થ્રી ઈડિયટસ

છેલ્લા શોમાં ‘થ્રી ઈડિયટ્સ’ મૂવી જોઈ, થીયેટરની બહાર નીકળતા જ,ત્રણે ય મિત્રો ખુશખુશાલ મૂડમાં પોતાની બાઈક પર સવાર થઇ હોસ્ટલ તરફ રવાના થવાની તૈયારી કરી જ રહ્યા હતા ત્યાં લતીફે કહ્યું :”યાર, કાલે મારો બર્થ ડે છે તો ત્યાં હોસ્ટલ પાસે તો કેક મળશે નહિ એટલે અહીંથી જ કેક ખરીદીને જઈએ.’ઝમઝમ બેકરીની ‘પાઈન એપલ કેક’ વર્લ્ડ બેસ્ટ કેક હોય છે.અત્યારે હોસ્ટલ પહોંચીને રાતે બાર વાગ્યા પછી તો મારો હેપી બર્થ ડે  ધમાલ ધમાલ સાથે ઉજવી, જલસો કરીશું,નાચ -ગાન  કરીશું -આજની ફિલ્મના થ્રી ઇડિયટ્સની જેમ.’

તરત તેમણે બાઈક લીધી ‘ઝમઝમ બેકરી’તરફ.કેકની કિંમત સાંભળીને ત્રણે ય એક બીજા સામે જોતા રહી ગયા.પૂરા બસ્સો રૂપિયા.ત્રણેય  ય દોસ્તારો શર્ટ-પેન્ટના બધા ખિસ્સાઓ ફંફોળતા રહ્યા,ફંફોસતા રહ્યા તો ય કેકની કિંમતના અડધા પૈસા ય ન નીકયા.નિરાશ તો થયા;પણ હોંસભરી ઈચ્છાએ હિમતભર્યો રસ્તો સૂઝાડ્યો.

અરે,મન હોય તો માળવે જવાયચાલો,આપણી  બેન્કના એ. ટી.એમમાંથી બસ્સો રૂપિયા કાઢી આવીએ.” ત્રણે ય દોસ્તોના મોઢામાંથી એક સાથે સૂઝેલા રસ્તાની વાત તરત નીકળી.  જોરથી હસતા હસતા એક બીજાને તાળી દેતા,પોતે જ પોતાની પીઠ થાબડતા ત્રણે ય પહોંચ્યા બેન્કની પાછળની નાની ગલ્લીમાં આવેલ  એ.ટી.એમ મશીન મૂકેલા નાનકડા રૂમ પાસે.ત્યાં પહોંચી જોયું તો કોઈ ગાર્ડ પણ ન દેખાયો એટલે અધખુલો દરવાજો પૂરો ખોલી ત્રણે ય એ નાનકડા રૂમમાં પ્રવેશ્યા  અને લતીફે પોતાનું એ.ટી .એમ કાર્ડ બસ્સો રૂપિયા કાઢવા માટે નાખ્યું.

 હજી કાર્ડ નાંખ્યું ન નાખ્યું કે એકએક એ.ટી.એમ મશીનનો કોણ જાણે કેમ ભૂલથી ખુલ્લો રહી ગયેલો  દરવાજો એકએક પૂરો ને પૂરો ખુલી ગયો અને ધડ ધડ કરતી પાંચસો પાંચસોની,સો  સોની,પચાસ પચાસની,વીસ વીસની અને દસ દસની નોટોની  થોકડીઓ ને થોકડીઓ પડવા માંડી.આટલા બધા રૂપિયા પહેલી જ વાર એક સાથે પડતા જોઈ ત્રણે ય બાઘા બની ગયા,હક્કાબક્કા રહી  ગયા.તેમની આંખો પણ ફાટીને ચકળ વકળ થવા લાગી.”આ તો હજારો લાખો રૂપિયા છે.સારું થયું આપણે આવ્યા અને આવું થયું.ગાર્ડ પણ નથી તો હવે શું કરીશું? ચાલો,આપણા  સેલ ફોનથી એક સો નંબર લગાડી, પોલિસ- કંટ્રોલ રૂમમાં આ બાબતની જાણ કરીએ અને બેન્કમેનેજરનો સેલ નંબર પણ સેવ કરેલો છે તેને પણ ઇન્ફોર્મ કરીએ.”

તરત જ તાબડતોબ ફોનો લગાડ્યા અને જોતજોતામાં તો પોલિસ કંટ્રોલ રૂમમાંથી પોલીસ અધિકારીઓ દોડાદોડ આવી ગયા અને બેંક મેનેજર પણ ઘાંઘો થતો,આંખો ચોળતો આવી પહોંચ્યો.પોલીસ અધિકારીઓએ બેંક મેનેજરને ધમકાવ્યો કે “ન તો  આ એ.ટી.એમ મશીનના રૂમમાં સી.સી.ટી.વી કેમેરો છે કે ન ગાર્ડ પણ છે.આવી બેદરકારી?”             ત્રણેય દોસ્તારો તો પોલીસ અધિકારીઓ અને મેનેજર સાથે નોટોની થોકડીઓ ભેગી કરી તેઓ સાથે લાવેલ ઝોળામાં ભરવા લાગ્યા. ત્રણેય ને પૂછવામાં આવ્યું કે” આટલી રાતે કેમ આવ્યા,કોણ છો અને આ બધું બન્યું કેવી રીતે?”

