છ છ દીકરે…

શિવરામકૃષ્ણ  બહુ જ ભલા અને સજ્જન વ્યક્તિ હતા. જેવું તેમનું નામ હતું, તેવા જ પૂરા ભગવાનના માણસ હતા.વહેલા ઊઠી,નાહી-ધોઈ,પૂજા-પાઠ કરી,નજીકના મંદિરે દેવદર્શને જાય અને તે પછી પોતાના એક મિત્ર  કહો કે માર્ગદર્શક કહો કે ગુરુ કહો, તેવા ડોક્ટરને ત્યાં સવારના થોડા બીજા સત્સંગીઓ આવતા, તેમની સાથે  પૂરો એક કલાક બેસી, દિવસની શુભ શરૂઆત કરી,મુખ્યત્વે પ્રશ્નોત્તરી સ્વરૂપે સત્સંગ કરી, આનંદોલ્લાસ સાથે ઘેર પાછા ફરતા. વળતા, કહી રાખેલું શાક-પાંદડું લેતા આવે, બ્રેડ-બિસ્કીટ કે ગાંઠિયા- ચવાણું  લેતા આવે અને ત્યાં સુધીમાં,ઘરમાં સહુ જાગી કરી, તૈયાર થયેલા હોય, તેમની સાથે  દૂધ -નાસ્તો કરે.તેઓ ખાદીધારી હતા અને પોતાનો સ્વતંત્ર એવો
ખાદીભંડાર ચલાવતા રહેતા. ખાદી ખરીદનાર-પહેરનાર,જમાનો બદલાતા, ઓછા થઇ રહ્યા હતા.પણ તોય તેઓ  સેવાભાવી મિત્રોની સહાયતાથી પોતાના ખાદીભંડારની ખાદી, એક જરૂરતમંદ દરજી અને તેની પત્નીને પોતાના ભંડારના પાછલા ભાગમાં બેસાડી તેમની પાસે વસ્ત્રો સીવડાવી   ખાદીના,તેમના  માપ પ્રમાણેના બંધબેસતા વસ્ત્રો,  વૃદ્ધાશ્રમ,અનાથાશ્રમ, તેમજ આંધળા-બહેરાની સ્કુલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને વેચતા રહેતા.

 તેઓ સાદું-સીધું જીવન જીવનાર હોવાથી ઘરખર્ચ તો નીકળી જતો. તેમની પત્ની શિવાની પણ ખાદીની જ સાડી- બ્લાઉઝ પહેરતી અને ઘર કરકસરથી ચલાવતી. તેમને એક પછી એક એમ છ પુત્રો થયા અને તે  બધાને  પણ નાનપણથી ખાદી  જ પહેરાવતા.પરંતુ મોટા થતા સ્કુલે જવા લાગ્યા એટલે યુનિફોર્મ સીવડાવવા પડ્યા.બૂટ-મોજા  અપાવવા પડ્યા. સ્કાઉટમાં જોડાયા એટલે ખાખી  વસ્ત્રો સીવડાવવા પડ્યા.ખર્ચ વધતો ગયો.ફી પણ ઓછી ન હતી.સ્કુલ જવા માટે રિક્ષાનો ખર્ચ પણ વધારાનો શરૂ થયો. મિત્રો સાથે કે ક્યારેક સ્કુલના પિકનિક માટે જતા, તો તે પાછો અતિરિક્ત ખર્ચ. પરંતુ છ ના છ છોકરાઓ ભણવામાં ઠીક હતા એટલે જોતજોતામાં તો બારમી પાસ થઇ, વારાફરતી કોલેજમાં પણ આવી ગયા. હવે જ ખરો પ્રોબ્લમ શરૂ થયો.કોલેજની ફી ભારે-ભરખમ। કોલેજ આવવા જવાનું બસ- ભાડું   પણ સારું એવું, અને ધીમે-ધીમે  જુદી-જુદી ભણવાની લાઈનો લેતા ગયા, તેમ-તેમ મેડિક્લ, એન્જીનિયરિંગ, ફાર્મસી, એમ.બી.એ.ઇત્યાદિ કોર્સ   લેનાર પુત્રોનો ભણવાનો ખર્ચ વર્ષે-વર્ષે  વધતો જ ગયો.પરંતુ પોતે તો પિતાના એકમાત્ર પુત્ર હોવાના અને બાળપણમાંજ પિતાને ગુમાવ્યાના  કારણે નાનપણથી જ, જેમ-તેમ મેટ્રિક સુધી ભણી, ગાંધીવાદી અને ખાદી- પ્રેમી હોવાના આગ્રહી હોવાથી,એક  ખાદીભંડારમાં નોકરીએ લાગી ગયા હતા.સદભાગ્યે તેમના માલિકે તેમની મહેનત અને નિષ્ઠા જોઈ તેમને ભાગીદાર બનાવી દીધા.વયોવૃદ્ધ તે માલિક વિધુર હતો અને શિવરામકૃષ્ણની પત્ની શિવાની તેમનું બપોર અને રાતનું જમવાનું ટિફિન પ્રેમ અને સેવાભાવે મોકલતી રહેતી.

