદાસ સરવૈયા’. ન પત્નીને પૂછ્યું,ન બીજા ભાઈભાભીઓને પૂછ્યું કે ન પોતાનાં પુત્રો કે પુત્રીઓને, ભલે એ નાના હતા છતાંય,પૂછી જોયું.  મનથી તો તે પોતાને ઘેર આવ્યો ત્યારથી જ તે નાના બટુકને-તેનું નામ તો રમેશ હતું; પણ ઘરમાં બધા તેને બટુક જ  કહેવા લાગી ગયા હતા, કારણકે અગિયાર મહિનામાં તે તેમના ઘેર આવ્યો ત્યારથી ડગુ -ડગુ  ચાલતો,કાલુકાલુ  બોલતો, હસતો-રમતો,બધાને રાજી રાજી રાખતો થઇ ગયેલો, અને દેખાવમાં થોડો બટકો લાગતો હતો, એટલે તેનું નામ બટુક પાડી દીધું.બટુકની માતા, મુંબઈની ચાલમાં. તે જમાનામાં બહુ  વપરાશમાં  આવતા -રહેતા  પ્રાઈમસ- સ્ટવમાં તે   એકાએક  સળગતા જ ને ફાટતાજ બળવા માંડી હતી અને તરત હોસ્પિટલ લઇ જવા છતાં ય બચી ન શકી  હતી.   તેની બે મોટી બહેનો હતી અને પિતા તો તે સમયની અસાધ્ય બીમારી, ટી.બીમાં, તે પછી થોડા ટાઈમમાં  જ ગુજરી ગયા.