બિલકુલ શાંતિથી સ્વસ્થ રહી ત્રણે ય એક બીજાના પૂરક બની, “બર્થ ડે કેક ખરીદવા માટે ‘ઝમ ઝમ બેકરી’માં તેની કિંમત, ખીસાની પહોંચની બહાર જોઈ-જાણી  આ પાસેના જ  આવેલા એ.ટી.એમ મશીનની મદદથી બસ્સો રૂપિયા કાઢવા આવેલા અને કાર્ડ નાખતા જ ધડ ધડ નોટોની થોકડીઓ પડતા ગભરાઈ જઈ સતર્ક થઇને તાત્કાલિક  પોલીસકન્ટ્રોલ રૂમ પર અને બેંક – મેનેજરના સેલ નંબર પર ફોન કરવા લાગી ગયા.હવે અમે હોસ્ટલ પાછા જઈ શકીએ? “

તેમની  વિવેકપૂર્ણ વિનયભરી વાતચીતથી પ્રભાવિત થઇ પોલીસ અધિકારી તેમ જ  બેંક મેનેજર પ્રસન્ન અને પ્રભાવિત થયા.પોલીસ અધિકારીએ તો આદત પ્રમાણે પૂછ્યું પણ ખરું :”તમારામાંથી કોઈને આટલા બધા રૂપિયા જોઇને લાલચ ન થઇ કે ચાલો મફતમાં મળે છે અને કોઈ જતું નથી તો હડપ કરી લઈએ ?”

લતીફ બોલ્યો:”ય ખુદા! ખુદા  ઔર ખુદ તો દેખને વાલે હમેશા આસપાસ ચારોં તરફ હાઝિર રહતે  હી હૈ ન ? ઔર હમારે માંબાપ કી સીખ- નસીહત ક અસર હૈ,ઉનકી મેહરબાની હૈ  કિ  હમારે મનકે અંદર પલભર કે લિયે ભી ઐસા ખ્યાલ તક નહિ આયા.”

બીજા બેઉ મિત્રોએ પણ પોતાના માબાપે  આપેલા  સંસ્કારોને જ શ્રેય આપ્યો કે

અણહકનું કે હરામનું તો લેવાય જ કેવી રીતે?”

પોલીસ અધિકારી બોલી ઊઠ્યો:”કુછ સોને કા  કમાલ  રહતા હૈ કુછ સુનાર કા. કુછ તુમ્હારા  કુછ તુમ્હારે માંબાપકા.બાકી હમ તો દેખતે હૈ ઔર સુનતે હૈ કિ  બચ્ચે માંબાપ સે ઝૂઠ બોલ કર, ઝૂઠે બિલ ભેજ કર, પૈસે મંગા કર, મૌજ મસ્તી કરતે રહતે હૈ.ખુદા ક  શુકર માનો કિ તુમ ઝમાનેકી બુરી અસર સે બચ સકે હો.”

“સારા ક્રેડિટ   હમારે માંબાપકો દીજિયે. ઉનકા હમારા અપબ્રિન્ગિંગ ઉમદા રહા.”

 “ઠીક હૈ,સમ્હાલ કે જાઓ ઔર અપને  હોસ્ટલ રૂમ ક  પતા નોટ કરા  કે જાઓ.કલ ઇતવાર હૈ.આરામ સે ઉઠના.”

 બધી વિગત આપી- નોંધાવી, ત્રણે ય  મિત્રો હોસ્ટલ પહોંચ્યા.સવારે મોડા મોડા ઊઠ્યા તો બ્રશ પાણી કરી,નિત્યકર્મ પતાવી ચા નાસ્તા માટે મેસમાં પહોંચ્યા તો એકી સાથે વિદ્યાર્થીઓએ,યુનિવર્સીટીના અધિકારીઓએ,પોલીસ અધિ કારીઓએ તેમ જ બેન્કના અધિકારીઓએ “હેપી બર્થ ડે લતીફ એન્ડ હેપી ડે તો યુ ઓલ થ્રી ફોર યોર ઓનેસ્ટી એન્ડ સિન્સિયારિટી.યોર ન્યુઝ અપિયર્ડ ઇન ઓલ ન્યુઝ પેપર્સ એન્ડ ઓલ ચેનલ્સ ઓફ ટી ..વી.યુ થ્રી આર ગ્રેટ ગિફ્ટ્સ  ટુ યોર પેરન્ટ્સ એન્ડ  ટુ અસ ઓલ.”

 અને એ ખુશ ખુશાલ વાતાવરણમાં બેર્હ્ડે કેક કાપી અને બધાએ એક સ્વરે” હેપી બર્થ ડે લતીફ અને હેટ્સ ઓફ ટુ યુ થ્રીઈડિયટ્સ”

કહી તાળીઓના ગડગડાટથી મેસનો રૂમ ગૂંજવી દીધો. એ  ગૂંજે,એ ગુંજારે ,એ ગુંજારવે આસપાસ અને ચોતરફ પ્રતિઘોષના,પડઘાના નિનાદ, સમુદ્રના મોજાની જેમ ઘૂઘવી મૂક્યા.

(સમાપ્ત)

(સત્ય ઘટનાત્મક વાર્તા )

