તૃપ્તિ…

તૃપ્તિ સ્વભાવે પ્રેમાળ, દેખાવે સુંદર,અને સહુ સાથેના વ્યવહારમાં અતિ માયાળુ હતી.તે છ છ બહેનો માં સહુથી નાની હતી; પણ તે મોટી બહેનોનું, માની જેમ ધ્યાન રાખતી. તેના જન્મ પછી તરતમાં જ તેની માતા, હજી પણ, આટલી લાંબી વાર જોયા પછી યે , પુત્ર ન જન્મતા, નિરાશ અને દુ:ખી થઇ, અંદર ને અંદર સોસવાઈ સૂવાવડમાં ને સૂવાવડમાં  જ  ગુજરી ગઈ. પિતા સમજુ હતા અને ઘરમાં તો તેમના વિધવા બહેન ધ્યાન રાખવા માટે, ઘરકામમાં મદદ કરવા માટે હતા  જ હતા, તેથી તે જમાનામાં,તો સ્મશાનમાં જ બીજા લગ્નની વાતચીત શરૂ થઇ જતી; પણ તોય તેમણે બીજા લગ્ન ન કર્યા  તે ન જ કર્યા.  દીકરીઓ તો વ્હાલનો દરિયો છે અને દીકરીઓએ  પણ દીવા થાય  તે તેમનો અનુભવ હતો, અને તેમાં ય  આ છેલ્લી નાનકી તૃપ્તિથી  તો તેમને પારાવાર સંતોષ હતો. નાની હતી પણ દોડી-દોડી જે કામ સોંપ્યું હોય તે હસતા મોઢે  કરે અને પાછી ઉપરથી પૂછે કે “હવે શું કરું?” તેનું સ્કુલનું લેસન તો તે છેલ્લા રમત-ગમતના પીરિયડમાં  જ કરી નાખતી અને ઘરે આવતા જ ઘરકામમાં હોંસે -હોંસે  મદદ કરવા મંડી પડતી.તેની પ્રકૃતિમાં ભારોભાર સહજ સ્વાભાવિક તૃપ્તિ જ તૃપ્તિ હતી.  

પછી એક બહેનના લગ્ન પણ સમય આવ્યે, સરળતાથી થતા ગયા અને પિતાની આર્થિક સ્થિતિ ઠીક જ હતી, કારણકે જ્યાં તેઓ નોકરી કરતા હતા, તે શેઠ તેમની પ્રમાણિકતા અને પરિશ્રમ જોઈ, તેમને સારો પગાર આપતા અને દિવાળીએ બે પગાર બોનસ તરીકે પણ આપતા, તેથી લગ્નના ખર્ચાઓને તેઓ પહોંચી વળી શકતા.પત્નીએ પણ કરકસરથી ઘર ચલાવતા રહી, સારી એવી બચત કરેલી જ હતી. દીકરીઓ પણ સીધી-સદી ,ઓછી ખર્ચાળ,અને બહુ જ સમજદાર હતી. તેમાંય તૃપ્તિ તો સહુથી એક વેંત વિશેષ ચડિયાતી હતી. તેને બહુ જ શોખ હતો ટ્યુશન કરી કરી, નાના-નાના બાળકોને ભણાવવાનો અને જે થોડી-ઘણી વધારાની આવક થાય  તે પોતાની મોટી બહેનોના સંતાનોને અવારનવાર,પ્રસંગોપાત  અથવા એમ જ આપતી રહી, ખુશ રહ્યા કરતી. થોડા રૂપિયા પોતે બચાવતી પણ ખરી.

તે ભણતા-ભણતા જ ટ્યુશનો કરતી રહેતી. ધીરે-ધીરે તેણે બી.એ.સાયકોલોજી  સાથે પૂરું કર્યું અને તે પછી તે જ વિષયમાં એમ.એ. પણ કરી લીધું. બહેનોમાં તે સહુથી વધુ ભણી શકી અને લગ્ન માટે પિતા કે ફોઈબા આગ્રહ કરે, તો હજી તો મારે પી-એચ.ડી.પણ કરવું છે, કહી લગ્ન ઠેલ્યે  જતી હતી.તેને પોતાને પોતાના એક નિજી શારીરિક પ્રોબ્લમની, હોર્મોન્સના વિચિત્ર પ્રોબ્લ્મની જાણ હતી, જે તે કોઈ કરતા કોઈને,  જણાવવા નહોતી માંગતી. તે માસિક ધર્મમાં બેસતી જ નહિ. તેથી તેને લગ્ન માટેનું આકર્ષણ પણ નહિવત  જ હતું.તેની ઉમર વધતી જતી હતી અને હવે તો તે લગભગ ત્રીસની થવા આવી હતી, થી તેના  પિતા અને ફોઈબા તેના માટે, બીજવરની  જ  શોધ  કરી રહ્યા હતા. તે જુના જમાનામાં ત્રીસ-બત્રીસ વર્ષનો કોણ કુંવારો તેની રાહ જોઈ બેઠો હોય? તે તો પરણવા જ નહોતી ઇચ્છતી અને તેણે હવે હિમત કરી પોતાની શારીરિક હોર્મોનની તકલીફની વાત પણ કહી જ દીધી.પરંતુ તોય પિતા અને ફોઈબા તેને કુંવારી જ કુંવારી રાખી મૂકવા તૈયાર ન હતા, તેથી નસીબજોગે એક અમેરિકાથી પોતાની  મા  વગરની થઇ ગયેલી દીકરીઓના ઉછેર માટે અને પોતાની પણ બહુ ઉમર ન થઇ હોવાથી કમ્પની માટે, યોગ્ય પાત્ર શોધવા આવ્યો હતો. તેનું નામ હતું હરીશ।. બહુ જ સીધોઅને ભલો માણસ હતો. હરીશનો દેખાવ પણ પ્રભાવશાળી હતો, એટલો મોટો દેખાતો ય નહોતો, અને કોણ જાણે કેમ તૃપ્તિને તે ક્લિક થઇ ગયો અને હરીશને પણ પરણતા પહેલા, સ્પષ્ટ વાત કરી દીધી કે  પોતે કદિ  માતા થવાની જ નથી.તેથી તો હરીશ વધુ પ્રસન્ન થયો કે પોતાની બન્ને દીકરીઓને આ તૃપ્તિ, સગી માના કરતા પણ વિશેષ પ્રેમ અને ધ્યાનથી મોટી કરશે.
તાત્કાલિક આર્યસમાજી પદ્ધતિથી હરીશ-તૃપ્તિના લગ્ન થયા અને એ દિવસોમાં તે સંભવ હતું તેથી હરીશ, પોતાની સાથે જ, તૃપ્તિને અમેરિકા લઇ જઈ શક્યો. પોતાની બંને દીકરીઓને તે પોતાની બહેનને ત્યાં મૂકીને આવેલો. પ્લેનમાં પહેલી જ વાર બેસી,ત્યાં અમેરિકાના જે.એફ.કે. એરપોર્ટ પહોંચાતા જ,તે  છક્ક રહી ગઈ.  . ત્યાંની ચોક્ખાઈ જોઈ,અદ્ભુત વ્યવસ્થા નિહાળી તે ચકિત અને પ્રભાવિત થઇ ગઈ.
બહાર નીકળતા જ પોતાની નણંદને મળી, તેણે તેમને પ્રણામ કર્યા અને બેઉ દીકરીઓને વ્હાલથી ચૂમી લઇ,ગળે ભેટી,તેમના નામો પહેલેથી હરીશ પાસેથી સાંભળી-જાણી લીધેલા હોવાથી તેમના નામ લઇ લઇ,”કેમછે, બેટા સોનિયા ? કેમ છે,બેટા નેન્સી ?” તેમ સહજ સ્વાભાવિક સ્વરૂપે મનથી
 પ્રેમ વરસાવતા પૂછ્યું.નાની દીકરી નેન્સી તો,પહેલેથી  ફોઈબાએ કહી રાખેલું એટલે અને તૃપ્તિનો  લાગણીભર્યો   સહજ-સ્વાભાવિક સ્નેહ જોઈ “મમ્મી મમ્મી “એમ હોંસથી બોલી ઊઠી. પરંતુ મોટી દીકરી સોનિયા તો મોં ચડાવી “હેલો” એટલું જ બોલી. બેચાર દિવસમાં તો તેણે અમરિકાના સાધનો વાપરવાનું સમજી-શીખી લીધું અને બેઉ દીકરીઓને પ્રેમથી “બેટા,નેન્સી,બેટા સોનિયા”એમ હરખાઈ-હરખાઈ બોલતી રહેતી.

 નાની  નેન્સી તો મમ્મી -મમ્મી કહેતી થઇ ગઈ;પણ પપ્પા હરીશના અને ફોઈબાના કહેવા છતાય સોનિયા આ નવી મમ્મી ને ‘મમ્મી’ કહેવા કોઈ રીતે તૈયાર ન થઇ તે ન જ થઇ. ગુજરાતી આવડતું હતું, તોય અમેરિકન સ્ટાઈલથી અંગ્રેજીમાં જ મિતાક્ષરી પદ્ધતિ અપનાવી પરાણે  જરૂર પૂરતું જ ‘ યસ,નો, યા-યા.ઓ.કે ‘  એવું અને એટલું જ બોલે.ફોઈબા તો પોતાને ઘેર ચાલ્યા ગયા અને પતિ હરીશ પોતાના જોબ પર વહેલો-વહેલો સવારના સાત વાગ્યામાં નીકળી જાય,દીકરીઓ બસ આવતાજ સ્કુલે રવાના થાય અને બધાને વહેલી ઊઠી લંચ તૈયાર કરી સાથે આપી જ દે તૃપ્તિ. અને તે પછી પોતે  નાહી -ધોઈ તૈયાર થઇ,પૂજા-પાઠ કરી, પતિએ કરી આપેલી વ્યવાસ્થાનુસાર, કાર-ડ્રાઈવિંગ શીખવા ચાલી જાય અને ત્યાંથી પાછી આવી પોતાનું લંચ ખાઈ-પી સાંજના રસોઈ-પાણી શરૂ કરી દે. કાર આવડી ગઈ અને લાયસન્સ મળી જતા જ દર ત્રીજે દિવસે ગ્રોસરી  લેવા  જાય, અઠવાડિયે એક વાર ઇન્ડીયન ગ્રોસરી લેવા જાય અને શનિ-રવિએ પતિ સાથે, વીકલી લોન્ડ્રી,ઘરની સાફ-સફાઈ,બાથરૂમની ક્લીનિંગ વી.  કરવા મંડી પડે. ધીરે-ધીરે તેને એક સ્કુલમાં ટીચરનો જોબ પણ મળી ગયો.
તે રોજ બેઉ દીકરીઓને હોમવર્ક કરાવે,પ્રેમથી વાર્તાઓ કહે; પણ મોટી દીકરી ધરાહાર તેને મમ્મી કહેવા રાજી ન થઇ તે ન જ થઇ. તે અગિયાર વર્ષની હતી અને પોતાની મમ્મીને ઠેકાણે આવેલી તૃપ્તિને તે ન તો મમ્મી માનવા તૈયાર હતી કે ન કહેવા. હરીશે બહુ સમજણપૂર્વક પોતાની પ્રથમ પત્નીનો ફોટો પણ ઘરમાં ક્યાંય રહેવા દીધો ન હતો, તેમ જ તેની યાદગાર જેવી કોઈ તેની ચીજ પણ ઘરમાં રહેવા દીધી ન હતી. તૃપ્તિ ને બહુ ઈચ્છા હોવા છતાંય હરીશે તેનો ફોટો સુદ્ધા પણ ન બતાવ્યો તે ન જ બતાવ્યો.
પતિ હરીશની સિગારેટ પીવાની આદત તૃપ્તિએ સમજાવી-બુઝાવી છોડાવી.તેને ખબર હતી કે હરીશની પત્ની કેન્સરથી જ મરી હતી.તે સમજાવતી કે પેસીવ સ્મોકિંગથી પણ કેન્સર થાય અને પુત્રીઓને તેની અસરથી બચાવવા તેણે તે ખોટી નકામી આદત છોડવી જ જોઈએ. ડ્રિન્ક્સ પણ પાર્ટીઓમાં કે ક્યારેક જ પીવા જોઈએ, તેમ પણ તે હરીશને પ્રેમથી સમજાવતી અને હરીશ તેની  સદભાવનાપૂર્ણ  લાગણીને માન  આપી તૃપ્તિનું કહ્યું માનતો પણ  થઇ ગયો.
સોનિયા-નેન્સીને સારા સંસ્કારો મળે તે માટે તે દિલથી પ્રયાસ કરતી રહેતી.દરરોજ માતાજીની પૂજા-પ્રાર્થના અને આરતી કરીને  જ રાતે જમવાનો તેણે નિયમ  બનાવી દી ધો.સોનિયા મને-કમને તેમ કરતી તો ખરી-પિતાના ડરથી; પણ તેને આ નવી  માતા  માટે ન પ્રેમ હતો કે ન માન હતું.તેમ કરતા કરતા બેઉ દીકરીઓ મોટી થતી ગઈ અને સોનિયાની સ્વીટસિક્સટીન ઉજવવાનો મોટો ધામધૂમવાળો  ખુશીનો પ્રસંગ પણ નજીક આવી ગયો.

તે હવે ડ્રાઈવિંગ પણ કરવા લાગી ગઈ હતી અને તેને  તેના સોળમા જન્મદિવસે નવી કાર પણ સરપ્રાઈઝ ગિફટ તરીકે આપવાની પૂરી તૈયારી  સુદ્ધા  કરી લેવામાં આવી હતી. તેની સ્વીટસિક્સટીન પાર્ટી ન્યુયોર્કની ભવ્ય હોટલમાં ગોઠવવામાં આવેલી અને તેમાં ફૈબા-ફુઆના પરિવાર ઉપરાંત હરીશ-તૃપ્તિના મિત્રો,સોનિયા-નેન્સીના મિત્રો વી. મળી લગભગ  સો જેટલા મહેમાનો પણ આવેલા.સોનિયાના નામ અને ફોટા સાથેની કેક પણ મીણબત્તીઓ વચ્ચે શોભી રહી હતી.સોનિયાએ કેક કાપી, પહેલા પિતાને,પછી નેન્સીને અને છેલ્લે તૃપ્તિને ચખાડી અને આ ત્રણેય વારાફરતી તેને ચખાડવા લાગ્યા.

ફોટા-વિડીઓ  લેવાઈ  રહ્યા હતા અને તે પછી એપીટાઇઝર પીરસાયા. તે બાદ સોનિયાએ આભારના બે શબ્દો કહ્યા,તેની નાની બહેને મોટી બહેનની પ્રશસ્તિ કરી,તેની ખાસ બહેનપણીઓ અને બોયફ્રેન્ડોએ પણ કોન્ગ્રેચ્યુલેશનના બે શબ્દો કહ્યા અને છેલ્લે પિતા હરીશે અને માતા તૃપ્તિએ સોનિયાના પેટ ભરીને વખાણ કર્યા.તે પછીનું જમવાનું  ડિનર પણ સરસ અને સ્વાદિષ્ટ હતું. અંતે સોનિયા પોતાની નાની બહેન નેન્સીને અને બીજી બે-ત્રણ બહેનપણીઓને લઇ, પોતાના ઘર સુધી, શોખથી ડ્રાઈવ કરવા, અને થોડું  ચકકર મારવા નીકળી પડી. હરીશ અને  તૃપ્તિ પોતાની કારમાં ઘેર ગયા.

પણ હજી ઘેર પહોંચ્યા-ન પહોંચ્યા કે બે-પાંચ મિનિટમાં જ પોલીસનો અને હોસ્પિટલનો ફોન આવ્યો કે સોનિયાથી કારનો અકસ્માત થઇ ગયો છે અને બીજા સહુને તો નહિવત જ ઈજા થઇ છે ; પણ સોનિયાને હાથે- પગે,   માથે-મોઢે, સારું એવું વાગ્યું છે. દોડીને બન્ને હોસ્પિટલ પહોંચ્યા અને જાણ્યું કે કોઈ  ડ્રન્કન –
ડ્રાઈવરથી આ અકસ્માત થઇ ગયેલો છે;  અને તે તો પોલીસ-સ્ટેશનમાં છે. પણ સોનિયાની હાલત જોઈ  હરીશ-તૃપ્તિ રડી પડ્યા. હરીશને તો પોતાના મોટા પ્રોજેક્ટના કારણે લાંબી  રજા મળે તેમ ન હોવાથી, તૃપ્તિએ પોતાની સ્કુલમાંથી  કપાતા પગારે લાંબી રજા લઇ લીધી અને સવાર-સાંજ-રાત હોસ્પિટલના આંટા માર્યા કરતી. સોનિયાને હોસ્પિટલનું જમવાનું તો જરા એટલે જરાય ભાવે તેવું ન હોવાથી, તૃપ્તિ જ તેના માટે ફરતું-ફરતું, તેને ભાવે તેવું,  બનાવી લઇ જતી અને પોતાના હાથે પ્રેમથી જમાડતી.પૂરા એક મહિના બાદ તેના ફ્રેકચરનાં પ્લાસ્ટર છૂટ્યા  અને મોં -માથાના ઘા રૂઝાયા. જયારે સોનિયાને ઘેર લાવ્યા, ત્યારે સહુથી પ્રથમ તેને ઘર-મંદિરમાં લઇ જઈ, નેન્સીની બાજુમાં સાચવીને બેસાડી,પોતે અને હરીશે, પણ માતાજીની સમક્ષ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પ્રાર્થના ગાઈ:

 “રિદ્ધિ દે,સિદ્ધિ દે,અષ્ટ નવનિધિ દે; વંશમે વૃદ્ધિ દે બાક્બાની !

 હૃદયમેં જ્ઞાન દે, ચિત્તમે  ધ્યાન દે,અભય વરદાન દે શંભુરાની!                                        

  દુ:ખકો દૂર કર, સુખ ભરપૂર કર, આશ સંપૂર્ણ કર દાસ જાની,                                                      

સજન સો હિત દે, કુટુમ્બ્સો પ્રીત દે, જગમેં જીત દે, હે ભવાની”

અને બંધ આંખે આ પ્રાર્થના-સ્તુતિ કરીને, જ્યાં તૃપ્તિએ આંખ ખોલી તો જોયું કે સોનિયા તેના ચરણોમાં પડી પડી, રડતા અને ગળગળા સ્વરે કહી રહી હતી:
 “મને માફ કરો, મમ્મી ! મને માફ કરો મમ્મી! હવેથી મને, તમને મમ્મી કહેવાની, દિલથી પરમિશન આપો, મારી વ્હાલી મમ્મી!  આપશોને મને પરમિશન?”આ સાંભળી, પહેલી વાર, તૃપ્તિએ  જીવનની સાચી-ઊંડી-અંતરની સંતૃપ્તિનો અનોખો,અનેરો,અનન્ય તેમ જ  અદ્ભુત અનુભવ કર્યો.માતાજીની છબી આશીર્વાદ વરસાવી રહી હતી તૃપ્તિએ તૃપ્ત પુત્રી,સંતુષ્ટ પત્ની અને સંતૃપ્ત મમ્મી હોવાનો સાર્થક, ધન્ય અનુભવ કર્યો.

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.