મોટી બહેન અને નાનકડા બટુકને દ્વારકાદાસભાઈ, મોટાભાઈ તરીકે પોતાને ત્યાં લઇ આવ્યા. નાની બહેનની જવાબદારી એક બીજા ભાઈએ સંભાળી લીધી.  આ બધું બન્યું તેના થોડા સમય પહેલા જ એક મોટી દુર્ઘટના દ્વારકાદાસભાઈને પોતાને ત્યાં થયેલી, તે તો તેમના તેમ જ તેમના પત્ની કમળાબહેનને માટે અસહ્યમાં અસહ્ય હતી.તેમનો મોટો, કલૈયા- કુંવર  જેવો   પુત્ર બાબુ, ટાઇફોઇડમાં અને તે પછી ન્યુમોનિયામાં આઠ-દસ દિવસમાં જ જોતજોતામાં ગુજરી ગયેલો.તેનું અસલી નામ નલિન હતું; પણ જન્મથી જ તેનું હુલામણું નામ બાબુ પડી ગયું હતું. આ બાબુનું મૃત્યુ માતા-પિતા માટે વજ્રપાત સમાન હતું. તેમાંય  દ્વારકાદાસભાઈને  તો એટલો જબરો અને  કારમો આઘાત લાગ્યો કે તે  સ્મશાનમાં બેભાન થઇ ગયા અને તેમને તુરંત, ભાઈ જેવા પાડોશીને ઘેર લઈ જવામાં આવ્યા. તાબડતોબ ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને ત્યાં સુધીમાં તો ભાનમાં આવી  દ્વારાકાદાસ ભાનમાં તો આવી ગયા પણ આઘાતમાં અવાચક થઇ ગયા અને પાડોશીના પુત્રની સ્લેટ મંગાવી તેમાં ગરબડિયા અક્ષરે લખ્યું “મારે હવે જીવવું જ નથી.બાબુ વગર હું જીવી જ નહિ  શકું” . ડોકટરે તેમને કામ્પોઝ્નું ઇન્જેક્શન આપી સૂવડાવી દીધા. પાણી પણ પીવાની તેમણે રોતા-રોતા, ડોકું ધુણાવી ના જ પાડી. સ્મશાનથી સહુ આવી ગયા હોવા, છતાં ય પતિને  ઘેર ન આવેલા જોઈ  તેમના  પત્ની કમળાબેન,તેઓ  પાડોશીને ઘેર છે જાણી, સ્મશાનમાં બેભાન પણ થઇ ગયેલા તેમ  સાંભળી અને ડોક્ટરને પણ બોલાવવા પડેલા અને ડોકટરે ઘેનનું ઇન્જેક્શન આપ્યું છે, તે બધી વિસ્તારથી માહિતી મળતા જ પાડોશીને, ત્યાં હાંફળા-ફાંફળા પહોંચ્યા અને ત્યાં સુધીમાં ભાનમાં આવી ગયેલા અને સુનમુન બેઠેલા પતિને  સમજાવીને કે “જો તમે જ હિંમત હારી જશો તો અમે અને બીજા નાનાભાઈ -બહેનો કેવી રીતે આ બાબુ ગયાનું દુખ સહન કરી શકીશું? ચાલો ઘરે; અને હિં મત  હાર્યે કાંઈ  જ વળવાનું નથી. રામ રાખે તેમ રહેવાનું જ આપણા હાથમાં છે.” કહી તે જુના જમાનામાં પણ,  હાથ પકડીને ચાલવાનો રિવાજ નહોતો તોય,પતિને હાથ પકડી,પાડોશીની સાથે પોતાના ઘેર લઇ ગયા. પાડોશીની પત્નીએ પોતાને ઘેર ખીચડી- કઢી રાંધી,તેમને ત્યાં લઇ જઈ, સહુને જેમ તેમ બેચાર કોળિયા જમાડી,તેમને ત્યાં જ સૂઈ- રોકાઈ, તેમને  સાંત્વના આપતા  રહી, લગભગ રડતા-રડતા જ, પરાણે,  નહિ જેવું સૂઈ રાત કાઢી. બીજે દિવસે તો સગાવહાલા વી. બહારગામથી આવી પહોંચ્યા. દ્વારકાદાસભાઈ તો આંખ બંધ કરી મનોમન રડતા  રડતા ચુપચાપ, અવાચક જેવા બની માથું પકડી બેસી રહ્યા અને તેમને એટલો ઊંડો આઘાત લાગ્યો કે તે બાદ લગભગ છ મહિના, તેઓ પોતાની તે જમાનાની ઘણી સારી કહેવાય તેવી નેવું રૂપિયાની નોકરી , પર ગયા જ નહિ અને તેમની નોકરી ગઈ .મિત્રો અને પાડોશીઓએ સમજાવ્યા કે “બેસી રહેવાથી  બાબુ પાછો થોડો જ આવવાનો છે? કાંઈ કામ-ધંધો શરૂ કરો. છેવટે છ જ રૂપિયાના ભાડાની નાની દુકાન લઇ, તેમાં પોતે પહેલા જે પ્રકારની ડાઈઝ ની કમ્પનીમાં કામ કરતા હતા, તેના અનુભવના આધારે  ડાયઝના ડબ્બા ખરીદી વેપાર શરૂ કર્યો. સાથે એક મિત્રે કાગળ અને નોટબુકો પણ વેચવાનું કામ  શીખવાડી દીધું.

તેમના મનનો મણ-મણનો બોજ કૈંક અંશે ઓછો   કરવા માટે જ, માનો ભગવાને તેમને ત્યાં ભાઈ-ભાભી ગુજરી જતા,તેમનો નાનકડો  અગિયાર જ મહિનાનો બટુક તેમને ઘેર કાયમ માટે તેની મોટીબહેન તારા સાથે આવી ગયો. તે બટુકમાં તેમને અને તેમની પત્નીને તો ઠીક;પણ સહુ નાના  મોટા ભાઈબહેનોને પણ બાબુ જ નાના નવા સ્વરૂપે આવી ગયો હોય તેમ લાગવા માંડ્યું.  જોગાનુજોગે, તે જ અરસામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને શરૂ કરેલ અને ધીરે ધીરે વધારતા ગયેલ રંગ અને કાગળ તેમ જ નોટબુકોના ધંધામાં તેઓ સારું કમાવા લાગ્યા.બટુકના પનોતા પગલે નેવું રૂપિયા ની નોકરીને ઠેકાણે તેઓ હવે પોતાના સ્વતંત્ર વેપારમાં ધૂમ કમાવા લાગ્યા.બટુકને બાબુ કહેવાનું મન તો બહુ થયા કરતું ; પણ બાબુને તો પ્રયત્નપૂર્વક ભૂલવાનો જ હતો તેથી તેને બટુકના નામેજ લાડ-પ્યારથી બોલાવતા- રમાડતા.