(‘થ્રી ઈડિયટસ’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

દિલખુશ…

દિલખુશ મારી પહેલી સ્ટુડન્ટ.હું પ્રોફેસર તો બન્યો તેના પછી છેક પાંચ વર્ષે ; પણ આ પાંચ વર્ષની હસતી- બોલતી  દિલખુશનું  ટ્યુશન મારા પોતાના શોખ  અને આગ્રહના  કારણે  મારા શિક્ષક પિતાશ્રીએ મને અપાવેલું, પારસી પરિવારને આ એક માત્ર લાડકી પુત્રીને મારી સત્તર   ઉમરે અક્ષરજ્ઞાન -અંક જ્ઞાન કરાવવામાં અને સાથે ‘પોપટ કમાઈને આવ્યો છે’ અને એવી એવી વાર્તાઓ કહેવા- સંભળાવવામાં મારું દિલ પણ મારી સ્ટુડન્ટ દિલખુશની જેમ જ ખુશ ખુશ રહેવા લાગ્યું.  તેના પિતાને એરેટેડ વોટર્સની ‘દિલખુશ કોલ્ડ ડ્રિન્ક્સ’ના નામની ફેક્ટરી હતી અને મને દર રોજ એક વિમટો ડ્રિંક  નિયમિત પીવા મળતું તે મારા દિલને સવિશેષ ખુશ ખુશ કર્યા કરતું.એ દિવસોમાં ટ્યુશન ફી મારા પિતાશ્રીને પણ દસ- પંદર રૂપિયા જ મળતી, એટલે મને મહિનાના અંતે દિલખુશના પિતાએ પાંચ રૂપિયાની નવી નક્કોર કડક નોટ ફી પેટે આપી ત્યારે મને મારી પહેલી કમાણીનો નશો -આનંદ-સંતોષ ભરપૂર થયો..એ જ અરસામાં મેં એક વાર્તા પણ ‘સવિતા’માં લખેલી જેના પુરસ્કાર રૂપિયે પણ મને એટલાજ રૂપિયાનો મનીઓર્ડર આવેલ,જેની પહેલા લેખનની પહેલી  પહેલી કમાણીની ખુશીની યાદ આજે પણ મને ખુશ ખુશ કરી મૂકે છે.

દિલખુશના પિતા પોતાની દીકરીના રોજ ભણતા રહેવાના રૂટિનમાં કોઈ બ્રેક પસંદ ન ચાહતા હોવાથી, મને રવિવારે પણ તેને ભણાવવા માટે એ જ સમયે હાજર થવા માટેના આગ્રહી હતા.પહેલા રવિવારે હું રવિવારની રજા પાળીને ન ગયો તો મને બીજા દિવસે  લેક્ચર મારતા કહ્યું:”તમે ક્રિશ્ચિયન છેઓ ?ચર્ચ જાઓ છેઓ ? હિંડુ  થઈને સન્ડે હોલીડે સાના મનાવો છેઓ? વર્ક ઈઝ વર્શિપ ! તમારે સન્ડે પણ આવવાનું અને તેના હું મહીને બે રૂપિયા વઢારાના ડેવસ.”

પછી તો હું તહેવારના દિવસોએ પણ દિલખુશને નિયમિત ભણાવવા જતો..મારા બર્થડેના દિવસે પણ ગયો તો દિલખુશના મમ્મા -પપ્પાએ ખુશ ખુશ થઇ મને ગિફ્ટમાં પૂજ્ય ગાંધી બાપૂની ઓટોબાયોગ્રફી આપી,જે વર્ષો  સુધી મારી યાદગાર ભેટ રહી અને જે હું વારંવાર વાંચતો પણ રહ્યો.ત્યારે હું ખાદીધારી હતો એટલે જ કદાચ તેમણે મને ગાંધી બાપૂની ચોપડી આપી હશે.ગાંધીજીના અક્ષર સારા નહોતા જે બદલ તેમને અફસોસ રહ્યા કરતો તે વાત કહી કહી હું દિલખુશને સુંદર,સરસ,સુડોળ અક્ષરે લખવા શીખવતો. તેના માટે ડબલ લાઈનવાળી,ચાર લાઈનવાળી,સુલેખન માટેની નોટબુકોમાં તેને ખૂબ ખૂબ પ્રેક્ટિસ કરાવતો.તેના સુંદર અક્ષરોથી તેના મમ્મા-પપ્પાના દિલ પણ  મારા અને દિલખુશની જેમ જ ખુશ ખુશ થઇ જતા.ધીમે ધીમે મારી ફી પંદર રૂપિયા થઇ ગઈ.

એ અરસામાં મારું, એ દિવસોમાં સામાન્ય રીતે બનતું તેમ, સગપણ નક્કી થયું અને મારે એક મહિનાના સ્કૂલ-કોલેજના વેકેશનમાં મારે મારા વતન જવું પડ્યું, તો તેની જાણ થતા જ ખુશ થઇ એ પપ્પાજી મને કોન્ગ્રેટ્સ કહેતા બોલ્યા:”   ટમે ખુસીથી જાઓ પન મારી દિલખુશને ભનાવવા માટે કોઈ બીજા ભલા સોજ્જા ફ્રેન્ડ ટીચરને બદલીમાં મૂકી જાઓ. તેનું રૂટિન બગડવું નહિ જોઈએ,તેનું રૂટિન અટકવું નહિ જોઈએ.” 

દીકરીના ભણતર માટેના આવવા આગ્રહી પિતાનું મન રાખવા માટે મેં મારા જીગરજાન મિત્રને વિનંતી કરી મારી બદલીમાં એક મહિનો ત્યાં તેને ભણાવવા જવા માટે સમજાવ્યો-મનાવ્યો અને એ મારી દોસ્તીના દાવે માની ગયો.રવિવારે પણ જવા માટે માની ગયો.

 હું આવ્યો તે પહેલા પહેલી તારીખ આવતા એ પારસી પપ્પાજીએ મારા મિત્રને ફીના પંદર રૂપિયા આપ્યા તો તે મારા મિત્રે ન સ્વીકાર્યા  અને કહ્યું:” હું તો મારા દોસ્તની બદલીમાં આવું છું -દોસ્તીના દાવે.તેની ફી તેને જ આપજો.”

પારસીબાવા આવા દોસ્તારની ‘દોસ્તીના દાવે’ની વાત સાંભળી ચકિત થઇ ગયા.પાછું હું આવ્યો અને બીજા દિવસથી ત્યાં જવાનું શરૂ કર્યું, એટલે મને ફીના પંદર રૂપિયા દેવા લાગ્યા, તો મેં કહ્યું:”મેં ક્યા આ આખો મહિનો ભણાવ્યું છે? મારા દોસ્તારને જ આપી દેવા જોઈતા હતા.”

પારસીબાવા મૂંઝાઈ ગયા. અંતે  બોલ્યા:”ખરા છો ટમે બેઉ ડોસ્ટારો,એ બી નહિ લે અને પાછો બોલે હું તો દોસ્તીના દાવે ભણાવવા આવતો હુ તો.તેની ફી તેને જ આપજો.હવે ટમે કેઓ છો તેને આપો.તેને લઈને આવો,હું ટમોને બેઉને લેકચર આપસ -ફી તો નહિ જ ડેવસ.દોસ્તીના દાવે ખરા છો બેઉ -ગાંધીજીની જેમ સત્યાગ્રહ કરવાવાળા.”

બીજા દિવસે અમે બેઉ દોસ્તારો ગયા તો અમને બેઉને દિલખુશ કોલ્ડ ડ્રિંક વિમટો પાઈ અમને બેઉને એક એક કવરમાં પંદર પંદર રૂપિયા આપી જોરદાર લેકચર માર્યું:” આમ સેક્રીફાઈસ કરસો તો ભૂખે  મરશો. હું તો ખુશ ખુશ થઇ મારી દિલખુશને પ્યારથી ભણાવવા માટે ટમોને બેઉને ફીઝ આપી દઉં છું.”નહિ લઉં …નહિ લઉં”નો લવારો બંધ કરો અને ટમે બેઉ દોસ્તારો આવા ને આવા દોસ્તારો જિંદગીભર રહેજો.દોસ્તીથી જ દિલ ખુશ ખુશ રહ્યા કરે.અમારી દિલખુશને ભણાવતા રહ્યા કરો અને તેને તમારા

બ્લેસિન્ગ્સ આપો કે તે ખૂબ ખૂબ ભણીગણી  મોટી ડોક્ટર બની લોકોની સરસ મઝાની સેવા કરે.કોઈ પણ રીતે સેવા કરો તે જ આજનો ઢરમ -તે જ આજનો મેસેજ.”

  અને તેમનું લેકચર સાંભળી અમે બેઉ દોસ્તારો ત્રીસ રૂપિયાની માતબર રકમથી એ સસ્તાવારીના દિવસોમાં ભાગીદારીમાં ફરતું પુસ્તકાલય શરૂ કરી અમારો સાહિત્યિક વ્યવસાય શરૂ કરી બેઠા.હજી પણ ડૉ. દિલખુશને મળવાનું થાય છે ત્યારે દિલ ખુશ ખુશ થાય છે.” તે પણ રમૂજમાં કહે છે:”મારા  પ્રિસ્કીપ્શનના હેન્ડરાઈટિંગ જોઈ મારા પેશન્ટો અને ફાર્મસીઓવાળા ખુશ ખુશ રહ્યા કરે છે.તેની ક્રેડિટ તો આપને જ છે લલિત સર!”

 એ સાંભળી મારું દિલ પણ ખુશ થઇ ગયું -મારી પહેલી સ્ટુડન્ટ દિલખુશના કોમ્પ્લીમેન્ટ સાંભળીને.

(સમાપ્ત)  

 (સત્યઘટનાત્મક વાર્તા)  

(‘દિલખુશ…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)                                                        

ભરબપોરે…

ભર ઉનાળાના આરામના દિવસો. સ્વદિષ્ટ રસાળ કેરીની સીઝન. પ્રોફેસર પંડ્યાને સમર વેકેશનની મોજ મઝાની મસ્તીભરી મસ્ત લહેરખી.સવારના વહેલા ઊઠી ફ્લેટની સામેના જ બગીચામાં સમ ખાવા પૂરતું વોકિંગ કરીને પાછા આવી, ચા-નાસ્તો કરી, તપાસવાના પરીક્ષાના પેપરોનો થોકડો, રોજના નિયમ, મુજબ થોડો  ઓછો કરવાનો કંટાળાભર્યો  કાર્યક્રમ. દર પેપરે એક એક રૂપિયો મળવાની -કમાવાની આશા અને લાલચની લોભામણી વૃત્તિ-પ્રવૃત્તિના આધારે તે શુષ્ક કાર્યમાં રસ-ઉત્સાહ લાવવાનો પ્રયત્ન ત્રણ ચાર કલાક કરીને, સ્નાન આદિથી લાગેલો થાક ઉડાડી,પૂજા કરીને,  પેટપૂજા પર ઉમંગ-ઉત્સાહભેર આક્રમણ કરવામાં જે આનંદ આવતો, એ તો બ્રહ્માનંદ- સહોદરથી પણ વિશેષ વિશેષ  લાગતો. બેપડી ઘી-નીતરતી રોટલી અને રસના ભર્યા ભર્યા છલકાતા સારી એવી મોટી સાઈઝના છાલિયાને ન્યાય આપી,છેલ્લે ભાત અને ફજેતાના, કડક તીખા પાપડ સાથે, સબડકા ભરવામાં જે આનંદ પંડ્યા સાહેબ ને આવતો એ તો અદ્ભુત,અનેરો અને અનોખો જ રહેતો.

 અને તેના પછી “ઉનાળામાં રસ રોટલી ખાધા પછી કરવા જેવું કોઈ કામ હોય તો તે બપોરની સરસ મઝાની લાંબી ઊંઘ”.”નેપ એ ડે કીપ્સ ધ ડોક્ટર અવે” એ કહેવત અને “સૂવા જેવું સુખ નહિ” કહેતા કહેતા, પહેલેથી એ.સી.ચાલુ કરીને ઠંડા કરેલ પોતાના બેડરૂમમાં, પંડ્યા સાહેબ જે દોડીને ઘૂસે, તે સીધા એક- બે- ત્રણ કલાકની, મન ફાવે એટલી લાંબી સરસ મઝાની સ્વીટ સ્વીટ ‘સિએસ્ટા’ની મોજ માણે.

તેમના પત્ની કંચનબેન કામવાળી પાસે રોજિંદુ કામકાજ કરાવતા રહે,સૂકાયેલા કપડાઓની ગડી કરે,સાંજની રસોઈની થોડી તૈયારી કરે,રોજની આદત પ્રમાણે ફર્નીચર પરની ધૂળની, બપોરની બીજી વારની ઝાપટ ઝાપટ કરે, ત્યારે પંડ્યા “હવે ચા પીને પાછા કામે લાગી જવું પડશે” કહેતા કહેતા બગાસા ખાતા ખાતા જાગે અને પાછ બોલે:’જન્મ જન્મના પુણ્યે પ્રોફેસરની નોકરી મળે -સુખ શાંતિની ,આરામની ; પણ એ જ રીતે અનેક જન્મોના પાપે પરીક્ષાના પેપરો  તપાસવાનું ત્રાસભર્યું કામ સિક્કાની બીજી બાજુની જેમ વળગેજેવા નસીબ આપણા.” 

એક દિવસે તેમના ડોક્ટર પુત્ર-પુત્રવધૂ સવારે હોસ્પિટલ જતા જતા કહેતા ગયા કે “અમે કાલે ઓર્ડર આપીને આવ્યા છીએ એટલે આજે બપોર સુધીમાં ગોદરેજ કંપનીનો નવો મિરર અને લોકરવાળો   કબાટ આવશે અને અમારા બેડરૂમનો કબાટ તમારા રૂમમાં ફેરવી અમારા બેડરૂમમાં નવો કબાટ મૂકશે-ગોઠવશે તો લેવલીંગ વિગેરેનું જરા ધ્યાન રાખજો. બપોર સુધી કોઈ કરતા કોઈ કબાટ લઈને આવ્યું નહિ એટલે પંડ્યા સાહેબ તો “એ લોકો કહે- કાલે મોકલીશું.અહી બારતમાં અને તે ય  હૈદરાબાદમાં તો ‘કલ પરસો’ એટલે ક્યારેય મોકલે.તેની રાહ જોવામાં મહામોઘીમૂલી બપોરની ઊંઘ થોડી જ ત્યાગી દેવાય ? અને આવશે તો મૂકાવી દઈશું “કહેતા કહેતા પોતાના એ.સી બેડરૂમમાં, રસ રોટલી ખાઈ- ઝાપટીને જે સૂઈ ગયા તે સાંજે ડ્રોઈંગ રૂમમાં ચા પીને ફરી પાછા બપોરનો પેપર કરેક્શનનો ક્વોટા પૂરો કરવા બેસી ગયા.ચા પીને-પાઈને ઓછાબોલી પત્ની ક્યાંક શાકભાજી અને ગ્રોસરી ખરીદવા ચાલી ગઈ.

પેપરો તપાસતા તપાસતા સમય દોડતો રહ્યો અને ડોક્ટર પુત્ર-પુત્રવધૂ હોસ્સ્પિટલથી ઘરે પાછા આવ્યા તો તેમની સામે જોઈ  પંડ્યા બોલ્યા;”તમારા ગોદરેજ શોરૂમવાળાએ કોઈ કબાટ- ફબાટ મોકલ્યો  નથી.એમ કાલે કહે એટલે કાલે મોકલે જ એવું તે કાંઈ ઈન્ડિયામાં અને તે ય નવાબી શહેર હૈદરાબાદમાં તો બનતું હશે? આવશે કાલે પરમદિવસે.”

ડોક્ટર પુત્ર-પુત્રવધૂ તરત પોતાના બેડરૂમમાં ગયા અને પછી પિતાશ્રી પ્રોફેસર પંડ્યાજીના બેડ રૂમમાં ય ગયા અને બહાર આવીને બોલ્યા;”વાહ,ભાઈ વાહ, તમારી બપોરની ઊંઘ અને તમારો ‘સિએસ્સ્ટા’.ચાર ચાર મજૂરો આવી, અમારા બેડરૂમનો કબાટ તમારા રૂમમાં ફેરવી, અમારા બેડ રૂમમાં નવો કબાટ મૂકી ગયા તોય તમને કોઈ ખળખળાટ ન સંભળાયો? ખરી છે તમારી ભરબપોરે પણ ઘસસાટ  સૂઈ જવાની આદત.! આવો,જુઓ, કેવા જુના- નવા કબાટ બરાબર ગોઠવાઈ ગયા છે તે..”

પંડ્યા તો જઈને બેઉ બેડરૂમમાં ચક્કર મારીને પાછા આવ્યા તો પોતે પણ ચક્કર ખાઈ ગયા કે ભર બપોરે પોતે એવા તે કેવા ભર ઊંઘમાં સૂઈ ગયા હશે કે ન મજૂરોનો બેલ સાંભળ્યો,ન તેમના નવા કબાટને લાવવાનો કે જુના કબાટને બીજા બેડરૂમમાંથી તેમના રૂમમાં લાવાનો કે નવો કબાટ એ રૂમમાં મૂકવાનો કોઈ અવાજ સુદ્ધા સાંભળ્યો !

બન્ને કબાટો જ  તેમની ભરબપોરની વામકુક્ષીના મૂક સાક્ષી હતા.                                                                          

(સમાપ્ત)

(“ભરબપોરે…” વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે)

છૂમંતર…

નિવૃત્ત શિક્ષક નિરંજનભાઈ “દુશ્મનને ય ન આવે આવી બીમારી “એમ મનોમન કહેતા કહેતા, ડોક્ટરપુત્રની રોજ રોજની, રાત દિવસની, એકધારી કાળજીભરી સેવા લઇ લઇને  થાકી ગયા હતા.સાથે જ સાથે પોતાને મહા ભાગ્યશાળી પણ સમજી-અનુભવી રહ્યા હતા કે જયારે બીજા ત્રણ ડોક્ટર દીકરાઓ વિદેશભેગા થઇ ગયેલા,ત્યારે આ ડૉ.ચેતન  માનવસેવા કરવા,દેશસેવા કરવા, વિદેશગમનની સહજ સુગમ તકને છોડીને પણ, ક્દાચ પોતાની આવી એકાએક આવી ઊભેલી ભયંકર બીમારીમાં સેવાચાકરી કરવા જ,  અહીં દેશમાં રોકાઈ ગયો હશે, એમ તેમનું અંતર્મન કહી રહ્યું હતું.

ચાર ચાર પુત્રો મૂકી, જોતજોતામાં ગેલપિંગ બ્લડ કેન્સરથી ગ્રસિત પીડિત પત્ની રંજનબાના, સ્વર્ગે જતા પહેલાના, અંતિમ સંદેશ જેવા આખરી  શબ્દોને બરાબર યાદ રાખી રાખી, તેમણે હવે અનેકગણા મોંઘા થઇ ગયેલ તેના પીયરથી આવેલ સોના-હીરાના ઘરેણા વેચી વેચીને  ય ચારે ય દીકરાઓને ડોક્ટર બનાવ્યા,તેનો તેમને ભરપૂર સંતોષ રહ્યા કર્યો..પોતે તો  જિંદગીભર પંતુજીગીરી કરી કરીને  અને ઘરમાં જ ટ્યુશન ક્લાસો ચલાવી ચલાવીને ય  ચારે ય દીકરાઓને ડોક્ટર તો બનાવ્યા જ બનાવ્યા.બીજો સંતોષ તેમને એ બાબતનો હતો કે પત્નીએ કહ્યા છતાંય અને એકની એક બહેના કે જ્ઞાતિના આગ્રહ છતાંય તેમણે બીજા લગ્ન ન કર્યા તે ન જ કર્યા.દીકરાઓને ઓરમાન માની ભેટ તેઓ કોઈ સંજોગોમાં દેવા નહોતા માંગતા.એ એકની એક વિધવા બહેને બાળકોને સાચવવાની – સંભાળવાની સંપૂર્ણ જવાબદારી સુપેરે પાર પાડી.પોતે પણ ઘરે જ ટ્યુશન ક્લાસ ચલાવતા રહેતા હોવાથી દીકરાઓને પોતાનું પ્રેમભર્યું સાન્નિધ્ય-સામીપ્ય પણ સતત આપતા જ રહ્યા.જરૂર પડ્યે તેમને સાફ કરવાનું અને નવડાવવા -જમાડવાનું કાર્ય પણ માની જેમ કરી લેતા.

 એ ત્રણે ય અમેરિકાભેગા થઇ ગયેલા દીકરાઓ, ત્યાંને ત્યાં જ સાથે ભણેલી અને સાથે જોબ કરતી અમેરિકન સિટિઝન છોકરીઓને પરણી જઈ, કાયમ માટે ત્યાં જ સેટલ પણ થઇ ગયા. સિદ્ધાંતવાદી પિતાએ તેમની પાસે ક્યારે ય એક ડોલર સુદ્ધા માંગ્યો-મંગાવ્યો નહિ અને એ લોકોએ સાચો ખોટો વિવેક પણ કર્યો નહિ.આ નાનકો ડોક્ટર દીકરો ચેતન અને તેની ભલી- ભોળી ડોક્ટર પત્ની ચેતના જ તેમના માટે શ્રવણની કાવડ સમા બની ગયા હતા.પરંતુ પાછલી ઉમરે ફિશ્ચુલા જેવી ભયંકર ત્રાસદાયી બીમારીનો ભોગ બની તેઓ દુખી દુખી થઇ ગયા.”ભોગ મારા કે મને આવી બીમારી આવી.”ડોક્ટર દીકરાએ પોતાના સર્જન મિત્ર મારફત તેમના ફિશ્ચુલાની સર્જરી તો કરાવી;પણ એક થી વધુ વાર ટબમાં બેસી બેસી, પરાણે  પરાણે કૂદકા મારતા રહેવા જેવું કરી, ‘સિત્ઝ બાથ’  માટે, તેમને હોસ્પીટલમાં સર્જને અને તેના સાથીદારે ટ્રેઈનિંગ આપેલ હોવા છતાંય તેમને તે ન ફાવતા, દીકરો ચેતન  તેમને ટબમાં બેસાડી એ અઘરી પ્રેક્ટિસ કરાવતો રહ્યો ને પછી તરબૂચની ફાડ જેવા ઘા પર પાટાપિંડી પણ કરતો રહ્યો અને અનેક વાર અકસ્માત થઇ જતી ગંદગીને સાફ કરતો રહ્યો .ક્લિનિક ઘરની નજીક જ હોવાથી ફોન કરીને બોલાવે કે તરત દોડીને આવી ટબમાં બેસાડવાનું,’સિત્ઝ બાથ’ની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી હાજર રહી અંતે સાફ સફાઈ કરી,બેન્ડેજ કરી પાછો “જરૂર પડે તો ફરી મને બોલાવજો.શરમ- સંકોચમાં ના રહેતા”એવું પ્રેમભાવે કહીને ક્લિનિક જાય એવો દીકરો તો શ્રવણને ય બે કદમ પાછો પાડી દેનાર કહેવાય, એમ તેમનું મન સતત કહ્યા કરતુ.પૂરા એક દોઢ મહિના સુધી આ નેચરલ હીલિંગ પ્રોસેસ ચાલ્યો અને આમ રોજના અસંખ્ય ધક્કા ખાનાર,દોડાદોડ કરનાર આ ડોક્ટર દીકરાને તેઓ સાક્ષાત ભગવાન જ માનવા લાગ્યા.

અમેરિકાવાસી દીકરાઓ કેવળમાત્ર પૂછવાના વિવેક ખાતર ફોન કરે અને છેલ્લે એમ જ કહે કે “કોઈ કોઈનું દુખ તો ક્યાંથી લઇ શકે?અહીં આનો વધારે સારો ઈલાજ થાય;પણ મોંઘો ડાટ હોય.ત્યાં સારું છે સસ્તામાં સીધપૂરની જાત્રાની જેમ પતી જશે.ચેતન  અને તેની વાઈફ ત્યાં છે અને તેમની ઓળખાણ પણ બહુ બધી હોય એટલે જરાય વાંધો નહિ આવે..ટેક કેર.” 

વિવેકના આ મીઠા- કડવા શબ્દો મૂંગે મોઢે ગળી જઈ તેઓ ચેતન સામે જોઈ બોલી ઊઠ્યા:”તું ન હોત તો મારું શું થાત?તેં જે કર્યું છે- મારા માટે -એ તો કોઈ કોઈના માટે ન કરે.મારી સાફ સફાઈ પણ તેં હોંસે હોંસે,હસતા મોઢે કરી છે.મને શરમ આવે છે બેટા!

“બોલતા જ નહિ બાપુજી!તમે તો જીવનભર વિધુર રહેવું પસંદ કરી, અમારા  ચારેયની નાનપણમાં સાફ સફાઈ કરી છે અને અમને ભણાવી ગણાવી મોટા ડોક્ટર બનાવ્યા છે એ ભૂલી જઈએ તો અમે નગુણા જ કહેવાઈએ ને?”

ડોક્ટર દીકરાના આવા પ્રેમાળ શબ્દો સાંભળી બાપ નિરંજનભાઈનો  દુખાવો અને દુખ બેઉ,પોતે જ દુખી દુખી થઇ, છૂમંતર થઇ ગયા.બાપના મનને ટાઢું ટાઢું લાગવા માંડ્યું. 

(સત્યઘટનાત્મક વાર્તા)                                         

 (સમાપ્ત) 

(‘છૂમંતર…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે.)

આવા સમાચાર…!

આવો કંપકંપાવી મૂકે એવો  ગોઝારો અકસ્માત તો ક્યારેય જોયો-વાંચ્યો-સાંભળ્યો નહોતો.અને તે ય લગભગ કાયમ પાણી વગર જ રહેતી,નામથી પણ ન જાણીતી એવી નદી વાસંતી, આલેર સ્ટેશનથી થોડે જ દૂર, એટલી બધી છલકાઈ જાય કે તેના પરનો પુલ ધોવાઇ જાય અને આખી ને આખી કાઝીપેટ એક્સપ્રેસ ટ્રેઈન જ તેમાં ઉથલી પડે અને લગભગ બધાજ મુસાફરોને જળસમાધિ   સ્વીકારવી પડે? સેંકડો સેંકડો સ્ત્રીઓ -પુરુષો અને બાળકો, હૈદરાબાદથી વહેલી સાંજે ઉપડેલી ટ્રેઈન, આલેર સ્ટેશનથી ઊપડી ન ઊપડી ને થોડી જ વારમાં  વિરમેલા વરસાદ પછીના, ઝાંખા ઝાંખા પ્રકાશવાળા આકાશમાં, પડી ગયેલી દિશાઓ વચ્ચે અસ્ત થતા સૂરજે પોતાની ધૂંધળી કિરણોની અસંખ્ય આંખોથી એક સાથે, સાગમટે જ અસંખ્ય અસંખ્ય મુસાફરોના જીવનનો પણ અસ્ત થતો જોયો.મૃત્યુ કોઈનો મલાજો રાખતું નથી -નાના કે મોટાનો,  ગરીબ કે  તવંગરનો,ભણેલા કે અભણનો. અને તેમાંય આવું ગોઝારું સામૂહિક અકસ્માત મૃત્યુ તો મોતને ય માત આપતું અને જીવનના મિથ્યાત્વને પુરવાર કરતું એવું તો ભયંકર હોય છે કે તેના સમાચાર સાંભળીને ય કમકમાટી છૂટી જાય.                 

સાંજની, વધારાની,સ્થાનિક  સમાચારપત્રની તાજી આવૃત્તિ પણ તાબડતોબ નીકળી,મુસાફરોના સગા- વહાલાઓ  બસમાં,ટેક્સીમાં ,પોતાની કારમાં અને રેલ્વે તરફથી દોડાવાતી સ્પેશ્યલ ટ્રેઈનમાં આલેર તરફ ઘાંઘા થઈને દોડ્યા.રેડક્રોસ સંસ્થાની બસો અને એમ્બ્યુલન્સો દોડાદોડ સિકંદરાબાદ -હૈદરાબાદથી, આલેરથી, ભોંગીરથી વાસંતી નદીના કિનારે પહોંચી ગઈ અને મૃતકોને બહાર કાઢવા મંડી પડી.પોતાનાને શોધવા-ઓળખવા-બચાવવા આવેલની સાથે આવા મોતના મોકાનો  પણ લાભ ઉઠાવનાર ચોર ઉચ્ચાક્કા ય સાગમટે પહોંચી ગયા.રડવાનું નાટક કરતા કરતા, ચીલઝડપે સ્ત્રીઓના ઘરેણા-દાગીના ખેંચવા-ઉતારવા લાગ્યા,નાક-કાન પણ ખેંચી -કાપી સોના-હીરાની જણસો ઝૂંટવવા મંડી પડ્યા.બહુ જ ઓછી સંખ્યામાં પહોંચેલા પોલિસકર્મીઓ તેમને રોકવાને બદલે પોતે પણ એવા જ, વહેતી ગંગામાં હાથ ધોઈ ખિસ્સા ગરમ કરવાના ક્વિક -કમાણી કરવાના કામમાં લાગી ગયા.પત્રકારો,ફોટોગ્રાફરો, જળ- સમાધિમાંથી બહાર કઢાતા શબોના મૂક સાક્ષી બની ફોટો ખેંચતા રહ્યા.

પોતાનાને ઓળખી-પહેચાની રડતા કકળતા સગા વહાલાઓનું ક્રન્દન આકાશમાંથી ઊતરી રહેલા ગીધો સમડીઓને પણ ગભરાવી મૂકે એવું જણાતું હતું.કોઈ કોઈબચેલાઓ જણાતા ઘાયલોને આલેર-ભોંગીરની, તેમ સિકંદરાબાદ-હૈદરાબાદની  હોસ્પિટલો પહોંચાડવાની વ્યવસ્થા થવા લાગી.મૃતકોને ખટારાઓમાં બકરાની જેમ લઇ જવાલાગ્યા.મૃતકો ઓળખાય નહિ એવા થઇ ગયા હતા.બીજે દિવસે સરકારે મૃતકો માટે તેમના પરિજનોને દેવા માટે પાંચ પાંચ લાખની સહાય જાહેર કરી.જીવતા જાગતા પણ આમ ગોઝારા અકસ્માતમાં મરનારના જીવનમૂલ્યનું આ અવમૂલ્યન ટીકાપાત્ર ગણાવા માંડ્યું.રેલ્વેમંત્રીએ  રાજીનામું આપવું જોઈએ એવી માંગણી પણ થવા લાગી.મરનારના સગા વહાલાઓને રેલ્વેમાં નોકરી મળવી જોઈએ એવી પણ માંગણી થવા માંડી.અકસ્માત મૃત્યુનું જાણે કે સટ્ટા બજાર ખુલી ગયું હોય એવું, રેડિયો  સાંભળનારાઓ અને સમાચારપત્રો  વાંચનારાઓને તેમ જ નવરા બેઠા પંચાત કરનારાઓને પ્રતીત થવા લાગ્યું.દૂરદર્શનનો  તો ત્યારે ભારતમાં હજી પ્રવેશ પણ નહોતો થયો.એટલે કલ્પનાની આંખથી જ સંજય દૃષ્ટિનો આશરે અંદાજો બંધાવો પડી રહ્યો હતો.   અને ત્યારે જ બપોરના રેડિયો સમાચારમાં એ ગોઝારા અકસ્માત કરતા ય ભયંકર સમાચાર પ્રસારિત થયા:” એક બચી ગયેલા મુસ્લિમ વૃદ્ધને તેના દીકરા-વહુને સોંપવા માટે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા તો એ શાણા વહેવારિક દંપતિએ જોર- શોરથી એ વૃદ્ધને પોતાના વડીલ તરીકે ઓળખવા સ્વીકારવાની ચોખ્ખી ના  જ પડી દીધી-બસ, ઘસીને ના  જ  પાડી દીધી.એ મૂંગા બહેરા થઇ ગયેલા વૃદ્ધના ખિસ્સામાંથી ઓળખ  આપતું પ્લાસ્ટિક કાર્ડ તેના પર્સમાં મળેલું, જેના આધારે તેના વહુ-દીકરાને તેની સોંપણી કરવા માટે બોલાવવામાં આવતા, તેમણે જાહેર કર્યું કે “અમે તો અમારા વડીલનો અગ્નિ સંસ્કાર જોઇને આવ્યા છીએ.આ ડોસો અમારો કોઈ નથી.આ તો કોઈએ અમારા વડીલનું ચોરેલું પર્સ –  કાર્ડ છે.મુસાફરોમાં ય આજકાલ ચોર ઉઠાવગીર ખુદાબખ્શ મુસાફરોની જેમ સફર કરતા હોય છે.”

મૃતકના પરિજનોને મળનાર પાંચ લાખ રૂપિયાની લાલચે, આંખની શરમને પણ નેવે મૂકી, જે નફ્ફટાઈથી તેઓ ચાલતા થઇ ગયા એ દૃશ્ય ઉઘાડી- રડતી આંખે એ વૃદ્ધે જોયું અને લાંચ લઇ ચુપ થનારા હોસ્પિટલના અધિકારીઓએ જોયું ન જોયું કર્યું અને રેડિયો પર સમાચાર ભળનારાઓએ પણ  રૂટીન સમાચારની જેમ જ પૂરી નિર્મમતાથી સાંભળ્યું – ન સાંભળ્યું કરી દીધું.

(સત્ય ઘટનાત્મક વાર્તા)                                                             સમાપ્ત

(‘આવા સમાચાર…!’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છે.)

 

Previous Older Entries

"ગુજરાતી ગઝલ™"

"ગુજરાતી ગઝલ ની દુનિયા"

નટવર મહેતાનો વાર્તા વૈભવ...

નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....

લલિત પરીખનું વાર્તા વિશ્વ...

લલિત પરીખની વાર્તાઓ

WordPress.com News

The latest news on WordPress.com and the WordPress community.

Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers