અણધાર્યો…

એકનો એક દીકરો. અને તે પણ લગ્નના દોઢ દોઢ દાયકા પછી ખોટનો જન્મેલો દીકરો. માતા શાંતા બહેન અને પિતા શાંતિલાલ માટે તો  આ દીકરો જિંદગીની મહામૂલી મૂડી હતી, જીવનનું સર્વસ્વ હતું,જન્મ જન્મના પુણ્યનું ફળ  હતું.સાધારણ મધ્યમ  વર્ગના આ બેઉ માતા-પિતા પ્રાથમિક શાળાના શિક્ષક-શિક્ષિકા હોવા છતાં પુત્ર અમૂલને અસાધારણ સુવિધાઓ આપવા માટે લાલાયિત રહેતા.લોકો સલાહ આપતા રહ્યા કે આ ખોટના દીકરાને ભિખારી રાખો-ભીખલા નામથી બોલાવો,જેથી કોઈની નજર ન લાગે.પરંતુ ગાંધીવાદી એવા માબાપે આવા અંધ વિશ્વાસ પર નામનો ય વિશ્વાસ કર્યા વિના તેને-પોતાના અમૂલ્ય એવા પુત્રરત્નને અમૂલ નામ આપી તેને ભરપૂર લાડકોડથી ઉછેરવાનું શરૂ કર્યું.તેના માટે ઝૂલે ઝૂલે મધુર સંગીત રેલાવતું મોંઘુદાટ પારણું ખરીદ્યું,નવી નવાઈના દેશી-વિદેશી રમકડા ખરીદ્યા અને મોટો થતાં તેને પોતાની શાળામાં ન મૂકી, શહેરની મોંઘી એવી ‘આદર્શ મોન્ટેસરી સ્કુલ’માં દાખલ કર્યો.બસમાં જતી વખતે “ટાટા’ કરી જતો અને ઘરે આવી “હાય”કરતો અમૂલ તેમના બેઉ માટે તો ‘અમૂલ બટર’  નહિ, ‘અમૂલ ચીઝ’ -અનોખી-  અનેરી -મહામૂલી ચીજ બની ગયો.આગળ જતા તેને મોંઘી પબ્લિક સ્કુલમાં દાખલ કરી તેને ઉત્તમોત્તમ શિક્ષણ અને એટીકેટનું જ્ઞાન-ભાન મળે તેની વ્યવસ્થા કરી. સવાર-સાંજ ટ્યુશન ક્લાસો ચલાવતા રહી, તેમણે અમૂલ માટે મોંઘા યુનિફોર્મ,રેગ્યુલર અને સ્પોર્ટ્સના બૂટ અપાવી, ન કલ્પી હોય એટલી લંચ માટેની અને ભણવા માટેની પૂળો  ભરીને ફી પણ ભરવાની હિંમત દેખાડી દીકરાને મોડર્ન મોડર્ન  બનાવવાનું બીડું ઝડપ્યું.

ટ્યુશન ક્લાસો ચલાવી ચલાવી થાક્યા પાક્યા હોવા છતાંય દીકરો આવે એટલે તેની સાથે વાતો કરવા તલસી રહેતા માબાપ સાથે તેને વાત કરવા માટે ન સમય રહેતો -ભરપૂર હોમવર્કના કારણે, તેમ જ મોડર્ન સ્કુલમાં મોડર્ન એટીકેટ શીખેલા અમૂલને માબાપ, સાથે વાતો કરવાનું મન પણ એટલું ન થતું જેટલું માબાપનું તેની સાથે વાતચીત કરવા માટે મન અધીરું અધીરું થતું.બપોરનું ભરપૂર લંચ જમેલા પુત્ર અમૂલને સાંજના દેશી વાળુમાં બહુ રસ  ન રહેવાથી એ લૂસ લૂસ જમી લઇ, દૂધ પીને ટી .વી. પર સ્પોર્ટ્સ ચેનલ કે ક્રિકેટ મેચ જોતો સૂઈ જતો.સવારે માબાપ તેની ફેન્સી બેગ તૈયાર કરી,ટાઈ સાથે યુનિફોર્મ પહેરાવી,બૂટ પોલીશ કરી,તેને ચમકાવી, તેને બસમાં બરાબર સાત વાગ્યે રવાના કરી દેતા અને તે ‘ટા ટા’ કરતો ‘બાય બાય’ કરતો બસ તરફ ભાગતો.

આમ કરતા કરતા અમૂલ પબ્લિક સ્કૂલમાંથી ભણી ગણી બારમી પાસ કરી જયારે બહાર નીકળ્યો ત્યારે નિવૃત્ત થઇ ગયેલા માબાપે તેને મોટો ડોક્ટર બનાવવાનું સ્વપ્ન સેવી,તેને પોતાની જીવન ભરની મૂડી ખર્ચી ડોનેશનથી મનીપાલ મેડિકલ કોલેજમાં દાખલ કર્યો.હવે તો લાંબે ગાળે ક્યારેક ક્યારેક જ તે રજાઓનો મેળ  કરી મળવા આવતો અને એક પછી એક મુલાકાતના મેળમાં સમયનો  અને તેના કરતા મનનો મેળ  ઓછો થતો ગયો એ વહાલા માબાપ જોઈ- અનુભવી તો શક્યા ;પણ ભણતરના ભારની કલ્પના કરી મન  મનાવતા રહ્યા.

મેડિકલ પૂરું કરી જયારે તે ડોક્ટર બની ઘરે પાછો આવ્યો ત્યારે તેણે પોતાની સાથે આવેલી ડોક્ટર અમોલાને ઈંટ્રોડ્યુસ કરતા કહ્યું  :”પપ્પા-મમ્મી, આ અમોલા છે જે અમેરિકન  સિટિઝન છે અને અમેરિકામાં મેડિકલ કરતા, જે લાંબો સમય બગડે છે એ બચાવવા, તેના માબાપે પૂરા એક કરોડ રૂપિયાનું ડોનેશન આપી તેને મનીપાલ મેડિકલ કોલેજમાં દાખલ કરેલી.અમે એક જ બેચમાં સાથે સાથે હોવાથી, તેમજ અમારો મનમેળ બહુ સારો હોવાથી અમે અચ્છા દોસ્ત બન્યા, પ્રેમમાં પડ્યા અને હવે કોર્ટ મેરેજ કરી આજકાલમાં તરત જ પરણી પણ જવાના.અમોલા મને સ્પોન્સર કરી પોતાની સાથે અમેરિકા પણ લઇ જવાની છે.મારું તો ભવિષ્ય બની જશે.બાકી આ ભૂખડીબારસ ભારતમાં તો મારું કોઈ ભવિષ્ય જ નથી.ડોકટરોને તો સેટલ થતા પણ દસ પંદર વર્ષો લાગે. તો ય ન પોતાનો બંગલો બને કે ન ત્યાં જેવી લેટેસ્ટ લક્ઝ્યુરિયસ કાર ખરીદી કે વસાવી શકાય.અમોલાના માબાપને તો મોટલોની ચેઈન છે એટલે હું તો ન્યાલાન્યાલ થઇ જવાનો.”

માબાપ ખોટના દીકરા અમૂલને ‘ભિખારી’ ન બનાવી અતિ લાડકોડમાં તેને મોટો કરી,પબ્લિક સ્કુલમાં દાખલ કરી, અતિ એટીકેટવાળો મોડર્ન મોડર્ન બનાવવા  જતા પોતે ‘ભિખારી’ બની ગયા છે એમ  કહી પણ ન શક્યા.થોડા જ ગણતરીના દિવસોમાં તો અમૂલ -અમોલા હૈદરાબાદ એરપોર્ટથી માબાપને “ટા ટા ” અને “બાય બાય ” કરી આકાશમાં ઊડ્યા ત્યારે માબાપે આકાશથી ધરતી પર પછડાયાનો જોરદાર પછડાટ અનુભવ્યો.

પણ ઊંચે ઊંચે અનંત  આકાશમાં મોજમસ્તીથી ઉડનારને તો ધરતી પર કોઈના પછડાયાના  પછડાટનો અંદાજો પણ શાનો આવે ? ક્યાંથી આવે? પોતાનું ભવિષ્ય બનાવવા અનંત આકાશમાં ઊડી જનાર અમૂલને માબાપના ભવિષ્યના થઇ રહેલા અંતની તો કલ્પના પણ કેમ કરીને થઇ શકે? શાંતિલાલની શાંતિનો  અને શાંતાબહેનની  શાતાનો આ અણધાર્યો  અંત અમૂલ અને અમોલાના ગમન સાથે જ  ગમગીનતા અતળ સમુદ્રમાં ખોવાઈ ગયો-ડૂબી ગયો. 

(સમાપ્ત)     

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.