જયારે તે પાંચ વર્ષનો થયો ત્યારે ત્યારે તેને સમાજની સ્કુલમાં પિતા તરીકે પોતાનું નામ આપી, હમણાજ શરૂ થયેલી,નાનકડી પ્રાથમિક સ્કુલમાં,દાખલ કરી, સહુ બાળકોને હોંસે -હોંસે  પેંડા પણ વહેંચ્યા. તેમના બે મોટા પુત્રો પ્રાથમિક શિક્ષણ પૂરું કરી હાઇસ્કુલમાં જતા થઇ ગયા હતા.મોટી પુત્રીએ ભણવાનું છોડી ઘરમાં માતાને મદદ રૂપ થવાનું શરૂ કરી દીધું હતું. બટુકની મોટી બહેન અને તેમની પોતાની નાની દીકરી બીજી ગર્લ્સ સ્કુલમાં ભણવા જતી રહેતી અને એક-બે વર્ષ જ ભણવામાં આગળ-પાછળ હતી.
 પહેલા,બાબુને અતિ સાદગી અને કરકસર વચ્ચે જ ઉછેરેલો તે યાદ આવ્યા જ કરતું, ભૂલાતું જ નહિ; તેથી હવે બટુકને પૂરા લાડ-પ્યારથી અને સાથે બીજા બધા બાળકોને પણ સારું- સારું ખવડાવવા-પહેરાવવાનું શરૂ કરી દીધું.

ઘરમાં કોઈ કરતા કોઈને  પળ- ભર માટે ય ભૂલથી પણ એવો વિચાર ન આવતો કે બટુક પરાયો છે. તેનું તો લાલનપાલન વિશેષ લાડ-પ્રેમથી થતું. દ્વારકાદાસભાઈના  મોટા પુત્ર જીતેન્દ્રે હાઇસ્કુલમાં એક વાર નાપાસ થતા નિરાશ થઇ, ભણવાનું છોડી, મુંબઈ જઈ પોતાના મામા પાસે ડાઈઝ  અને કેમિકલનો વેપાર શીખવાનું શરૂ કર્યું. તેના નસીબ સારા હતે કે મામાની વડગાદીનો વેપાર તેને ફાવી ગયો અને આગળ જતા મામાની ઓફિસ તેમજ વેપાર તેના હાથમાં આવી ગયા.

તે ખૂબ કમાયો. તેનાથી નાનો દિનેશ ભણવામાં હોંશિયાર હોવાથી અને હરહમેશ પહેલો-બીજો રેન્ક લાવતો હોવાથી, એન્જીનીયર કે ડોક્ટર થાય તેમ લાગતું હતું. પરંતુ તે અરસામાં જ પિતાની તબિયત બગડતા તે તેમની દુકાન સંભાળતો થઇ ગયો અને જેમ તેમ બી.કોમ સુધી ભણી લીધું અને સી.એ.નો કોર્સ પણ થોડો સમય કરી તરત છોડી દેવો પડ્યો.

