આદર્શના ઉજાસે…

ધ્રાંગધ્રા નિવાસી અને એ વર્ષનું, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પ્રાપ્ત કરનાર,પોતાની જ જ્ઞાતિના આદર્શતમ શિક્ષક સુમંતભાઈના એક માત્ર સુપુત્ર કુંવરજીભાઈ સાથે પોતાની પુત્રીનું સગપણ કરી  રાષ્ટ્રનેતાએ એક પ્રકારનો હાશકારો અનુભવ્યો.દેશની આઝાદી માટે દેશસેવાને સમર્પિત એવા સ્વદેશી આંદોલન ચલાવનાર એ સર્વપ્રિય મહાનાયકનો એક પુત્ર વિધર્મી  થઇ જતા,દાદાએ, સમયસર પૌત્રીનું વેવિશાળ સાદાઈપૂર્વક કરીને,એટલી જ સાદગીથી તેના લગ્નની પણ તૈયારી કરી લીધી. વેવાઈ-વેવાણને જણાવી દીધું કે જાનમાં પચ્ચીસથી વધુ જાનૈયા આવશે તો કેવળ માત્ર લીંબુનું શરબત જ પીરસાશે.જો સંખ્યા પચ્ચીસની અંદર અંદર હશે તો સાદું સાત્વિક એવું એક મિઠાઈ-ફરસાણ સાથેનું ભોજન એક ટંક માટે પીરસાશે. જાનની વિદાય પણ એ જ સાંજે થશે.

આવા મોટા દેશનેતાની પૌત્રીના લગ્ન પોતાના કુટુંબીના પુત્ર સાથે થતું જોવા, ચાર આનાની સસ્તા ભાડાની યાત્રા કરવા તો સો સો કુટુંબીઓ તૈયાર થઇ ગયા.જેમતેમ થોડાકને  ઘટાડી જાન રવાના થઇ.કુંવરજીને રેશમી વસ્ત્રોની મનાઈ ફરમાયેલ હોવાથી ખાદીના જ વસ્ત્રો અને ખાદીની જ ટોપી પહેરાવી, જાન રાષ્ટ્ર-નેતાના આશ્રમે પહોંચી તો નારાજ થયેલા દાદાએ તેમને લીંબુનું શરબત જ પીવડાવ્યું.વરના માતાપિતા અને નજીકના કુટુંબીઓને સાદું સાત્વિક ભોજન અલ્બત્ત પીરસ્યું.

કન્યા- દાનમાં રેંટિયો અને ખાદીની પાંચ સાડીઓ આપી અને સાંજ પડ્યે વિદાય પણ આપી.કન્યાના પિતાએ તો હાજરી પણ ન આપી અને દાદા-દાદીએ જ કન્યાદાન કર્યું.કુંવરજીને ખાદી જ પહેરવાનું વચન લેવડાવ્યું,જે કુંવરજીને ગમ્યું તો નહિ,પણ લાજ- શરમમાં હા એ હા કરી દીધી.

કુંવરજી તો રજવાડી સ્વભાવનો  થઇ ગયેલો, કારણ કે તેના બધા મિત્રો રાજ્ય પરિવારના રાજકુંવરો હતા.દારૂ,હુક્કો,પાનના બીડા તો રોજની વાત રહેતી.રેશમી ચાયનીઝ બોસ્કી સિવાય  બીજું કોઈ કપડું તો વરરાજા કુંવરજીને પહેરવું જ ન ગમે.ધોતિયું પણ ફિન્લેનું જ પહેરે.ટોપી પણ રાજ કુંવરો જેવી જરી ભરેલી પહેરે. 

  હમેશા ખાદીની જ સાડી જ   પહેરતી, દાદાની વહાલી દીકરીને,પોતાના દાદાને વચન આપ્યા પછી પણ બદલાઈ જતા તેમ જ રાજ પરિવારના રાજકુમારોની સંગતમાં પતિ હુક્કા -પાણી કરે,કસુંબો પીએ,પાન ખાય તેમ જ સિગરેટ પીએ અને વાર-તહેવારે પત્તાનો જુગાર રમે એ બધું ન ગમ્યું એટલું જ નહિ,બહુ જ ભયંકર લાગ્યું.શું કર્યે સ્વામી હવે આ બગડેલા -વંઠેલા પતિ કુંવરજીના વર્તનમાં પરિવર્તન લાવી શકાય  એ તેની સમજમાં જ  ન આવ્યું.

એવામાં સાયકલ ચલાવતા કુંવરજીને  કોઈ ખટારા સાથે અકસ્માત થયો અને હાથે પગે ફ્રેકચર થતા સરકારી  હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું ત્યારે પતિની સેવા- ભાવના જોઈ કુંવરજી બહુ જ પ્રભાવિત થયો.ખાદીધારી પત્ની સવારના પહોરમાં ગરમ ગરમ દૂધનો ઉકાળો અને ગરમ ગરમ ઘઉંનો શીરો લાવે એટલું જ નહિ,પોતાના હાથે ખવડાવે-પીવડાવે  પણ ખરી -કારણકે તેના તો બેઉ હાથે -પગે તો પાટાઓના પોપટ બિરાજમાન થયા હતા- એ જોઈ તેનું હૈયું ભરાઈ આવ્યું અને આંખોમાં પ્રેમાશ્રુ ઊભરાવા લાગ્યા.તેણે પત્નીને ધીમેથી પૂછ્યું:”તારી આ સેવાના બદલામાં તું જે માંગે તે આપવાનું હું વચન આપું છું.માંગ માંગ માંગે તે આપું.”

“મારા દાદાને આપેલું વચન ન પાળી શક્યા તે તેમની પોતરીનું -મારું -વચન તમે કેવી રીતે પાળશો? ‘મેરુ ડગે પણ વચન ન તૂટે’ તેને વચન- પાલન કહેવાય” એમ કહી દાદા પાસે શીખેલા એક- બે ભજનો ગાઈ સંભળાવ્યા.

આદર્શનો ઉજાસ આંખ સામે ઊભરાવા લાગ્યો અને કુંવરજી બોલ્યા :”મારી આંખ આ તારા આદર્શના ઉજાસે ઊઘડી ગઈ છે.જા આજથી બધા જ વ્યસનોને કાયમી તિલાંજલિ આપવાની અને ખાદી  જ ખાદી પહેરવાની ભીષ્મપ્રતિજ્ઞા લઉં છું.”

 આદર્શના ઉજાસનો આ અનોખો,અદ્ભુત ચમત્કાર જોઈ આદર્શ દાદાની આદર્શ પુત્રીનો પતિપ્રેમ ઊભરાઈને પતિના અશ્રુભર્યા ચહેરા પર અશ્રુ રૂપે ટપકવા લાગ્યો.

 આ દૃશ્ય જોઈ અંદર આવતી નર્સ પણ પોતાના આંસૂ લૂછવા લાગી. 

(સત્ય કથા)                                                                                                                         

( સમાપ્ત)

Leave a comment

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.