 સવારની ચા તો તે પોતે બનાવી લેતા.તેમણે વીલ બનાવી પોતાનું મકાન અને પોતાનો ખાદીભંડાર શિવરામકૃષ્ણના નામે લખી દીધો હતો. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં  દાખલ કરવાથી લઇ છેક સુધી તેમની સેવા કરતા રહી, જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે, તેમની અન્ત્યેષ્ટિ  ક્રિયા પણ કરી પોતાની પૂરી ફરજ બજાવી.તે પછી તો બીજો કોઈ વારસદાર ન  હોવાથી  વીલ પ્રમાણે મકાન અને દુકાનનો કબ્જો તેમને મળી ગયો.તેમની પત્નીએ પુત્રોને ભણાવવા  બાલમંદિર શરૂ કર્યું અને તેને  સરસ નવું ‘સંસ્કાર ધામ’ નામ આપ્યું.બાલમંદિર સારું જ ચાલ્યું અને તેની આવકથી છયે દીકરાઓ આરામથી સારું ભણતા ગયા. પરંતુ જેમ-જેમ  દીકરાઓ મોટા થતા ગયા તેમ-તેમ તેમના સ્વપ્નાઓ પણ મોટા થતા ગયા.

એકને ઓસ્ટ્રેલિયા જવું હતું અને ગયો પણ ખરો – ભણવાની લોન લઈને; બીજાને લંડન જવું હતું તે પણ કોઈ છોકરી સાથે પરણીને, તેની સાથે સસરાના હિસાબે-જોખમે, ત્યાં લંડન પહોંચી ગયો. ત્રીજાને અમેરિકા જવું હતું, તો તે  ત્યાં અમેરિકાથી આવેલી સિટિઝન ડોક્ટર છોકરી સાથે પરણીને ન્યૂયોર્ક પહોંચી ગયો. ચોથાને સારી નોકરી મળી એટલે દિલ્લી ચાલ્યો ગયો અને ત્યાં જ સાથે કામ કરતી પંજાબી છોકરી સાથે પરણી ગયો અને લગભગ તેની સાથે ઘરજમાઈની જેમ સાસરે રહેવા લાગ્યો. પાંચમો, પોતાનું નસીબ અજમાવવા મુંબઈ ભેગો થયો, કારણ કે તેના ખાસ મિત્રે આ એન્જીનીયર પુત્ર  સાથે, એક કેમિકલની ફેક્ટરી શરૂ કરી. છેલ્લો નાનો ત્યાં જ પિતા સાથે પોતાના નસીબને રડતો ખાદીભંડારમાંજ કામ કરતો રહ્યો.પણ એક વાર મોકો મળતાજ પોતાના પિતાના બધા રૂપિયા લઇ ક્યાંક ભાગી ગયો. છ- છ દીકરે છેલ્લો દાયકો સંપૂર્ણ ભયંકર નિરાધારતા અને  નિ:સહાયતાનો
આવેલો જોઈ પતિ-પત્ની, નિરાશ -હતાશ અને દુખી-દુખી જેવા થઇ ગયા.સહુ સહુના તાનમાં હતા અને નહિવત જેવો જ સંપર્ક રાખતા. છેલ્લા પુત્રે, ખાદીભંડાર અને મકાન પણ ચાલાકી કરી, તેમની પાસે, અને સાથે જ રહેતો હોવાથી, જનરલ પાવર ઓફ એટોર્ની હતી, એટલે બધું વેચી મારી, પૈસા રોકડા કરીને  ભાગી જવાનું પરાક્રમ  કર્યું.  પત્ની શિવાની આ દુખ,આ વેદના,આ આઘાત  સહન ન કરી શકી અને ઊંઘમાં ને ઊંઘમાં જ ગુજરી ગઈ.

પતિ શિવરામકૃષ્ણ હવે ક્યાંયના ન રહ્યા. ન ઘર, ન દુકાન. બધું કાયદેસર નવા માલિકને એક મહિનાની અંદર-અંદર સોંપી દેવું પડ્યું. પોતે જ્યાં ખાદીના વસ્ત્રો વેચતા હતા, તે જ વૃદ્ધાશ્રમમાં દાખલ થઇ ત્યાં બનતી સેવા બજાવતા રહી,હિસાબકિતાબ લખતા રહી,થોડી વ્યવસ્થા સંભાળતા રહી પોતાના દુખી દુખી દિવસો પસાર કરતા રહ્યા. છેલ્લે-છેલ્લે વૃદ્ધાશ્રમની નજીકના  રેલ-ક્રોસિંગને પાર કરવા જતા એકાએક ધસમસતી આવતી ટ્રેન નીચે, તેઓ અકસ્માતથી ગુજરી ગયા અને તેમની અન્ત્યેષ્ટિક્રિયામાં તે જ વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ તેમનો અગ્નિસંસ્કાર કર્યો. સાંજે તેમની સેવાઓ બિરદાવવા પ્રાર્થના-સભા યોજી અને બીજે દિવસે કોઈ સજ્જને પેપરમાં તેમનો ફોટો છપાવી, તેમના  અવસાનના સમાચાર પ્રગટ કરાવ્યા, જેની નીચે તેમના છયે છ પુત્રોના નામ છપાયા હતા.આ સમાચાર વાંચી અને છયે છ  દીકરાઓના નીચે નામ વાંચી, બહુ બધા જે તેમને જાણતા -ઓળખતા હતા,તેમની આંખો ભીની થઇ ગઈ.

“છ છ દીકરે પણ આવો અણધાર્યો અંત?” એવો જ સહુનો પ્રતિભાવ મૌન વાણીમાં પ્રગટ થયો.     

(સમાપ્ત)

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.