પિતાના ધંધાવેપારમાં તે પૈસો અને નામ બન્ને કમાવા લાગ્યો.નાનો બટુક, બી.કોમ.સુધી ભણી મોટાભાઈની સાથે મુંબઈમાં ચાલતા વેપારમાં જોડાઈ  ગયો. ત્યાં  મોટાભાઈએ તેને એકદમ સરસ ટ્રેઇન કરી દીધો અને દેશ-વિદેશ ની મોટી-મોટી  કમ્પનિયોની એજન્સીઓ મેળવી લઇ, નવી બની રહેલી, તારદેવ એરકન્ડીશંડ માર્કેટમાં, મોટી ઓફિસ પણ ખરીદી લઇ,વેપાર બહુ જ મોટા પાયે, એક્સપોર્ટ-ઈમ્પોર્ટનું  લાયસન્સ મેળવી, ધમધોકાર શરૂ કરી દીધો. સિકન્દરાબાદમા રહેનાર ભાઈ દિનેશે, માતા-પિતાની દિલોજાનથી સેવા કરતા-કરતા, દુકાન પણ સરસ જોરદાર ચલાવી, ધૂમ એવી કમાણી તો કરી જ કરી; પણ સાથે-સાથે ભાવના અને શોખ હોવાથી સમાજસેવાના પણસ હોંસથી અનેકાનેક કાર્યો કર્યા. મોકો અને તક મળતા એક કેમિકલ ફેક્ટરી પણ શરૂ કરી જેમાં બનતી વસ્તુઓ એવી ડિમાંડમાં હતી કે ખરીદનાર ગ્રાહકો, એક એક લાખ રૂપિયા ડિપોઝિટ આપી પોતાના ઓર્ડરો તેને  મોકલવા લાગ્યા. મુંબઈમાં અને સિકન્દરાબાદમાં બેઉ શહેરોમાં એટલી બધી કમાણી થવા લાગી કે મુંબઈમાં બે ફ્લેટો ખરીદાયા,સિકન્દ્રાબાદમાં પણ રહેતા હતા તે અને તે ઉપરાંત એક પ્લોટ ખરીદી, તેના પર બંગલો બનાવ્યો. સસ્તી હતી એટલે જમીનના ટુકડાઓ પણ ઘણા ખરીદ્યા. મોટી બહેનના લગ્ન ધામધૂમથી થયા.મોટાભાઈના લગ્ન પણ જોરદાર થયા.નાની બહેનને પણ સરસ ઘર-વર મળી ગયા.તે પછી પહેલા દિનેશ અને પછી બટુકના લગ્ન થયા. બટુકના લગ્ન સમયે આ સુખી પરિવાર પાસે એટલી બધી છૂટ  હતી કે પાણીની જેમ પૈસો વાપરી બહુ મોટા પાયે લગ્ન અને  રિસેપ્શન યોજ્યા. હવે માતા-પિતા મુંબઈ આવી, પોતાનો સગો દીકરો ન હોવા છતાં ય વધારે વહાલો લાગતા બટુકને  મોટો ફ્લેટ આપી,તેની સાથે જ રહેવા લાગ્યા. બટુકની પત્ની સાધારણ ઘરની અને થોડું ઓછું ભણેલી હતી, તેથી વધારે ભણેલી વહુઓ કરતા આની સાથે રહેવાનું માબાપને વધારે ફાવી ગયું. મોટો ભાઈ ચાલાક હતો અને તે ઉપરની આવક વ્યાજે ફેરવતો થઇ ગયો,જેની કોઈને ખબર પણ ન પડી.બટુક પણ ઓર્ડરો લેવામાં લાંચ આપવી પડે છે, કહી મોટી રકમો દેવાતી-અપાતી બતાવી, અસલમાં  તેમાંથી, પુષ્કળ બચાવી લેવાતી રકમો,પોતાની પાસે ભેગો કરતો ગયો. તેની મોટી બહેન તો બહુ પહેલા જ, કોઈ સાથે આર્યસમાજી પદ્ધતિથી પરણી, ઘરમાંથી ભાગી ગઈ હતી,જેની સાથે આખા પરિવારે સંબંધ કાપી નાખ્યો હતો. તેની નાની બહેનના પણ,જે કાકા પાસે રહેતી હતી તેમણે, તેના લગ્ન પણ ઠીક-ઠીક કહેવાય એવા વર-ઘર સાથે કરાવી દીધા.

 પરંતુ બહુ લાડ-પ્યારમાં ઉછરેલો બટુક હવે ધીમે-ધીમે, મોકો શોધી વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. તે પોતે બધાજ બિઝ્નેસમાં એક-સરખો ભાગીદાર તો હતો જ; પણ તે ઉપરાંત સ્વાર્થી બની, પોતાનો ફ્લેટ પોતાના નામે કરાવી લીધો,મુંબઈ આવી વસવા માંગતા ભાઈ દિનેશને નવો ફ્લેટ લેવો પડ્યો.
મોટાભાઈએ પણ નજીકમાંજ એક બહુ મોટો ફ્લેટ ખરીદી લીધો.પણ તે એકાએક મેસીવ હાર્ટ-એટેકથી ગુજરી ગયો અને પહેલેથી બટુક  મુંબઈના ધંધા-વેપારની આંટી-ઘૂંટી જાણતો હતો અને ઓફિસની રૂપાળી સિંધી સેક્રેટરી સાથે તેનો આડો  સંબંધ તો લાંબા સમયથી ચાલતો હતો અને તે પોતાની પત્નીથી લગભગ  વિમુખ જેવો થઇ ગયો   હતોએટલે તે  સિંધી સેક્રેટરીને,  પોતે એક ફ્લેટ અપાવી તેની સાથે હરતો-ફરતો અને રહેતો થઇ ગયો હતો.તેને પહેલી   પત્નીથી  બે  પુત્રો હતા; પણ તેને હવે પત્ની  કે બાળકોમાં નામનો ય રસ ન રહ્યો.માતા-પિતાને બીજા ભાઈને ત્યાં મોકલી, પોતાનો મોટો સજાવેલો ફ્લેટ, જે વર્ષો પહેલા થોડાક લાખોમાં લીધો હતો, તે હવે કરોડોમાં વેચાયો. કોઈને જાણ પણ ન થવા દીધી.પત્ની અને પુત્રોને પિયર મોકલાવી દીધા.   ઉનાળાના  વેકેશનના બહાને,તે પેલી જાણીતી કહેવતને સાર્થક કરતો હોય તેમ, જેટલો  બહાર  હતો એટલો ભોંયમાં નીકળ્યો.

બધે ફોન કરી  અને  ઇમેલ લખી, પોતે જ કમ્પનીનો,  મોટાભાઈ પછી માલિક  છે તેમ જણાવી, હવે પોતાની નવી ઓફિસ ખોલી, બધો વેપાર-ધંધો સ્વતંત્ર રીતે, પોતાના નામે જ કરવા લાગી ગયો. પિતાની તબિયત પુત્રના મૃત્યુ પછી કથળતી જઈ, સાવ લાશ થઇ  ગઈ અને જેને પોતે પોતાના સગા પુત્ર કરતા પણ લાડ-કોડથી,માયા-મમતાથી મોટો કર્યો, તેના નવા કારસ્તાનો સાંભળી, તેમને હવે બાબુ મરી ગયેલો, ત્યારે જે કે જેવો આઘાત લાગેલો, તેના કરતા ય અનેક-અનેક ગણો વિશેષ  કારમો  આઘાત લાગ્યો. તેઓ ફરી એક વાર અવાચક બની ગયા અને મૂંગા-મૂંગા જ પક્ષાઘાતના અટેકમાં પ્રાણ ગુમાવી બેઠા.તેમના પુત્ર-પુત્રવધૂ  માટે તો ભાઈ પછી, પિતા ગુમાવ્યાનો બીજો જબરો શોક  લાગ્યો.ભાભીના બાળકો હજી નાના હતા અને હાથમાંથી જોતજોતામાં ધંધો-વેપાર ચાલી ગયેલો જોઈ, તેઓ તો બટુકનું વિકૃત વિરાટ સ્વરૂપ જોઈ-જાણી, પારાવાર દુખી થયા. નસીબે  સીકન્દ્રાબાદની  દુકાન અને ફેકટરીમાં કમાણી સારી હતી અને તેમાં લાંબુ વિચારી દિનેશે તે પોતાના નામે જ રાખેલી અને ત્યાં બે મકાનો પણ હતા એટલે આર્થિક સ્થિતિ ઠીક જ હતી. મુંબઈમાં નવી ઓફિસ કરી ભાભીના  દીકરાઓને અને પોતાના દીકરાઓને સરખી રીતે ટ્રેઈન કરી હોંશિયાર બનાવ્યા અને નવેસરથી વેપાર-ધંધો જમાવ્યો.  

                                   
નસીબની યારી કે જેમાં હાથ નાખ્યો, તેમાં કમાતા જ ગયા.પરંતુ યંગ બ્લડ સાહસ કરવા તત્પર હતું અને મુંબઈ મા જ એક પ્રાયવેટ લિ ટેડ ફેક્ટરી શરૂ કરી અને સારી ચાલી, એટલે પબ્લિક લિમિટેડમાં તેનું મોટું પરિવર્તન કર્યું. સરસ ચાલવા લાગી. શેર ઉપરને ઉપર જઈ રહ્યા હતા. પરંતુ આગળ જતા, બટુકે ચાલાકી કરી શેર ખરીદ-વેચ કરી શેર ગગડાવી દીધા. સ્ટાફને પોતે શરૂ કરેલ ફેકટરીમાં ખેંચી લીધા અને સાચા-ખોટા  કેસો કરી સમસ્ત પરિવારને કોર્ટના દરવાજા દેખાડ્યા. આ બધું જોઈ-જાણી બિચારા માતા કમળાબહેન પણ એક રાતે ઊંઘમાં ને ઊંઘમાં જ ગુજરી ગયા. સ્વાર્થી બટુક આવ્યો સુદ્ધા નહિ અને તેની પિયરમાં જ રહેતી પત્ની પણ બ્લડ કેન્સરથી  મૃત્યુ  પામી.તેના બન્ને પુત્રો ભણવામાં હોંશિયાર હોવાથી અને મોકો મળતા અમેરિકા ચાલી ગયા અને ત્યાજ સેટલ થઇ ગયા. બટુકની સિંધી રખાત પોતાના  નામનો ફ્લેટ વેચી, પૈસા રોકડા કરી, કોઈ બીજા સાથે ભાગી ગઈ.બટુકનો વેપાર પણ હવે પત્નીના મૃત્યુ પછી અને પુત્રોના અમેરિકા ચાલ્યા જવાથી તથા જેના પર સો ટકા વિશ્વાસ રાખી, પોતાનું બધું જ જેના નામે કરી દીધું હતું, તે સિંધી પ્રેમિકા ભાગી જવાથી, તે ડીપ્રેશનનો ભોગ બની ગયો,થોડો ગાંડા  જેવો થઇ ગયો. સ્ટાફના લોકો પણ તેને છેતરી, બધું ઓહિયા કરી ભાગી ગયા. ન ઘર,ન ઘરવાળી, કે ન ધંધો-વેપાર. તે દિનેશ પાસે આવી નતમસ્તક માફી માંગતો, રહેવા-ખાવા પુરતી, કાંઇક મદદ માંગવા આવ્યો. આંખ મેળવી, વાત પણ કરી શકવાની, તેનામાં હામ નહોતી રહી.                     

“બદલો તો એવો લઈશું કે જનમ -જનમ સુધી યાદ રાખશે” તેમ, સહુ  ફરી વેપાર-ધંધામાં બાહોશ અને સફળ થઇ ગયેલા, જુવાનજોધ પોતાના અને ભાભીના પુત્રોકહેવા લાગ્યા. “હાશ,મોકો મળ્યો.હવે બરાબર બદલો લઈશું.ભીખ માંગતો કરી દઈશું.તેના પોતાના અમેરિકાસ્થિત દીકરાઓ, પણ ત્યાં જ પરણી,  ન પાછા પણ આવવા તૈયાર ન હતા,કે ન તો સ્વાર્થી પિતાને અમેરિકા બોલાવવા પણ તૈયાર હતા.

“હવે જુઓ આ બટુકજીનાં શા હાલ-હવાલ થાય છે.તેને તો કેસ કરી, જેલમાં ના-ખી દેવા જેવું છે કે વૃદ્ધાશ્રમમાં મોકલી દેવા જેવું છે.” સહુ પુત્રો અને ભત્રીજાઓ  કહેવા લાગ્યા. પરંતુ દિનેશની   ખાનદાનીની બોલી ઊઠી:”બદલો તો  લઈશું, પણ  તેને સાથે રાખીને,સાથે જમાડી-જુઠાડીને, ઘરમાંજ સાથે સંગાથે, રાખી-સુવડાવીને અને તેનો  સરખો બરાબર મેડિકલ  ઈલાજ કરી- કરાવીને.તેણે  બાબુભાઈનું સ્થાન લઈને, આપણા માબાપને ‘ત્યારે’  જે સુખ-શાંતિ’ આપેલા,તેનો બદલો તો ‘અત્યારે’ વાળવાનો જ છે ! 

(સત્ય ઘટનાત્મક વાર્તા )                  

(સમાપ્ત)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.

%d bloggers like this: