છ છ દીકરે…

શિવરામકૃષ્ણ  બહુ જ ભલા અને સજ્જન વ્યક્તિ હતા. જેવું તેમનું નામ હતું, તેવા જ પૂરા ભગવાનના માણસ હતા.વહેલા ઊઠી,નાહી-ધોઈ,પૂજા-પાઠ કરી,નજીકના મંદિરે દેવદર્શને જાય અને તે પછી પોતાના એક મિત્ર  કહો કે માર્ગદર્શક કહો કે ગુરુ કહો, તેવા ડોક્ટરને ત્યાં સવારના થોડા બીજા સત્સંગીઓ આવતા, તેમની સાથે  પૂરો એક કલાક બેસી, દિવસની શુભ શરૂઆત કરી,મુખ્યત્વે પ્રશ્નોત્તરી સ્વરૂપે સત્સંગ કરી, આનંદોલ્લાસ સાથે ઘેર પાછા ફરતા. વળતા, કહી રાખેલું શાક-પાંદડું લેતા આવે, બ્રેડ-બિસ્કીટ કે ગાંઠિયા- ચવાણું  લેતા આવે અને ત્યાં સુધીમાં,ઘરમાં સહુ જાગી કરી, તૈયાર થયેલા હોય, તેમની સાથે  દૂધ -નાસ્તો કરે.તેઓ ખાદીધારી હતા અને પોતાનો સ્વતંત્ર એવો
ખાદીભંડાર ચલાવતા રહેતા. ખાદી ખરીદનાર-પહેરનાર,જમાનો બદલાતા, ઓછા થઇ રહ્યા હતા.પણ તોય તેઓ  સેવાભાવી મિત્રોની સહાયતાથી પોતાના ખાદીભંડારની ખાદી, એક જરૂરતમંદ દરજી અને તેની પત્નીને પોતાના ભંડારના પાછલા ભાગમાં બેસાડી તેમની પાસે વસ્ત્રો સીવડાવી   ખાદીના,તેમના  માપ પ્રમાણેના બંધબેસતા વસ્ત્રો,  વૃદ્ધાશ્રમ,અનાથાશ્રમ, તેમજ આંધળા-બહેરાની સ્કુલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને વેચતા રહેતા.

 તેઓ સાદું-સીધું જીવન જીવનાર હોવાથી ઘરખર્ચ તો નીકળી જતો. તેમની પત્ની શિવાની પણ ખાદીની જ સાડી- બ્લાઉઝ પહેરતી અને ઘર કરકસરથી ચલાવતી. તેમને એક પછી એક એમ છ પુત્રો થયા અને તે  બધાને  પણ નાનપણથી ખાદી  જ પહેરાવતા.પરંતુ મોટા થતા સ્કુલે જવા લાગ્યા એટલે યુનિફોર્મ સીવડાવવા પડ્યા.બૂટ-મોજા  અપાવવા પડ્યા. સ્કાઉટમાં જોડાયા એટલે ખાખી  વસ્ત્રો સીવડાવવા પડ્યા.ખર્ચ વધતો ગયો.ફી પણ ઓછી ન હતી.સ્કુલ જવા માટે રિક્ષાનો ખર્ચ પણ વધારાનો શરૂ થયો. મિત્રો સાથે કે ક્યારેક સ્કુલના પિકનિક માટે જતા, તો તે પાછો અતિરિક્ત ખર્ચ. પરંતુ છ ના છ છોકરાઓ ભણવામાં ઠીક હતા એટલે જોતજોતામાં તો બારમી પાસ થઇ, વારાફરતી કોલેજમાં પણ આવી ગયા. હવે જ ખરો પ્રોબ્લમ શરૂ થયો.કોલેજની ફી ભારે-ભરખમ। કોલેજ આવવા જવાનું બસ- ભાડું   પણ સારું એવું, અને ધીમે-ધીમે  જુદી-જુદી ભણવાની લાઈનો લેતા ગયા, તેમ-તેમ મેડિક્લ, એન્જીનિયરિંગ, ફાર્મસી, એમ.બી.એ.ઇત્યાદિ કોર્સ   લેનાર પુત્રોનો ભણવાનો ખર્ચ વર્ષે-વર્ષે  વધતો જ ગયો.પરંતુ પોતે તો પિતાના એકમાત્ર પુત્ર હોવાના અને બાળપણમાંજ પિતાને ગુમાવ્યાના  કારણે નાનપણથી જ, જેમ-તેમ મેટ્રિક સુધી ભણી, ગાંધીવાદી અને ખાદી- પ્રેમી હોવાના આગ્રહી હોવાથી,એક  ખાદીભંડારમાં નોકરીએ લાગી ગયા હતા.સદભાગ્યે તેમના માલિકે તેમની મહેનત અને નિષ્ઠા જોઈ તેમને ભાગીદાર બનાવી દીધા.વયોવૃદ્ધ તે માલિક વિધુર હતો અને શિવરામકૃષ્ણની પત્ની શિવાની તેમનું બપોર અને રાતનું જમવાનું ટિફિન પ્રેમ અને સેવાભાવે મોકલતી રહેતી.

 સવારની ચા તો તે પોતે બનાવી લેતા.તેમણે વીલ બનાવી પોતાનું મકાન અને પોતાનો ખાદીભંડાર શિવરામકૃષ્ણના નામે લખી દીધો હતો. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં  દાખલ કરવાથી લઇ છેક સુધી તેમની સેવા કરતા રહી, જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે, તેમની અન્ત્યેષ્ટિ  ક્રિયા પણ કરી પોતાની પૂરી ફરજ બજાવી.તે પછી તો બીજો કોઈ વારસદાર ન  હોવાથી  વીલ પ્રમાણે મકાન અને દુકાનનો કબ્જો તેમને મળી ગયો.તેમની પત્નીએ પુત્રોને ભણાવવા  બાલમંદિર શરૂ કર્યું અને તેને  સરસ નવું ‘સંસ્કાર ધામ’ નામ આપ્યું.બાલમંદિર સારું જ ચાલ્યું અને તેની આવકથી છયે દીકરાઓ આરામથી સારું ભણતા ગયા. પરંતુ જેમ-જેમ  દીકરાઓ મોટા થતા ગયા તેમ-તેમ તેમના સ્વપ્નાઓ પણ મોટા થતા ગયા.

એકને ઓસ્ટ્રેલિયા જવું હતું અને ગયો પણ ખરો – ભણવાની લોન લઈને; બીજાને લંડન જવું હતું તે પણ કોઈ છોકરી સાથે પરણીને, તેની સાથે સસરાના હિસાબે-જોખમે, ત્યાં લંડન પહોંચી ગયો. ત્રીજાને અમેરિકા જવું હતું, તો તે  ત્યાં અમેરિકાથી આવેલી સિટિઝન ડોક્ટર છોકરી સાથે પરણીને ન્યૂયોર્ક પહોંચી ગયો. ચોથાને સારી નોકરી મળી એટલે દિલ્લી ચાલ્યો ગયો અને ત્યાં જ સાથે કામ કરતી પંજાબી છોકરી સાથે પરણી ગયો અને લગભગ તેની સાથે ઘરજમાઈની જેમ સાસરે રહેવા લાગ્યો. પાંચમો, પોતાનું નસીબ અજમાવવા મુંબઈ ભેગો થયો, કારણ કે તેના ખાસ મિત્રે આ એન્જીનીયર પુત્ર  સાથે, એક કેમિકલની ફેક્ટરી શરૂ કરી. છેલ્લો નાનો ત્યાં જ પિતા સાથે પોતાના નસીબને રડતો ખાદીભંડારમાંજ કામ કરતો રહ્યો.પણ એક વાર મોકો મળતાજ પોતાના પિતાના બધા રૂપિયા લઇ ક્યાંક ભાગી ગયો. છ- છ દીકરે છેલ્લો દાયકો સંપૂર્ણ ભયંકર નિરાધારતા અને  નિ:સહાયતાનો
આવેલો જોઈ પતિ-પત્ની, નિરાશ -હતાશ અને દુખી-દુખી જેવા થઇ ગયા.સહુ સહુના તાનમાં હતા અને નહિવત જેવો જ સંપર્ક રાખતા. છેલ્લા પુત્રે, ખાદીભંડાર અને મકાન પણ ચાલાકી કરી, તેમની પાસે, અને સાથે જ રહેતો હોવાથી, જનરલ પાવર ઓફ એટોર્ની હતી, એટલે બધું વેચી મારી, પૈસા રોકડા કરીને  ભાગી જવાનું પરાક્રમ  કર્યું.  પત્ની શિવાની આ દુખ,આ વેદના,આ આઘાત  સહન ન કરી શકી અને ઊંઘમાં ને ઊંઘમાં જ ગુજરી ગઈ.

પતિ શિવરામકૃષ્ણ હવે ક્યાંયના ન રહ્યા. ન ઘર, ન દુકાન. બધું કાયદેસર નવા માલિકને એક મહિનાની અંદર-અંદર સોંપી દેવું પડ્યું. પોતે જ્યાં ખાદીના વસ્ત્રો વેચતા હતા, તે જ વૃદ્ધાશ્રમમાં દાખલ થઇ ત્યાં બનતી સેવા બજાવતા રહી,હિસાબકિતાબ લખતા રહી,થોડી વ્યવસ્થા સંભાળતા રહી પોતાના દુખી દુખી દિવસો પસાર કરતા રહ્યા. છેલ્લે-છેલ્લે વૃદ્ધાશ્રમની નજીકના  રેલ-ક્રોસિંગને પાર કરવા જતા એકાએક ધસમસતી આવતી ટ્રેન નીચે, તેઓ અકસ્માતથી ગુજરી ગયા અને તેમની અન્ત્યેષ્ટિક્રિયામાં તે જ વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ તેમનો અગ્નિસંસ્કાર કર્યો. સાંજે તેમની સેવાઓ બિરદાવવા પ્રાર્થના-સભા યોજી અને બીજે દિવસે કોઈ સજ્જને પેપરમાં તેમનો ફોટો છપાવી, તેમના  અવસાનના સમાચાર પ્રગટ કરાવ્યા, જેની નીચે તેમના છયે છ પુત્રોના નામ છપાયા હતા.આ સમાચાર વાંચી અને છયે છ  દીકરાઓના નીચે નામ વાંચી, બહુ બધા જે તેમને જાણતા -ઓળખતા હતા,તેમની આંખો ભીની થઇ ગઈ.

“છ છ દીકરે પણ આવો અણધાર્યો અંત?” એવો જ સહુનો પ્રતિભાવ મૌન વાણીમાં પ્રગટ થયો.     

(સમાપ્ત)

દોહ્યલી દીકરી…

નામ તો દીકરીનું માએ પાડ્યું હતું ‘ડોલી’,  તેના ડોલી જેવા દેખાવના કારણે. તેના પોતાના પતિ પણ તેને હાલતા -ચાલતા એક પછી એક નવી નવી ડોલીઓ,ગમે તેટલી મોંઘી હોય તો ય, “ડોલી માટે તો મારે ઘરમાં ‘ડોલી વર્લ્ડ’ જ બનાવવું છે” કહી, હોંસે હોંસે  દિલથી અપાવ્યા જ કરતા તેના કારણે પણ, દીકરીનું નામ ડોલી પાડેલું. પરંતુ અત્યારે તો માતા મનીષાને સતત એમ જ લાગ્યા કરતુ હતું કે આ ‘ડોલી’ નથી, આ તો મારા માટે ‘દોહ્યલીદીકરી’ છે.આવી અને આટલી બધી પ્રેમાળ?- મા માટે જાન પણ કુરબાન કરી દે એવી-આ દોહ્યલી દીકરીનો વિચાર આવતા જ તેની, મૌન થઇ ગયેલી વાણી મનોમન બોલી ઊઠતી છે ને મારી દોહ્યલી દીકરી આ ડોલી? અને ન દેખતી એવી,તદ્દન આંધળી થઇ ગયેલી, પથરાયેલી  આંખોમાં જળજળિયા આવી જતા અને એ જળજળિયાની સાથે જ સ્વર્ગસ્થ પતિનું,અને તેથી પણ વધુ તો પતિને અને પોતાને હૈયાના પ્રાણ જેવી લાગતી રહેલી ડોલીનું, વહાલું વહાલું હસતું મોઢું દેખાવા લાગતું. વહાલા પતિએ બન્યા એટલા લાડ તેને તેમ જ વહાલી ડોલીને લડાવ્યા અને બિચારા લગ્નના દસ જ વર્ષમાં, બેઉને અનાથ બનાવી,અકસ્માતના ભોગ બની,લાંબી વાટે ચાલ્યા ગયા.

હજી પણ મનીષાને એ વાત યાદ આવે છે,એ રાત યાદ આવે છે, જયારે પતિ પલક, ડોલી માટે ખરીદેલી ‘બાર્બી ડોલી’, સ્ટોરમાં જ ભૂલાઈ જવાથી,દીધેલું પ્રોમિસ પૂરું કરવા,દોડાદોડ,જમ્યા પણ વગર, પાછો ‘ટોય વર્લ્ડ’ બંધ થાય, તે પહેલા દોડેલો અને તે લઈને, ઘર પાસે પહોંચતા જ,ઘરની સામે જ,તેની સ્કૂટરને કોઈ નવસિખિયા નવજવાને,ટક્કર મારી પલક માત્રમાં પરલોકમાં પહોંચાડી દીધેલો.બ્રેઈન- ઇન્જરી થઇ હોવાથી કોઈ ડોક્ટર-સર્જન તેને બચાવી ન શક્યો. મા-દીકરીનું તો વર્તમાન અને ભવિષ્ય બધું જ પળ-  ભરમાં રોળાઈ ગયું. રાંધ્યા ધાન રઝળી ગયા.પતિને બહુ જ મનભાવતું એવું બનાવેલું ધાનશાક ધૂળમાં મળી ગયું. ત્યાર પછી તો જાણે  તેની જિંદગી જ ધૂળમાં મળી ગઈ હોય એવું તે જિંદગીભર-આજ સુધી અનુભવતી રહી. કપરો સંઘર્ષ કરી કરીને, તેણે પોતાની વહાલી-દોહ્યલી  દીકરી ડોલીને ભણાવી-ગણાવી,પતિનું સ્વપ્ન સાકાર કરવા,તેને મેડિક્લ કોલેજમાં દાખલ કરાવી,તેને ડોક્ટર બનાવી. એમ.એસ કરી તે ગાયનિક સર્જન પણ બની ગઈ.

પણ તે પછી જયારે તેને પરણાવવાની વાત આવી, ત્યારે ડોલી એક જીદ લઈને બેઠી કે મારી માને સાચવે એવાને જ હું પરણું.તે ડોક્ટરને બદલે કોઈ કલર્કને, કોઈ શિક્ષકને, કોઈ સાધારણ નોકરિયાતને પણ પરણવા તૈયાર હતી. પરંતુ એવો કોઈ મૂરતિયો મળ્યો નહિ, એટલે ડોલીએ માતા સાથે લડી ઝગડીને પણ હવે આજીવન અપરિણીત જીવન જ વિતાવવાનો નિશ્ચય કર્યો.જો ભીષ્મપિતામહ દૃઢ પ્રતિજ્ઞા કરી, આજીવન અપરિણીત રહી શક્યા તો પોતે પણ તેમ રહી, માતાને સુખ -શાંતિમાં રાખવામાં જ  ચરમ સુખ અને પરમ શાંતિનો આનંદ અનુભવવા તૈયાર થઇ ગઈ. માતા મનીષા સમજાવી સમજાવી થાકી ગઈ પણ તે ટસ થી મસ ન થઇ તે ન જ થઇ. 

એવામાં મનીષાને સ્ટ્રોક આવ્યો અને તેની આંખો ગઈ,તેનું હાલવું-ચાલવું-બોલવું બંધ થઇ ગયું.

હવે તે નર્સિંગ હોમ ખોલી રાત દિવસ માટે બંધાઈ જવા નહોતી માંગતી.તેણે સરકારી હોસ્પિટલનો જોબ પસંદ કર્યો કે પોતાના સમયે ઘરે તો આવી શકાય.ઘરમાં આખા દિવસની એક ભરોસાના બહેન રોકી લીધા અને ઘરે માતા  પાસે પાછા આવવા માટે તે બને એટલી કાળજી રાખતી.તેનું મન માતામાં જ પરોવાયેલું, રોકાયેલું રહેતું.તે રાતની ડ્યુટીનો કોલ પણ બીજાને વેચી દઈને,ઘરે માતા પાસે સૂવાબેસવામાં  સુખ શાંતિ જોતી થઇ ગઈ. નચાલી શકતી, ન દેખી શકતી,ન બોલી શકતી માતા મનીષાને ડોલીએ ફિઝિકલ થેરપી અને સ્પીચ થેરપી કરાવી ચાલતી -બોલતી તો કરી જ દીધી; પણ તેના પછી જબરી જીદ કરીને તેણે પોતાની માને પોતાની એક આંખ સુદ્ધા ડોનેટ કરી, તેને દેખતી પણ કરી દીધી. મનીષા રડી રડી, તેનો વિરોધ કરતી રહી:”ગાંડી થઇ ગઈ છે કાંઈ ? જીદ કરીને મારા માટે પરણી નહિ અને હવે એક આંખ મને ડોનેટ કરી, પોતે કાણી થઇ, મને દેખતી કરવાથી, મને કે તને મળવાનું શું છે?”

 ત્યારે ડોલી જે બોલી કે :”તું મને મારી ડોનેટ કરેલી આંખે જોઈ શકીશ તેનો આનંદ તો તું શું હું પણ કલ્પી શકું છું. અને હું તને મારી એક આંખથી મન ભરીને જોતી રહી રાજી રાજી જ રહેવાની. આપણે  બેઉ રાજી, પછી દુનિયા ઝખ મારે છે. હું રાજી,તું મારી માજી રાજી,તો પછી ક્યા કરેગા કાજી? “અને મનીષા પોતાનું ધાર્યું કરીને જ રહી.બોલી “લોકો કિડની અને લીવર આપી જીવન આપે છે તો  મેં તો તને એક આંખ જ આપી છેને મને જોવા માટે ?”

આંખ ડોનેટ કરી, માને જોતી કર્યા પછીનો  દીકરીનો આ રમણીય,સ્મરણીય,અવિસ્મરણીય સંવાદ સાંભળી બિચારી માતા મનીષાને ખાતરી થઇ ગઈ કે “આ મારી ડોલી ડોલી નથી,મારી દોહ્યલી દીકરી છે, દોહ્યલી દીકરી !

(સમાપ્ત)

થાપ…

નામ તો એના નાનપણથી લાડમાં તેમ જ તેના લખણ જોઈ બદલાતા જ રહ્યા.સાત સાત બહેનો પછી  ખોટનો જન્મેલો એટલે તેને ભિખારી રાખેલો  એટલે તેનું પહેલું નામ ભીખલો પડ્યું.રાશિ  પ્રમાણે પણ તેનું નામ ‘ભ’ પર જ આવતું હોવાથી શાળામાં દાખલ કર્યો ત્યારે ભૂપેન્દ્ર નામ શાળાના  રજીસ્ટરે નોંધવામાં આવ્યું.દોસ્તો તેને ભોપલો કહેવા લાગ્યા અને શિક્ષકો તેને ભોપૂ ભોપૂ કહેવા લાગ્યા.માતા પિતા તેને ભોપો ભોપો કહેતા. બહેનો તેને ભાયલો ભાયલો જ કહ્યા કરતી.લાડના કારણે કહો કે પછી તેને સોબત એવી ખોટી મળતી ગઈ, જે પણ કારણ હોય  ‘પુત્રના લક્ષણ પારણા’માંથી કહેવતની જેમ બચપનથી  તેને તોફાન- મસ્તી કરવાની, લડવા-ઝગડવાની,ચોરી- ચપાટી કરવાની, શાળામાંથી ગુટલી મારી સ્ટંટ પિકચરો જોવા જવાની અને એવી એવી કેટકેટલી અપલખણી આદતો પડી ગઈ હતી.

બીજાનું લંચ પણ ચોરીને, મારીને,ઝૂંટવીને  ખાવામાં તેને કોઈ છોછ ન લાગતો. માબાપને શાળા તરફથી ફરિયાદો જાય તો તેઓ “નાનો છે હજી.બાળક છે.સાત બહેનો પછી જન્મેલો અમારો ભોપો ભોળોભટાક છે.મોટો થશે એટલે સુધરી જશે”. તેમ કહી તેનો પક્ષ લીધા કરે.ભૂપેન્દ્ર ખોટી ટેવોને ટેવાઈ ગયો, બુરી આદતોનો હેવાયો થતો ગયો અને રીઢો બાળગુનેગાર બનતો ગયો.

કોઈના બંગલાના કંપાઉંડમાં, કે બગીચામાં કે શાળાના મેદાનમાં લખોટીઓ ઓનો જુગાર તો રમે જ ;પણ હારી જાય તો જીતનારને ધોલ-ધપાટ મારી હારેલી અને સામાની બધી જ લખોટીઓ લઈને ભાગી જાય.શરીરે હાડેતો,કદાવર અને ઊંચો લાંબો હોવાથી ભલભલાને પહોંચે એવો થતો ગયો.પોતાને ગામ પહેલવાન માનતો થઇ ગયો.  સિગરેટના ખાલી પાકિટોથી  પણ પહેલા પત્થરથી; પણ પછી ગંજીફાના પત્તાથી રીતસરનો જુગાર  રમતો ય થઇ ગયો.લખોટીઓ અને સિગરેટના પાકિટો વેચી- ખરીદી પૈસાનો જુગાર રમતો પણ થઇ ગયો.

જેમ તેમ પંદર-સોળ વર્ષની ઉમર સુધી સ્કુલમાં જે અને જેટલું ભણ્યો તેના આધારે માબાપે તેને નાની ઉમરે જ તૃપ્તિ નામની ભળી ભોળી જ્ઞાતિ કન્યા સાથે પરણાવી દઈ ,ઘરના મિઠાઈ -ફરસાણનાધંધે – ગલ્લે બેસાડી દીધો, એમ સમજીને કે વિસનહોરી અને દુકાનની જવાબદારી તેને સુધારશે.ધંધો ધીકતો હોવાથી બે પાંચની નોટોથી લઈને દસ -વીસ- પચાસ-સો અને ક્યારેક પાંચસો સુધીની નોટો જોઈ તેનું જુગારી મન તેમાંથી મોકો ગોતી,  નોટો ગજવામાં સેરવી લેતો.

ચોરેલી છુપાવેલી નોટો લઇ એ ક્લબોમાં, તીન પત્તીની બેઠકોમાં,અંદર-બહારના  અડ્ડાઓમાં અને જ્યાં- ત્યાં રમાતા ક્રિકેટ કે ઈલેક્શનના સટ્ટાઓમાં  રમમાણ રહ્યા કરતો.ચાલાકી કરી જીતવામાં તે માહિર હતો.બિન્ધાસ રમતો અને હારજીત જાણે  કે તેના શ્વાસોછ્વાસ હોય તેમ તે જુગારના પ્રાણવાયુ  પર જીવતો. જીતવું તેના માટે જીવવું હતું.સ્વભાવે,આદતે,વર્તને તે પૂરેપૂરો ભારાડી બની ગયો.હાથચાલાકી કોઈ જાદુગર કરતાય ઝડપી હોવાથી તે પોતાને કાર્ડ માસ્ટર માનતો થઇ ગયો. .પાન,સિગરેટ,તમાકુ,માવો અને દેશી વિદેશી દારૂ તેના માટે ખોરાક બની ગયેલા. તેનું નામ જ ;ભોપલો  ભારાડી’  થઇ ગયું હતું.મોટરબાઈક ચલાવે તો નશામાં કોઈને કચરી નાખતા તેને જરાય કચવાટ ન થતો.ક્યારેક બાપની કાર લઇ ગયો હોય તો  અકસ્માત કરી કોઈને પરલોક પહોંચાડી દેવાય, તો તેને તેનો જરાય અફસોસ ન થતો.પોલિસને ખિસ્સામાં રાખતો થઇ ગયેલો.  આ ઓછું હોય તેમ ક્યારેક હારી ગયો હોય તો શહેરના પાર્કમાં પહોંચી ક્યાંક ખૂણે બેઠેલા યુગલને ડરાવી-ધમકાવી-બીવડાવી,જરૂર પડે તો બે તમાચા પણ મારી તેમને લૂટી લેતા ય તેને નામનો ય ડર ન લાગતો.એક વાર એક મોટી ક્લબમાં હારી ગયો તો બાપની કાર જુગારમાં દાવ પર લગાડી હારી ગયો.પછી ઘેર પહોંચી “કાર ક્યાંકથી ચોરાઈ  ગઈ” એવું ખોટું બોલવામાં ય તેને કશું ખોટું થતું  ન લાગ્યું. પોલીસમાં બાપે ફરિયાદ કરી તો સત્ય સામે આવ્યું કે પૂરા રજીસ્ટ્રેશનના પેપરો સાથે તેમની કાર તો કોઈ કલબના માલિકના નામે ચડી ગયેલી જણાઈ.ભોપાલના સહીસિક્કા વેચાણ ખત પર જોઈ ,બાપે તેને અને તેની પત્નીને ઘરબહાર કરી દીધા.

હવે ભાડાનો ફ્લેટ લઇ  ઘરમાં જ જુગારનો અડ્ડો ચલાવવા લાગ્યો.તેમાં આડોશી -પાડોશીઓની ફરિયાદથી પોલીસ લફરું થતા, ઘર- ક્લબ બંધ કરી.પણ જુગાર રમવાનું,પ્રાયવેટ રેસ-બુકી તરીકે બેટિંગ લેવાનું અને એવું બધું તો ચાલુ જ રાખ્યું.એક વાર કોઈ પ્રાયવેટ ક્લબમાં ખૂબ હારી ગયો તો “ઘરે જઈને ઉધાર દાવની રકમ ચૂકવવાનું કહી જીતેલા જીવણા જુગારીને ઘરે લઇ ગયો અને “રૂપિયા તૈયાર રાખજે”કહી સાથ આપનારી પત્નીને કોડ-ભાષામાં જરૂરી સંકેત આપી દીધો.જીવણા જુગારીને ભોપલાએ ધોકે ધોકે મારી અધમૂઓ કરી દીધો અને પછી રવેશમાંથી બહાર ફેંકી દઈ તેને ખતમ જ કરી  દેવા માટેની કોશિશ કરવામાં પોતાનું ય બેલેન્સ ગુમાવતા તે પણ સાથે જ સાથે રવેશ્માથી સીધો નીચે પછડાયો.  એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો જીવણો જુગારી  સ્વધામ  ભેગો થઇ જ ગયો.પણ  ભારાડી ભોપલો  તો બેઉ હાથ જ ગુમાવી બેઠો.સળિયા નાખી હાથ તો ઠીક કરી દેવામાં આવ્યા;પણ બેઉ પંજા આંગળીઓ- અંગૂઠા સાથે કાયમ માટે ગયા. હોસ્પિટલમાં પહેલી વાર તેને પોતાની   અત્યાર સુધીની વેડફી દીધેલી મહામૂલી જિંદગી વિષે પરાણે  મળેલી શાંતિ દરમ્યાન કંઈક વિચારવાનો અનાયાસે મોકો મળ્યો.પ્રેમાળ પત્નીના હાથે સ્વાદિષ્ટ ભોજનના કોળીયા ભરતા ભરતા તેને જિંદગીમાં પહેલી વાર પત્નીમાં ભોજ્યેશુ  માતાના દર્શન થયા. હવે બેઉ પંજા આંગળા-અંગૂઠા  સાથે જતા તેને એકાએક એક પ્રકારના   હાશકારનો અનુભવ થયો કે “હાશ,હવે ન પત્તા રમાશે, ન હાથચાલાકી  કરશે ,ન હારજીતની હડકાઈ હડકાઈ જિંદગીના રાત- દિવસના ઉજાગરા કરવા પડશે.જુગારી જીવનને સદા સદા માટે સહજમાં જ તિલાંજલિ અપાઈ ગઈ.એ તિલાંજલિએ તૃપ્તિને સર્વ પ્રકારે તૃપ્ત તૃપ્ત કરી દીધી.તેનું મન બોલી ઊઠયું: “હાથના કર્યા હૈયે વાગ્યા!    

(સમાપ્ત)

હાથના કર્યા…

નામ તો એના નાનપણથી લાડમાં તેમ જ તેના લખણ જોઈ બદલાતા જ રહ્યા.સાત સાત બહેનો પછી  ખોટનો જન્મેલો એટલે તેને ભિખારી રાખેલો  એટલે તેનું પહેલું નામ ભીખલો પડ્યું.રાશિ  પ્રમાણે પણ તેનું નામ ‘ભ’ પર જ આવતું હોવાથી શાળામાં દાખલ કર્યો ત્યારે ભૂપેન્દ્ર નામ શાળાના  રજીસ્ટરે નોંધવામાં આવ્યું.દોસ્તો તેને ભોપલો કહેવા લાગ્યા અને શિક્ષકો તેને ભોપૂ ભોપૂ કહેવા લાગ્યા.માતા પિતા તેને ભોપો ભોપો કહેતા. બહેનો તેને ભાયલો ભાયલો જ કહ્યા કરતી.

લાડના કારણે કહો કે પછી તેને સોબત એવી ખોટી મળતી ગઈ, જે પણ કારણ હોય  ‘પુત્રના લક્ષણ પારણા’માંથી કહેવતની જેમ બચપનથી  તેને તોફાન- મસ્તી કરવાની, લડવા-ઝગડવાની,ચોરી- ચપાટી કરવાની,શાળામાંથી ગુટલી મારી સ્ટંટ પિકચરો જોવા જવાની અને એવી એવી કેટકેટલી અપલખણી આદતો પડી ગઈ હતી.

બીજાનું લંચ પણ ચોરીને, મારીને,ઝૂંટવીને  ખાવામાં તેને કોઈ છોછ ન લાગતો. માબાપને શાળા તરફથી ફરિયાદો જાય તો તેઓ “નાનો છે હજી.બાળક છે.સાત બહેનો પછી જન્મેલો અમારો ભોપો ભોળોભટાક છે.મોટો થશે એટલે સુધરી જશે”. તેમ કહી તેનો પક્ષ લીધા કરે.ભૂપેન્દ્ર ખોટી ટેવોને ટેવાઈ ગયો, બુરી આદતોનો હેવાયો થતો ગયો અને રીઢો બાળગુનેગાર બનતો ગયો.

કોઈના બંગલાના કંપાઉંડમાં, કે બગીચામાં કે શાળાના મેદાનમાં લખોટીઓ ઓનો જુગાર તો રમે જ ;પણ હારી જાય તો જીતનારને ધોલ-ધપાટ મારી હારેલી અને સામાની બધી જ લખોટીઓ લઈને ભાગી જાય.શરીરે હાડેતો,કદાવર અને ઊંચો લાંબો હોવાથી ભલભલાને પહોંચે એવો થતો ગયો.પોતાને ગામ પહેલવાન માનતો થઇ ગયો.      સિગરેટના ખાલી પાકિટોથી  પણ પહેલા પત્થરથી; પણ પછી ગંજીફાના પત્તાથી રીતસરનો જુગાર  રમતો ય થઇ ગયો.લખોટીઓ અને સિગરેટના પાકિટો વેચી- ખરીદી પૈસાનો જુગાર રમતો પણ થઇ ગયો.

જેમ તેમ પંદર-સોળ વર્ષની ઉમર સુધી સ્કુલમાં જે અને જેટલું ભણ્યો તેના આધારે માબાપે તેને નાની ઉમરે જ તૃપ્તિ નામની ભળી ભોળી જ્ઞાતિ કન્યા સાથે પરણાવી દઈ ,ઘરના મિઠાઈ -ફરસાણનાધંધે – ગલ્લે બેસાડી દીધો, એમ સમજીને કે વિસનહોરી અને દુકાનની જવાબદારી તેને સુધારશે.ધંધો ધીકતો હોવાથી બે પાંચની નોટોથી લઈને દસ -વીસ- પચાસ-સો અને ક્યારેક પાંચસો સુધીની નોટો જોઈ તેનું જુગારી મન તેમાંથી મોકો ગોતી,  નોટો ગજવામાં સેરવી લેતો.

ચોરેલી છુપાવેલી નોટો લઇ એ ક્લબોમાં, તીન પત્તીની બેઠકોમાં,અંદર-બહારના  અડ્ડાઓમાં અને જ્યાં- ત્યાં રમાતા ક્રિકેટ કે ઈલેક્શનના સટ્ટાઓમાં  રમમાણ રહ્યા કરતો.ચાલાકી કરી જીતવામાં તે માહિર હતો.બિન્ધાસ રમતો અને હારજીત જાણે  કે તેના શ્વાસોછ્વાસ હોય તેમ તે જુગારના પ્રાણવાયુ  પર જીવતો. 

જીતવું તેના માટે જીવવું હતું.સ્વભાવે,આદતે,વર્તને તે પૂરેપૂરો ભારાડી બની ગયો.હાથચાલાકી કોઈ જાદુગર કરતાય ઝડપી હોવાથી તે પોતાને કાર્ડ માસ્ટર માનતો થઇ ગયો. .પાન,સિગરેટ,તમાકુ,માવો અને દેશી વિદેશી દારૂ તેના માટે ખોરાક બની ગયેલા. તેનું નામ જ ;ભોપલો  ભારાડી’  થઇ ગયું હતું.મોટરબાઈક ચલાવે તો નશામાં કોઈને કચરી નાખતા તેને જરાય કચવાટ ન થતો.ક્યારેક બાપની કાર લઇ ગયો હોય તો  અકસ્માત કરી કોઈને પરલોક પહોંચાડી દેવાય, તો તેને તેનો જરાય અફસોસ ન થતો.પોલિસને ખિસ્સામાં રાખતો થઇ ગયેલો.  આ ઓછું હોય તેમ ક્યારેક હારી ગયો હોય તો શહેરના પાર્કમાં પહોંચી ક્યાંક ખૂણે બેઠેલા યુગલને ડરાવી-ધમકાવી-બીવડાવી,જરૂર પડે તો બે તમાચા પણ મારી તેમને લૂટી લેતા ય તેને નામનો ય ડર ન લાગતો.એક વાર એક મોટી ક્લબમાં હારી ગયો તો બાપની કાર જુગારમાં દાવ પર લગાડી હારી ગયો.પછી ઘેર પહોંચી “કાર ક્યાંકથી ચોરાઈ  ગઈ” એવું ખોટું બોલવામાં ય તેને કશું ખોટું થતું  ન લાગ્યું. પોલીસમાં બાપે ફરિયાદ કરી તો સત્ય સામે આવ્યું કે પૂરા રજીસ્ટ્રેશનના પેપરો સાથે તેમની કાર તો કોઈ કલબના માલિકના નામે ચડી ગયેલી જણાઈ.ભોપાલના સહીસિક્કા વેચાણ ખત પર જોઈ ,બાપે તેને અને તેની પત્નીને ઘરબહાર કરી દીધા.

હવે ભાડાનો ફ્લેટ લઇ  ઘરમાં જ જુગારનો અડ્ડો ચલાવવા લાગ્યો.તેમાં આડોશી -પાડોશીઓની ફરિયાદથી પોલીસ લફરું થતા, ઘર- ક્લબ બંધ કરી.પણ જુગાર રમવાનું,પ્રાયવેટ રેસ-બુકી તરીકે બેટિંગ લેવાનું અને એવું બધું તો ચાલુ જ રાખ્યું.એક વાર કોઈ પ્રાયવેટ ક્લબમાં ખૂબ હારી ગયો તો “ઘરે જઈને ઉધાર દાવની રકમ ચૂકવવાનું કહી જીતેલા જીવણા જુગારીને ઘરે લઇ ગયો અને “રૂપિયા તૈયાર રાખજે”કહી સાથ આપનારી પત્નીને કોડ-ભાષામાં જરૂરી સંકેત આપી દીધો.જીવણા જુગારીને ભોપલાએ ધોકે ધોકે મારી અધમૂઓ કરી દીધો અને પછી રવેશમાંથી બહાર ફેંકી દઈ તેને ખતમ જ કરી  દેવા માટેની કોશિશ કરવામાં પોતાનું ય બેલેન્સ ગુમાવતા તે પણ સાથે જ સાથે રવેશ્માથી સીધો નીચે પછડાયો.  એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો જીવણો જુગારી  સ્વધામ  ભેગો થઇ જ ગયો.પણ  ભારાડી ભોપલો  તો બેઉ હાથ જ ગુમાવી બેઠો.સળિયા નાખી હાથ તો ઠીક કરી દેવામાં આવ્યા;પણ બેઉ પંજા આંગળીઓ- અંગૂઠા સાથે કાયમ માટે ગયા. હોસ્પિટલમાં પહેલી વાર તેને પોતાની   અત્યાર સુધીની વેડફી દીધેલી મહામૂલી જિંદગી વિષે પરાણે  મળેલી શાંતિ દરમ્યાન કંઈક વિચારવાનો અનાયાસે મોકો મળ્યો.પ્રેમાળ પત્નીના હાથે સ્વાદિષ્ટ ભોજનના કોળીયા ભરતા ભરતા તેને જિંદગીમાં પહેલી વાર પત્નીમાં ભોજ્યેશુ  માતાના દર્શન થયા. હવે બેઉ પંજા આંગળા-અંગૂઠા  સાથે જતા તેને એકાએક એક પ્રકારના   હાશકારનો અનુભવ થયો કે “હાશ,હવે ન પત્તા રમાશે, ન હાથચાલાકી  કરશે ,ન હારજીતની હડકાઈ હડકાઈ જિંદગીના રાત- દિવસના ઉજાગરા કરવા પડશે.જુગારી જીવનને સદા સદા માટે સહજમાં જ તિલાંજલિ અપાઈ ગઈ.એ તિલાંજલિએ તૃપ્તિને સર્વ પ્રકારે તૃપ્ત તૃપ્ત કરી દીધી.તેનું મન બોલી ઊઠયું: “હાથના કર્યા હૈયે વાગ્યા!    

સમાપ્ત 

ભવેભવ…

“તું મને ન મળી  હોત તો મારું શું થાત તેની હું કલ્પના જ નથી કરી શકતો..  હું જયારે તને મળ્યો   ત્યારે તો મારા મનમાં એમ જ થયા કરતુ કે  આ પાંત્રીસ વર્ષની મોટી ઉમર  સુધી   અપરિણીત રહેલી  કુંવારી કન્યા મારો અને  મારા બે દીકરાઓનો સંસાર કેવી રીતે ચલાવશે? ઘરભંગ થયેલ  મારા જેવા વિધુરનો  સંસાર કેવી રીતે   રોડવશે? પણ   તેં તો મારો સંસાર ઘણી સારી રીતે,સુપેરે   ચલાવ્યો, ઉજાળ્યો,સુધાર્યો અને આપણું  જીવન જીવવા જોગ ધન્ય ધન્ય બનાવ્યું….અને દીકરાઓ જયારે મોટા થઇ, દુશ્મન બની ઘરમાલિક બની,આપણને તગેડી દઈ રઝળતા કરતા ગયા -અને એ ય જયારે  મને પક્ષાઘાત થયો  એ સમયે – તેં પોતાના ઘરેણા વેચીને ય   ડિપોઝિ ટ  આપી ભાડાનું ઘર લઇ,મારી સારવાર કરી-કરાવી,મારી સરસ મઝાની સંભાળ રાખી।…… આવું તો  આ જમાનામાં કોઈ કરતા કોઈ ના  કરે….. હું તો પ્રભુને પ્રાર્થું છું કે ભવો ભવ તું જ તું મને મળતી રહે અને બને તો હું તારી આ સેવા-દરકારના  ઉપકારનો બદલો કોઈ રીતે ચૂકવી શકું”. અશ્રુભીની આંખે,ગળગળા સ્વરે,હિબકતા હૈયે હરીશ આટલું બોલી આંખો લૂછવા લાગ્યો. અને આ કેવળ માત્ર શબ્દો નહોતા.હૃદયની લાગણીઓ બોલી રહી હતી,મનની અનુભૂતિઓ સ્વર પામી રહી હતી. પ્રસન્નને બરાબર યાદ હતું કે કેવી રીતે પહેલા દિવસથી જ નર્સનું કામ કરતી પાર્વતીએ  બેઉ બાળકોને પોતાના કરી લીધા હતા.

તે તો શિક્ષક હોવાથી સ્કુલ અને  સવાર સાંજના ટ્યુશનોમાં એટલો બધો વ્યસ્ત રહેતો હતો કે આખો દિવસ  ઘરકામ,સરસામાનની ખરીદી,નર્સનો જોબ-આટલી  બધી  જવાબદારી  પત્ની પાર્વતી કેવી રીતે સાંભળી શકતી હશે, એ તેની કલ્પના બહારનું હતું.વહેલી સવારે જાગી,ઘરકામ પતાવી,ચાપાણી નાસ્તો વી.કરી-કરાવી નાહી-  ધોઈ રસોઈ-પાણી ની શરૂઆત કરી દેતી.દસ વાગ્યે તો સહુને જમાડી, પોતાનું લંચ લઇ એ સરકારી હોસ્પિટલ ભેગી થઇ જતી અને તે ય સાયકલ પર.સાંજે છ વાગ્યે આવીને તરત ખુશી ખુશી સહુને ભાવે એવું ગરમાગરમ સહુને ભાવતું ભાવતું સ્વાદિષ્ટ ખાવાપીવાનું રાંધવા-સીંધવામાં  પડી જતી. તેના ચહેરા પર કંટાળો,ત્રાસ કે થાકનો   અણસારો ય જોવા ન મળે. આ બધું પ્રસન્નને કોઈ જૂની જોયેલી ગમેલી  ફિલ્મની જેમ  અત્યારે સ્પષ્ટ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

 તેને એ પણ દેખાવા લાગ્યું કે લોન લઇ લઈને તેણે બેઉ દીકરાઓને ડીગ્રી સુધી ભણાવ્યા અને બેઉ પોતાની પસંદગી પ્રેમિકાઓ સાથે પરણી,  બાપદાદાનું  મકાન પચાવી પાડી તેમને -માબાપને તગેડી દઈ નવા જમાનાનું પોત પ્રકાશવા લાગ્યા.અને એ પણ ત્યારે જયારે તેને   લકવાનો  અણધાર્યો જોરદાર અટેક આવ્યો.,પોતાની  બીમારીથી પોતે હે રાન-પરેશાન અને પરાધીન થઇ જવા લાગી ગયેલો ત્યારે.સબસે ‘ઊંચી સ્વાર્થ સગાઇ’ જેવું સંબંધોનું સમીકરણ કે અવમૂલ્યન થતું જોઈ તે દુખી દુખી થઇ ગયો.

એવી વિકટ સ્થિતિ-પરિસ્થિતિમાં પ્રેમાળ પત્ની   પાર્વતી તેના માટે જે સેવા સમર્પણ કરવા લાગી ગયેલી એ તો તેનાથી જન્મ જન્મ સુધી ભૂલાય નહિ એવો અભૂતપૂર્વ અનુભવ  હતો..પોતાના હાથે જમી પણ ન શકાતું હોવાથી પાર્વતી તેને ભોજ્યેશુ  માતાની જેમ  કોળિયે  કોળિયે  જમાડતી,હાથ દોરીને આમથી તેમ લઇ જતી,હાથ ધોવડાવી ડેન્ચર સુદ્ધા સાફ કરી દેતી.. પોતે તો ચશ્માં પણ જાતે ન પહેરી શકે એટલો પરાધીન થઇ ગયેલો.રાતે સૂવડાવીને ચાદર પણ પાર્વતી જ ઓઢાડતી,રાતે જાગી જાય તો બાથરૂમ પણ લઇ જતી,તરસ લાગે તો બાજુમાં જ મૂકેલો ગ્લાસ પણ મોઢે માંડી ધીરે ધીરે પ્રેમથી પીવડાવતી.આટલું તો ઠીક, ગંદામાં ગંદુ એવું તેને પખાળવાનું કામ પણ વગર સૂગે કરતી.બ્રશ કરાવી,નવડાવી- ધોવડાવી,શરીર-માથું લૂછી  કપડા પણ પહેરાવી દેતી.ચા પણ મોઢે રકાબી મંડાવી  તેને પીવડાવીને પછી જ પોતે પીતી.અને આ બધી સેવા હસતા મોઢે,હોંસે  હોંસે,પ્રફુલ્લ મને પાર્વતી કરતી એ જોઈ તે પોતાને બડભાગી માનવા લાગી ગયેલો.તેના હાથ-પગના નખ કાપવા સુધીની કાળજી તે રાખતી.તેના મને એ બીજી સાવિત્રી જ હતી જેણે મૃત્યના મોઢામાંથી તેને સ્ટ્રોકના હુમલા પછી તાત્કાલિક હોસ્પિટલ લઇ જઈ અને સતત એકધારી સેવા ચાકરી કરી તેને જીવતો જાગતો રાખ્યો હતો.  તેના જીવનનું એક માત્ર મિશન હોય તો તે કેવળમાત્ર  સ્વામીનાથ પ્રસંનને પ્રસન્ન રાખવાનો, જીવતો રાખવાનો,ખુશ ખુશ રાખવાનો,આનંદનું  અમૃત પતા રહેવાનો. 

પાર્વતી,  ત્રુટક ત્રુટક શબ્દોમાં પતિનું  રડતું હૈયું સાંભળી સાંભળી એકલી એકલી એકાંતમાં રડી લેતી.પણ પ્રસન્નની સામે તો હસી હસીને જ હરે ફરે, સસ્મિત વદને જ તેને રાજી રાજી રાખે.’પતિ  પરમેશ્વર’ની લુપ્ત થતી ભારતીય  ભાવના તેના રોમ રોમમાં,તેના  અણુ અણુમાં,તેના શ્વાસ શ્વાસમાં ઝળકતી જોઈ  પ્રસન્ન  વિચારતો કે “કયા જન્મે  આ સેવાનો બદલો હું ચૂકવી શકીશ?” તેની વાર્તાઓ અગાઉ તો  સારા અક્ષરે પ્રેસ કોપી બનાવી જુદા જુદા સામયિકોમાં મોકલી પ્રકાશિત કરાવી દેતી પત્ની પાર્વતી તો તેના માટે સાક્ષાત સરસ્વતી સ્વરૂપ બની જતી એ પણ તે કેમ કરીને ભૂલે? અને હવે તો અત્યારે  જયારે પોતે લખવા જ  સક્ષમ ન રહ્યો ત્યારે પોતે  ડિક્ટેટ  કરી-કરાવી વાર્તાઓ લખાવડાવે ત્યારે કેટલી ધીરજ અને શાંતિથી એ મોતી  જેવા સુંદર અક્ષરોમાં એ વાર્તાઓ લખી લે, પ્રકાશિત કરાવી દે એ અનુભવ તો તેને જીવવા માટે સંજીવની સ્વરૂપ દેખાવા- સમજાવા લાગ્યો.

 અને વચમાં વચમાં માથું,વાળ,ગાલ પર પ્રેમપૂર્વક તેનો સુંવાળો હાથ પસારે ત્યારે તો એ મધુર સુંવાળા સ્નેહાળા , હુંફાળા સંસ્પર્શનો તો સુખદ  અનુભવ તેને પુલકિત પુલકિત કરી મૂકતો.તે પોતે પણ પ્રયત્નપૂર્વક તેનો  આંખોથી જ  સ્પર્શ- સુખ માણી  લેતો કારણ કે તેના હાથ,પંજા, આંગળા નિર્જીવ થઇ ગયા હતા.સ્પીચ- થેરપી સફળ થઇ હોવાથી બોલી શકાતું હતું એ જ સુખનો એક માત્ર આધાર કહો તો આધાર અને જીવવા માટેનું એક માત્ર મનગમતું કારણ કે બહાનું જે  કહો તે  હતું. 

પતિની આવતા જન્મે પોતે કરેલી સેવાનો બદલો વાળવાની વિચિત્ર વાત સાંભળી પાર્વતી બોલી ઊઠી:” આવું અશુભ  અશુભ કેમ બોલો છો? શુભ શુભ બોલો.મને આવતા જન્મે તમારા જેવી પરાધીન બનાવી મારી સેવા કરવાનો ગંદો વિચાર પણ તમને કેમ કરીને આવ્યો? હા,ભવે ભવે ભવ આપણે  જ જીવનસાથી બનીએ એ સપનું સાકાર થાય એ મને સ્વીકાર્ય છે.પણ આપણે બેઉ આવતા ભવે, સારા માનવતાવાદી ડોકટરો બની આવા પરાધીન બીમારોની સેવા કરી સુખી સુખી થઈએ એ જ મને સો ટકા મંજૂર છે.”

પાર્વતીની ભવે ભવ જીવનસાથી બની માનવસેવા અર્થે જન્મવાની ભાવના  પ્રસન્નને પ્રસન્ન પ્રસન્ન કરી ગઈ.

(સમાપ્ત)  

Previous Older Entries Next Newer Entries

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.